સૌરાષ્ટ્રમાં કરાં સાથે માવઠુંઃ ઉના પંથકમાં તોફાની પાંચ ઈંચ વરસાદ
કમોસમી વરસાદથી કેસર કેરી સહિતના ખેતીપાકને નુકસાન
ગોંડલ, કોટડાસાંગાણી, જસદણ, જામકંડોરણા, માણાવદર, વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વડિયા, લીલીયા, ખાંભા, સાવરકુંડલા પંથકમાં ઝાપટાથી દોઢ ઈંચ
રાજકોટ જિલ્લામાં આજે ધૂપછાંવનાં માહોલ વચ્ચે કમોસમી વરસાદ
વરસ્યો હતો. રાજકોટ શહેરનાં અમુક વિસ્તારોમાં છાંટા પડયા હતા. ગોંડલ તાલુકાનાં
ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે બપોરે ૩ વાગ્યાથી વરસાદ વરસી પડયો
હતો. જેમાં શેમળા, પાંચીયાવદર, ખરેડા, કોલીથડ, હડમતાળા ગામે
કરાં અને તોફાની પવન સાથે એકથી દોઢ ઈંચ માવઠું વરસી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યા
હતા. બિલીયાળા, ભોજપરા, ભુણાવા ગ્રામ્ય
વિસ્તારમાં પણ ઝાપટાં વરસ્યા હતા. જામકંડોરણામાં પણ બપોરે ર વાગ્યે ગાજવીજ સાથે
વરસાદી ઝાપટું વરસી ગયું હતું. જયારે
કોટડાસાંગાણી તાલુકાનાં રાજગઢ,
માણેકવાડા, મોટા
માંડવા, રામોદ, સતાપર, રામપરા, ખરેડા, અરડોઈ સહિતનાં
ગામોમાં પણ ઝાપટાંથી અડધા ઈંચ જેવો વરસાદ પડયો હતો. એ જ રીતે જસદણમાં બપોર બાદ
ગાજવીજ સાથે માવઠું વરસી પડતા માર્ગો પાણી પાણી થઈ ગયા હતા.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આજે બપોરથી મેઘાવી માહોલ છવાયો હતો. જેમાં ઉના તાલુકાના
સામતેર, કાણકબરડા, ગરાળ,રામેશ્વર સહિતના
ગ્રામ્ય પંથકમાં ભારે પવન અને કરા સાથે ચારથી પાંચ ઇંચ કમોસમી વરસાદ પડયો હતો.
નીચાણવાળા વિસ્તારમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તો કેરીના પાકને વ્યાપક
નુકસાન થયું હતું. જ્યારે અન્ય પાક ઢળી ગયો હતો. હાલ ભર ઉનાળે કમોસમી વરસાદના
કારણે કેરી ઉપરાંત તલ, મગ, પશુઓના ચારામાં
નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.
માણાવદર પંથકમાં આજે બપોરે મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો
હતો. અને કડાકા ભડાકા સાથે અડધો ઇંચ કમોસમી વરસાદ શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા.
જ્યારે ખેતીપાકને નુકસાન થયું હતું. અચાનક આવેલા વરસાદથી ખેડૂતો અને જિનિંગ મિલમા
દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત વિસાવદર તાલુકાના છાલડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં
પણ અડધો ઇંચ જેટલો કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થયું હતું. જ્યારે માળીયા
હાટીનાં તાલુકાના જલંધર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવન સાથે અડધાથી એક ઇંચ
જેટલો વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં બપોરે ત્રણેક વાગ્યા આસપાસ ઝાપટુ વરસ્યું
હતું. જેમાં રસ્તાઓ ભીંજાયા હતા
તાલાલા પંથકમાં
ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં કેસર કેરી તથા લસણ, ડુંગળી સહિત ખેત
પેદાશોને વ્યાપક નુકસાન થતાં કેસર કેરીના ઉત્પાદક કિસાનો દયાજનક સ્થિતિમાં મુકાઇ
ગયા છે. આજે બપોરે બે વાગ્યા બાદ ગાજવીજ
સાથે કમોસમી વરસાદ શરૃ થયા બાદ ભારે પવન અને કરા પડવા લાગ્યા હતા. આ વરસાદ તાલાલા
પંથકના હિરણવેલ થી આંકોલવાડી ગીર સુધીના પટ્ટામાં ૨૦ થી ૨૫ મીનીટ ભારે પવન સાથે
પડયો હતો. જેની ૨૦ જેટલા ગામોમાં વ્યાપક અસર થઈ હતી. આ ઉપરાંત તાલાલા પંથકના અન્ય
ગામોમાં છુટો છવાયો વરસાદ થયો હતો.
અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદ વરસી પડયો હતો. વડિયા
અને કુંકાવાવ પંથકનાં ખાખરીયા,
સૂર્યપ્રતાપગઢ, અરજણસુખ, અનિડા, ઉજળા, મોટી કુંકાવાવ
સહિતનાં ગામોમાં તોફાની પવન,
ગાજવીજ અને બરફનાં કરાં સાથે માવઠું વરસી જતાં ઘઉં, ચણા, જીરૃં, લસણ સહિતનાં તૈયાર
પાકને નુકસાન થયું હતું. એ જ રીતે લીલીયા શહેર અને તાલુકામાં પણ આજે બપોર બાદ
તોફાની અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. ખાંભા તાલુકાનાં ડેડાણ બાજુનાં જામકા
અને શાણા વાંકીયા ગામે કરાં સાથે માવઠું પડયું હતું. સાવરકુંડલા તાલુકાના પીઠવડી, વંડા, શેલણા, નેસડી, કાનાતળાવ, બાઢડા, ગાધકડા, ચરખડીયા વગેરે
ગામોમાં ગાજવીજ સાથે એકાદ ઈંચ વરસાદ પડયો હતો.