Get The App

જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ, ટ્રાયબલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં 341 વિદ્યાર્થી પ્રવેશ મેળવશે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ, ટ્રાયબલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં 341 વિદ્યાર્થી પ્રવેશ મેળવશે 1 - image


- શિક્ષણ વિભાગની કોમન એન્ટ્રેન્સ પરીક્ષા પાસ થયા બાદ

- ધો. 6 થી 12 સુધીના સળંગ અભ્યાસ માટે બીજા સત્ર માટે 7 દિવસમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે

ભાવનગર : શિક્ષણના વ્યાપને વધારવા શિક્ષણ તંત્ર દ્વારા ત્રણ પ્રકારની સ્કૂલમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટે કોમન એન્ટ્રેન્સ પરીક્ષા યોજી હતી જેમાં જિલ્લામાંથી ધો.૬ના ૩૦૮૬ વિદ્યાર્થી પાસ થયા હતાં. જો કે, પસંદગી પ્રક્રિયા બાદ ૩૪૧ વિદ્યાર્થીઓએ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, ટ્રાયબલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલની પસંદગી કરી હતી જેનું લીસ્ટ જાહેર થયું છે. જેઓએ બીજા સત્રથી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

શિક્ષણ વિભાગના કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ ૨૦૨૩ અંતર્ગત મેરીટમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓનું ઓનલાઇન સિસ્ટમ દ્વારા પસંદ કરેલ યોજનાની અગ્રીમતાના આધારે તેને શાળા ફાળવવામાં આવેલ છે. જે વિદ્યાર્થઈઓએ કેટ બેઇઝ યોજના પૈકી જ્ઞાાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ, જ્ઞાાન શક્તિ ટ્રાયબલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ, રક્ષા શક્તિ સ્કૂલ્સ યોજનામાં પસંદ પામેલ છે તેમને જે તે સ્કૂલના આચાર્યો નિયત વેબસાઇટમાં લોગીન થઇ શાળા પ્રવેશ અંગેનું શાળા પ્રવેશપત્ર ડાઉનલોડ કરી દરેક બાળકોનો ટેલીફોનીક કે રૂબરૂ સંપર્ક કરી જે તે વિદ્યાર્થીઓ દિવસ ૭માં જે તે શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરે તે જોવાનું રહેશે.

રક્ષા શક્તિ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન પાસે મેડીકલ ફીટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ સંબંધિત શાળામાં પ્રવેશ મેળવવાનો રહેશે. જો કે, આ ત્રણ સ્કીમ ઉપરાંત સ્કોલર્શીપની કેટ પરીક્ષામાં ભાવનગર જિલ્લાના ૩૦૮૬ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જેઓને પસંદગી પ્રક્રિયા ઓનલાઇન અપાઇ હતી જે અંતર્ગત ફાઇનલ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં ૩૨૨ વિદ્યાર્થી રક્ષા શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સમાં ૧૭ વિદ્યાર્થી અને જ્ઞાન શક્તિ ટ્રાયબલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં ૨ વિદ્યાર્થી મળી કુલ ૩૪૧ વિદ્યાર્થીની પસંદગી પ્રક્રિયા કરાય છે. જો કે, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલના ફોર્મેટમાં રામકૃષ્ણ સ્કૂલ મહુવા મોટા આસરાણા આવે છે. જેમાં તમામ સીટો ભરાવાને સંભવ છે. જો કે, આ એડમીશન બાદ વધેલા પ્રવેશ અન્ય જિલ્લામાં બદલાશે. ઉક્ત તમામ વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષના અડધા સત્રથી પ્રવેશ મેળવી ધો.૧૨ સુધીનો અભ્યાસ કરી શકશે.

બોક્સ

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલર્શીપની યાદી હવે બહાર પડશે

કોમન એન્ટ્રેન્સ ટેસ્ટમાં ભાવનગર જિલ્લાના ૩૦૮૬ ધો.૬ના વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ઓનલાઇન પદ્ધતિથી ચાર સ્કીમમાંથી પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેમાં ૩૪૧ વિદ્યાર્થીઓએ રેસીડેન્સીયલ, ટ્રાયબલ અને રક્ષા શક્તિ સ્કૂલની પસંદગી કરી હતી. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ સંભવતઃ જ્ઞાનસેતુ મેરીટ સ્કોલર્શીપ કે જેમાં ખાનગી, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સીધી સ્કોલર્શીપની નિયત રકમના વાઉચર અપાશે જે સ્કૂલમાં જમા કરાશે. જો કે, આ સ્કોલર્શીપ યોજનાની યાદી હજુ બાકી હોવાનું ડીપીઓએ જણાવ્યું હતું.

કેટમાં પાસ થયેલ જિલ્લાના 2 વિદ્યાર્થીએ ટ્રાયબલ સ્કૂલની પસંદગી કરી

જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલની સુવિધા ભાવનગગર જિલ્લામાં હોવાથી તેના વિદ્યાર્થીઓને સમાવી શકાય છે પરંતુ ટ્રાયબલ સ્કૂલ ન હોવાથી આદિવાસી બે વિદ્યાર્થીઓએ શાળા પસંદગી કરતા અન્ય જિલ્લામાં કે જ્યાં આ સ્કૂલો હોય ત્યાં અભ્યાસ અર્થે જવું પડશે.


Google NewsGoogle News