અર્ધું સત્ર પૂર્ણ થવા છતાં ધો.9 ની છાત્રાઓને એકપણ સાઈકલ મળી નથી
- સરસ્વતિ સાધના સાયકલ સહાય યોજનાની વાતો કાગળ પર
- ગત વર્ષની બાકી રહેલી 1052 આવી પણ હજુ 9198 સાયકલ સહાય ચુકવવાની બાકી
શાળામાં અભ્યાસ અર્થે પરિવહન સરળ બનાવવા સરકાર દ્વારા ધો.૯ની વિદ્યાર્થીનીઓ માટે સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના અમલી કરાઇ છે જે અંતર્ગત વિવિધ સરકારી ગ્રાન્ટેડ શાળામાંથી નિયત નિયમાનુસાર ડીમાન્ડ મંગાવવામાં આવે છે. જે અનુસાર ચાલુ વર્ષે કુલ ૯૧૯૮ની ડિમાન્ડ વિવિધ શાળાઓમાંથી આવી હતી અને એપ્રુવ પણ થવા પામી છે. જ્યારે આ સંપૂર્ણ વિગતો વડી કચેરીને અપાઇ છે જે નિયમાનુસાર ગ્રીમકી કંપની ટેન્ડરીંગ કરી ફાઇનલ ચેકિંગ કરી સાયકલ વિતરણ કરતી હોય છે. પરંતુ નવું શૈક્ષણિક પ્રથમ સત્ર પૂર્ણ થયું. પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાઇ ચુકી છે અને હાલ દિવાળી વેકેશન પડી ગયું છે છતાં આજ સુધીમાં ચાલુ વર્ષની ૯૧૯૮ સાયકલની ડિમાન્ડ સામે એક સાયકલ પણ ફાળવાઇ ન હોવાનું જણાયું છે. જ્યારે મળતી વિગતો મુજબ તાજેતરમાં બે તબક્કામાં ૧૦૫૨ સાયકલો આપી છે પણ તે ગત વર્ષની બાકી રહેલી હોવાનું જણાયું છે. આમ ડિમાન્ડ અને સાયકલ ફાળવણી વચ્ચે લાંબો સમયગાળો વિતી જતો હોય લાભાર્થીને એક વર્ષ સુધી સાયકલની રાહ જોવી પડે છે. સંલગ્ન એજન્સી દ્વારા પણ સાયકલ ફાળવણી પ્રક્રિયામાં ઢીલાશ રખાતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અરજદારો સાયકલ મેળવવા સ્કૂલના આચાર્યને તેમજ કચેરીએ પુછપરછ માટે ધક્કા ખાઇ રહ્યા છે જેને લઇ ડિમાન્ડના વધીને બે માસમાં સાયકલ વિતરણ કાર્ય શરૂ થાય તો ધો.૯માં જ વિદ્યાર્થીને સાયકલનો અને શાળાએ આવન-જાવનમાં રાહત આપવાનો ઉદેશ્ય ફળીભૂત થાય અન્યથા યોજના માત્ર વાહવાહી લૂંટવા માટે જ બની રહેશે.