બગદાણામાં રવિવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
બગદાણામાં રવિવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે 1 - image


- કામગીરીની વહેંચણી કરી જવાબદારીની સોંપણી કરાઈ

- ગુરૂઆશ્રમમાં 350 ગામોના 700 પ્રતિનિધિઓની બેઠક મળી, પરિસર અને બંને રસોડા વિભાગમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું

કુંઢેલી : સંત બજરંગદાસ બાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આગામી તા.૨૧ ને રવિવારના રોજ ગુરૂપૂણમા મહોત્સવ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ઉજવણી માટે પૂર્વ તૈયારીઓનો ધમધમાટ ગુરૂઆશ્રમ ખાતે જોવા મળી રહ્યો છે. તૈયારીના ભાગરૂપે સમગ્ર આશ્રમના પરિસર તેમજ બંને રસોડા વિભાગમાં સઘન રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

ગુરૂપૂણમા મહોત્સવમાં આશરે એક લાખથી પણ વધારે ભાવિકો,શ્રદ્ધાળુઓની વિશેષ ઉપસ્થિત રહેશે તેવી ધારણા સાથે આશ્રમના રસોડા વિભાગ સહિતમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. રસોઈ ઘરમાં ૨૦,૦૦૦ કિલોના લાડવા પ્રસાદ તેમજ ૫,૦૦૦ કિલો ગાંઠિયા, ૮,૦૦૦ કિલો શાકભાજી, ૨,૦૦૦ કિલો  તુવેેરદાળ તેમજ ૫,૦૦૦ કિલો રોટલી તથા ૩,૦૦૦ કિલોગ્રામ ચોખાનો ઉપયોગ થશે. પરંપરા મુજબ સૌ યાત્રાળુજનોને પંગતમાં બેસીને પ્રસાદ પીરસવામાં આવે છે. વ્યવસ્થા માટે બહેનો અને ભાઈઓ  બંને માટે ભોજનશાળા અલગ-અલગ રહેશે.દરમિયાનમાં રવિવારે બગદાણા ખાતેના સત્સંગ હોલ ખાતે આશરે ૩૫૦ ગામોના ૭૦૦ જેટલા સ્વયસેવકોની એક ખાસ મીટીંગ મળી હતી. તેમાં ગામ દીઠ મુખ્ય બે પ્રતિનિધિઓની ઉપસ્થિતી રહી હતી. જેમાં કામગીરીની વહેંચણી કરી જવાબદારી સોંપવામાં આવી હતી અને ગુરૂપૂણમાના દિવસની સેવા માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ સાથે બાપાનું ભજન અને ગાયત્રી મંત્રના શાંતિ પાઠ સાથે આ સભાનું સમાપન થયું હતું. આ મિટિંગમાં મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગરે ઓડિયો સંદેશ પાઠવ્યો હતો. આ સાથે કાંતિભાઈ પુરોહિત માર્કંડભાઈ પંડયા, મેનેજર સુરુભા ગોહિલ, દિનેશભાઈ રાઠોડ, કરણાભાઈ ભમ્મર, બગદાણાના પી.એસ.આઇ. સહિતનાએ માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.તાલીમ અને માર્ગદર્શન માટેની આ સભામાં સ્વયંસેવકોના દરેક ગામોમાં વધુને વધુ વૃક્ષ વવાય અને તેનું જતન થાય તેમજ આગામી પૂ.બાપા ની ૫૦મી પુણ્યતિથી (૨૦૨૭) સુધીમાં ૧ લાખ વૃક્ષો વવાય અને તેનો ઉછેર થાય તે માટે સૌને હાકલ કરવામાં આવી હતી.  બાપાનો વૃક્ષપ્રેમ ખૂબ જાણીતો છે,ત્યારે સૌ સ્વયંસેવકોએ આ વાતને એકી સાથે હર્ષભેર વધાવી લીધી હતી. રસોડા અને ભોજનશાળા વિભાગ ઉપરાંત આરતી, દર્શન, ચા પાણી, પાકગ, સફાઈકામ જેવા એક ડઝન જેટલા વિભાગોમાં આ સ્વયંસેવકો કામગીરી બજાવશે.

બગદાણા તરફના માર્ગોના રીપેરીંગ કામ માટે ગુરૂઆશ્રમ દ્વારા રજૂઆત

ગુરૂ પૂર્ણિમા મહોત્સવના તહેવાર નિમિત્તે બગદાણાધામમાં  મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાળુઓની ઉપસ્થિતિ રહેતી હોય છે. ત્યારે ચારેય દિશાઓ માંથી લોકો ગુરૂમહારાજના ચરણોમાં શિશ નમાવવા પહોંચતા હોય છે. ગુરૂપૂણમાના દિવસે યાત્રાળુઓ અને વાહન ચાલકોને તકલીફ ના પડે તે માટે ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા લેખિત અને ટેલિફોનીક રજૂઆતો કરવામાં આવી છે. તળાજા- પાલીતાણા તરફથી વાયા ઠાડચ, ઠળિયા, રાળગોન તરફનો માર્ગ તેમજ ઓથા, રોહિસા, મહુવા તરફનો માર્ગ તૂટેલો અને અકસ્માત નોતરે તેવો હોય વહેલી તકે મરામત માંગે છે. ત્યારે વિના વિલંબે આ તદ્રન બિસ્માર માર્ગોેની મરામત હાથ ધરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.


Google NewsGoogle News