Get The App

શહેરમાં વાહન કરના દરમાં અર્ધા ટકાનો કરાયેલ વધારો

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
શહેરમાં વાહન કરના દરમાં અર્ધા ટકાનો કરાયેલ વધારો 1 - image


- મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય

- આજે નિવૃત્ત થતા ઈન્ચાર્જ સિટી એન્જિનીયર દેવમુરારીની સરકારની બહાલીની અપેક્ષાએ 6 માસ માટે કરાર આધારિત નિમણૂક  

ભાવનગર : ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે સાંજે મળી હતી, જેમાં આજીવન વાહન કરના દરમાં અર્ધો ટકાનો વધારો કરવા નિર્ણય કરાયો હતો. આવતીકાલ તા.૩૧ના રોજ નિવૃત્ત થતા ઈન્ચાર્જ સિટી એન્જિનીયર દેવમુરારીને છ માસ માટે કરાર આધારિત નિમણૂક આપવાની દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરાઈ હતી. હવે બહાલી માટે સરકારમાં દરખાસ્ત કરાશે. બેઠકમાં જુદા જુદા કામના ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.

મહાપાલિકાના હોલ ખાતે આજે સાંજે પ કલાકે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળી હતી. સ્ટેન્ડીંગ કમિટિમાં ૩૭ ઠરાવ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને યોગ્ય ઠરાવને મંજુરી આપવામાં આવી હતી. કમ્પ્યુટરના ટેકનિકલ ઈસ્યુને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં લાંબી ચર્ચા ચાલી હતી.  

 શહેરમાં ઉપયોગ કરવા માટે રાખેલા વાહનો ઉપર કર વસુલવાની કામગીરી કરવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકામાં ગત તા. ૨૦/૨/૨૦૧૩થી મંજુર કરેલ વાહન કરનાં દરો મુજબ ગત તા. ૦૧/૦૪/૨૦૧૩થી આજીવન વાહન કર વસુલ કરવામાં આવે છે. અન્ય મહાપાલિકાઓની તુલનાએ ભાવનગર મહાનગરપાલિકાનાં વાહનકરના દરો પ્રમાણમાં ઓછા હોય ભાવનગર મહાપાલિકાની આવકમાં વધારો થાય અને શહેરના રહિશોને માળખાકીય સુવિધાઓ વધુ સારી રીતે પુરી પાડી શકાય તેમજ ઈલેકટ્રીક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવાનાં હેતુસર આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫થી વાહન કરનાં દરખાસ્તમાં જણાવ્યા મુજબ સુચિત આજીવન વાહન કરના દર રાખવા જરૂરી જણાય છે.

આ ઉપરાંત, ઇલેકટ્રીક વાહનોની ખરીદીમાં પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૨૪-૨૫માં ખરીદવામાં આવતા ઈલેકટ્રીક વાહનો ઉપર ભરવાપાત્ર વેરાની રકમનો ૨/૩ વાહનકર માફ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીદવામાં આવતા ઇલેકટ્રીક વાહનો ઉપર ભરવાપાત્ર વેરાની રકમમાં ૧/૩ વાહનકર માફ કરવો.  

શહેરની હદની બહાર રાખેલા પણ એવી હદની અંદર નિયમિતપણે વાપરવામાં આવતું વાહન શહેરમાં ઉપયોગ કરવા માટે રાખેલું છે, એમ ગણી શહેરની હદની બહારના સરનામાં પર નોંધાયેલ હોય પરંતુ શહેરમાં નિયમિતપણે વાપરવામાં આવતા વાહનો પર પણ મહાપાલિકા દ્વારા વાહન કર વસૂલ કરી શકાય. સામાન્ય રીતે શહેર હદ વિસ્તારથી નજીકનાં ગામોના સરનામાં પર નોંધાયેલ વાહનો પૈકી મોટાભાગના વાહનો શહેરમાં પણ નિયમિત વપરાતા હોય છે. ભાવનગર મહાનગરપાલિકાનાં રેવન્યુ હિતમાં શહેર હદથી આશરે પાંચ કિ.મી. વિસ્તારમાં આવેલા ગામો જેવા કે વરતેજ, ફરીયાદકા, શામપરા, બુધેલ, માલણકા, અવાણીયા, કાળા તળાવ વગેરે ગામો વિસ્તારનાં સરનામા પર નોંધાયેલ વાહનો ઉપર વાહન કર વસૂલવા જરૂરી જણાય છે. જે તમામ વિગતે ઉપરોકત મુજબનાં વાહન કરનાં સુચિત દરો, ઇલેકટ્રીક વાહનોની ખરીદી પર આંશિક રાહત તેમજ શહેર હદથી આશરે પાંચ કી.મી. વિસ્તારમાં આવેલા ગામોના સરનામાં પર નોંધાયેલા વાહનો ઉપર કર વસૂલવાની મંજુરી આપવા નિર્ણય કરવા. સહિતના ઠરાવોનો સમાવેશ થાય છે.  ગત તા. ૩૧/૧૨/૨૦૧૪ પછી મેન્યુફેકચર કે રજીસ્ટર્ડ થયેલા હોય તેવા જૂની માલિકીના વાહનો માટે કોઈ દરો નિયત થયેલા ન હોય આવા જૂના વાહનોનો વાહન કર વસૂલવા માટે દરો નિયત કરવા નિર્ણય કરવા બાબતે કમિશનર દ્વારા કરાયેલી દરખાસ્તના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા બાદ વાહન કરમાં અર્ધો ટકાનો વધારો કરવા નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, રૂ. ૭.૧૬ કરોડના વિકાસ કામને મંજુરી સહિતના વિવિધ ઠરાવને બહાલી અપાઈ હતી. 

દરમિયાનમાં, આવતીકાલ તા.૩૧ના રોજ નિવૃત્ત થઈ રહેલા મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર અને ઈન્ચાર્જ સિટી એન્જિનીયર દેવમુરારિને છ માસ માટે કરાર આધારિત નિમણૂક આપવાની બાબત અધ્યક્ષસ્થાનેથી લેવાઈ હતી. જેને સરકારની બહાલીની અપેક્ષાએ મંજૂરી આપવામાં આવી હતી. 

વિકાસ કામોમાં ગુણવત્તાનું બરાબર પાલન કરો : ચેરમેન

શહેરમાં હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસ કામોમાં ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ નહીં કરવા અને ગુણવત્તાનું બરાબર પાલન થાય તે જોવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સૂચના આપી હતી. 


Google NewsGoogle News