શહેરના સરિતા શોપિંગ સેન્ટરની તમામ દુકાનનુ સાડા ત્રણ ફૂટ બાંધકામ તોડી પડાયુ
- હાઈકોર્ટના આદેશ બાદ ભાવનગર મહાપાલિકાએ કાર્યવાહી હાથ ધરી
- મહાપાલિકાની સુચના બાદ દુકાનદારોએ માલ-સામાન લઈ લીધો હતો, દબાણ હટાવવાની કામગીરી 12 કલાક ચાલી
શહેરના આરટીઓ સર્કલ નજીક આવેલ સરિતા શોપિંગ સેન્ટરમાં ૪૩ દુકાન-બેઝમેન્ટ આવેલ છે. આ શોપિંગ સેન્ટરના આગળના ભાગની સાડા ફૂટ જગ્યાની હાલ મહાપાલિકાને જરૂરીયાત હોવાથી મનપાએ વેપારીઓને બે દિવસ પૂર્વે જાણ કરી હતી, જેના પગલે વેપારીઓએ માલ-સામાન ખાલી કરી નાખ્યો હતો. આજે રવિવારે મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે સવારે ૧૦.૩૦ કલાકે સરિતા શોપિંગ સેન્ટરની આગળની સાડા ત્રણ ફૂટ જગ્યા તોડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી આશરે રાત્રીના ૧૧ કલાક સુધી ચાલી હોવાનુ જાણવા મળેલ છે. આ બાંધકામ તોડવામાં બે જેસીબી સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દબાણ હટાવની કામગીરી દરમિયાન મહાપાલિકાના કેટલાક અધિકારી-કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, શહેરના આરટીઓ સર્કલ નજીક આવેલ સરિતા શોપિંગ સેન્ટર છેલ્લા કેટલાક વર્ષથી સતત વિવાદમાં છે. આ શોપિંગ સેન્ટર ગેરકાયદે હોવાનુ મહાપાલિકાએ જણાવેલ છે. આ ગેરકાયદે શોપિંગ સેન્ટર પાડી દેવા માટે ભાવનગર મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે દોઢ માસ પૂર્વે રજીસ્ટ્રર એડી દ્વારા દુકાનદારોને નોટિસ મોકલી હતી. આ નોટિસના પગલે દુકાનદારોમાં રોષ ભભુકી ઉઠયો છે અને દુકાનદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે ગત બુધવારે ફરી હાઈકોર્ટમાં હિયરીંગ હતુ, જેમાં કોર્ટે મનપાને જરૂર હોય તેટલી જગ્યા આપવા જણાવેલ છે અને શોપીંગ સેન્ટર તોડવા અંગે સ્ટે આપ્યો નથી તેમ મનપાના ટાઉન ડેવલપમેન્ટ અધિકારી એન.વી.વઢવાણીયાએ જણાવ્યુ હતું. કોર્ટના આદેશ બાદ ગત ગુરૂવારે મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે સરિતા શોપીંગ સેન્ટર ખાતે જઈ માર્કીંગની કામગીરી કરી હતી. મહાપાલિકાને હાલ સાડા ત્રણ ફૂટ જગ્યાની જરૂર છે તેથી સાડા ત્રણ ફૂટ દુકાન તોડવા માટે મહાપાલિકાએ માર્કીંગ કરી દીધુ હતુ અને આજે દબાણ તોડવાની કામગીરી કરી હતી.
સરિતા શોપિંગ સેન્ટરની જગ્યાનુ જમીન સંપાદન કરાશે
ભાવનગર મહાપાલિકા દ્વારા ફલાય ઓવર બનાવવામાં આવી રહ્યો છે, જેના પગલે શાસ્ત્રીનગરથી સરિતા શોપિંગ સેન્ટર સુધી જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદે છે તેથી મનપાએ તેનો કેટલોક ભાગ તોડી પાડયો છે. આ જમીન જે તે વ્યકિતઓની માલિકીની છે તેથી મહાપાલિકા દ્વારા આ જગ્યા પર જમીન સંપાદનની કામગીરી કરવામાં આવશે તેમ મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગના અધિકારી વઢવાણીયાએ જણાવેલ છે.