આરોગ્ય કેન્દ્રોમાં ગુટલીબાજ કર્મીઓ પર 'બાયોમેટ્રિકથી હાજરી'નો ગાળિયો કસાયો
- કર્મચારીઓની સતત ગેરહાજરીની ફરિયાદો બાદ મ્યુનિ.તંત્ર એકશનમાં
- તમામ કર્મીઓએ હવે ફેસ અને ફિંગરથી હાજરી પુરવાની રહેશેઃ નવી સિસ્ટમથી કર્મીઓની નિયમિતતામાં વધારો થવાનો તંત્રનો દાવો
ભાવનગર મહાનગરાપલિકાના આરોગ્ય વિભાગ હસ્તક હાલ શહેરમાં સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર, સીપીએમ યુનિટ, સિટી ટીબી ઓફિસ સહિત ૪૦ સ્થળોએ આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવે છે. અલગ-અલગ સંવર્ગ જેમ કે મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, સ્ટાફ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, કોમ્પ્યુંટર ઓપરેટર વિગેરે પદ પર ફરજ બજાવતાં કર્મચારીઓ પૈકી અમુક કેન્દ્રો ખાતે અમુક કર્મચારીઓ ફરજ પર હાજર રહેતા ન હોવાની મહાપાલિકા તંત્રને ફરિયાદો મળી હતી. તંત્ર સમક્ષ આરોગ્ય કેન્દ્રો પર કર્મચારીઓની સતત ગેરહાજરી અને ફરજમાં બેદરકારીની ફરિયાદો ધ્યાને આવતાં આ તમામ ૪૦ કેન્દ્રો સહિતના સ્થળોેએ કર્મચારીઓની હાજરી નોંધવા માટે બાયોમેટ્રિક ડીવાઈસ લગાવવામાં આવ્યું છે. જેના પગલે હવે તમામ કર્મચારીઓએ આ ડીવાઈસમાં ફેસ તથા ફિંગરથી હાજરી નોંધવાની રહેશે. હાજરી નોંધવાના આ નવિનતમ પ્રયોગના કારણે ફરજ પર ગેરહાજર રહેતાં ગુટલીબાજ કર્મચારીઓ અંકુશમાં આવશે તેવો સ્ટેન્ડિંગ ચેરમેને દાવો કર્યો છે. એટલું જ નહીં, આ સિસ્ટમના કારણે અધિકારી તથા કર્મચારીઓની નિયમિતતામાં વધારો થશે. તેવો પણ ચેરમેને વિગતો આપતાં દાવા સાથે જણાવ્યું હતું. જો કે, આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ ગુટલી મારતાં હોવાની ફરિયાદો વ્યાપક અને રોજિંદી બની હતી. તંત્રએ મોડે મોડે અમલ શરૂ કર્યો છે. ત્યારે ગુટલીબાજો તંત્રના આ નવા પ્રયોગનો કેટલાં અંશે અમલ કરે છે તે જોવું રહ્યું.