Get The App

ગુજરાતની સૌપ્રથમ રાજકોટની એઈમ્સ લોકોની નજીવા દરે સારવાર માટે સજ્જ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ગુજરાતની સૌપ્રથમ રાજકોટની એઈમ્સ લોકોની નજીવા દરે સારવાર માટે સજ્જ 1 - image


- રવિવારે લોકાર્પણ પૂર્વે ડાયરેક્ટર ડો.કટોચ અને ડો.અરોરાની જાહેરાત 

- ત્રણ વર્ષમાં 250 બેડ કાર્યાન્વિત કરાઈ, લોકાર્પણ પૂર્વે 1.44 લાખ લોકોને  ઓ.પી.ડી.સારવાર,સૌરાષ્ટ્રના હાર્ટએટેક,કેન્સર જેવા રોગો પર થશે રિસર્ચ

- એર એમ્બ્યુલન્સ માટે ૩ હેલીપેડ, દર્દીના સંબંધીને રહેવા વ્યવસ્થા, ઈ-રિક્ષા,વેસ્ટ રિસાયકલ,જળસંચય વૃક્ષારોપણ દ્વારા હરિયાળુ પર્યાવરણ

- રાજકોટમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ સુવિધા,વડાપ્રધાન આગમન પૂર્વે ત્રણ હેલીકોપ્ટરોએ કર્યુ ઉતરાણ

- એઈમ્સમાં 69 ફેકલ્ટી,16 પીજી સહિત 216 વિદ્યાર્થીઓ,391 ટ્રેઈન્ડ નર્સો,125 ડોક્ટરો,આયુષ તજજ્ઞા સહિત પાંચસોથી વધારે સ્ટાફ 

રાજકોટ : ગુજરાતની સૌ પ્રથમ એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ) અર્થાત્ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાાન  સંસ્થાનનું તા.૨૫-૨-૨૦૨૪ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આજે એઈમ્સના એક્ઝી.ડાયરેક્ટર ડો.સી.ડી.એસ.કટોચ અને ડે.ડાયરેક્ટર ડો.પુનીત અરોરાએ માહિતી આપતા જણાવ્યું કે લોકોને એકદમ નજીવા દરે ઉત્કૃષ્ટ સારવાર માટે હોસ્પિટલ પાણી,વિજળી,રસ્તા,નેટની કનેક્ટીવીટી, ટ્રાન્સપોર્ટથી માંડીને ઓપરેશન થિયેટર,ડોક્ટરો,નર્સીસ, સ્ટાફ અને દર્દીના સગાને રહેવા જમવાની સુવિધા સાથે સંપૂર્ણ સજ્જ છે.  અનેક અવરોધો વચ્ચે એઈમ્સની ૨૫૦ બેડ માત્ર ત્રણ વર્ષના સમયમાં કાર્યરત કરી શકાઈ તે મોટી સિધ્ધિ છે અને થોડા દિવસોમાં જ દર્દીઓને ઈન્ડોર સારવાર મળતી શરુ થઈ જશે. 

રૂ।.૧૧૯૫ કરોડના ખર્ચે સાકાર થયેલી આ એઈમ્સમાં (૧) દર્દીઓની નજીવા દરે દેશની સર્વોત્તમ સારવાર (૨) ભાવિ તબીબો તૈયાર કરવા મેડીકલ કોલેજ અને (૩) પ્રવર્તમાન રોગો પર સંશોધન કરીને તેને નિવારવા પ્રયાસો એ ત્રણ હેતુ  છે. આજે એક પ્રશ્નના ઉત્તરમાં એક્ઝી.ડાયરેક્ટરે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં ઓરલ અને સર્વાઈકલ કેન્સર, અચાનક આવતા હાર્ટ એટેક સહિત રોગો ઉપર અમે સંશોધન કરીને રોગથી બચવા, લાઈફ સ્ટાઈલ સુધારવા લોકોને તજજ્ઞા માર્ગદર્શન આપીશું. 

એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરે જણાવ્યું કે લોકાર્પણ થાય તે પહેલા લોકોની જરૂરિયાત ધ્યાને લઈને અમે ખાતમુહુર્ત થયાના બરાબર એક વર્ષમાં જ તા.૩૧-૧૨-૨૦૨૧ના ઓ.પી.ડી.સેવા શરુ કરી દીધી હતી અને આજ સુધીમાં ૧,૪૪,૬૧૪ દર્દીઓને સારવાર મલી છે, હાલ રોજ ૪૫૦થી ૫૦૦ દર્દીઓ આવે છે. ઉપરાંત તા.૨૪-૨-૨૦૨૨થી ટેલી મેડીસીન શરુ કરાઈ છે જેમાં ઘર બેઠા દર્દીને ઓપીડી સારવાર મળે છે જેમાં ૭૦,૩૩૭ દર્દીઓ સાથે ડોક્ટરોએ પરામર્શ કર્યો છે.

સારવારની સજ્જતા અંગે તેમણે ઉમેર્યું  ઓર્થો,જનરલ,ઓબ્સ્ટેટ્રિક્સ, ગાયનેકોલોજી, ઈએનટી,ઓપ્થેલ્મોલોજી સહિત શાખાઓમાં અત્યાધુનિક મોડયુલર ઓપરેટરીંગ થિયેટર, એમ.આર.આઈ.એક્સરે સહિત નિદાન સેવા, લોકોને સસ્તી દવા મળે તે માટે હોસ્પિટલ પરિસરમાં જ ફાર્મસી, ઓક્સીજન સહિત સુવિધાઓ થઈ ગઈ છે. કટોકટીમાં ઝડપી સારવાર માટે ૩૫ બેડ રખાઈ છે તો ડ્રોનથી જરૂરી ટેસ્ટીંગ કરાવવા માટે પણ વ્યવસ્થા છે. ભવિષ્યમાં કન્ટેનર હોસ્પિટલથી કોઈ આફતના સ્થળે પણ સારવાર આપી શકાશે અને હોસ્પિટલ આસપાસ હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ત્વરિત સારવાર માટે એમ્બ્યુલન્સ અને હોસ્પિટલમાં ટ્રોમા સહિત સેવા ઉપલબ્ધ કરી લેવાઈ છે. વાયરલ રોગો માટે અદ્યતન લેબ પણ સ્થાપિત કરાઈ છે તેથી રાજકોટથી જ ગંભીર રોગનુ નિદાન શક્ય બનશે. રાજકોટ એઈમ્સએ સીજીએચએસ સાથે કેશલેસ હેલ્થકેર માટે એમ.ઓ.યુ. કર્યા છે. બ્લડ બેન્ક નહીં પણ બ્લડ સ્ટોરેજ માટે લાયસન્સ મેળવી લેવાયું છે. આયુષ બ્લોક,એકેડેમિક, આઈપીડી અને શબઘરમાં નવા ધોરણો મૂજબ એરકન્ડીશનીંગ રખાયું છે. મોબાઈલ કવરેજ માટે ચાર કંપનીઓના પુરતા ટાવર તથા  કનેક્ટીવીટી માટે આઈ.એલ.એલ.આઈબીએસ સ્થાપિત કરાયેલ છે. 

આ એકમાત્ર હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ એટલે કે દર્દીને હવાઈ માર્ગે લાવવા-લઈ જવા  માટે તથા વી.આઈ.પી.ઓને આવવા-જવા માટે ત્રણ હેલીપેડ તૈયાર કરાયા છે અને વડાપ્રધાનના આગમન પૂર્વે આજે ત્રણ હેલીકોપ્ટરોએ અહીં લેન્ડીંગ પણ કર્યું હતું. 

હોસ્પિટલ પરિસરમાં ભગવાન બુધ્ધ અને મહર્ષિ સુશ્રુત તથા માનવજીવનના  ૭ વર્તુળો સ્થાપિત કરાયા છે. પર્યાવરણ માટે લીધેલા પગલા અંગે ડો.કટોચે ઉમેર્યું કે એઈમ્સની ગટરમાં નીકળતું પાણી તથા કચરો પરિસર બહાર નહીં જાય બલ્કે તેનું ત્યાં જ રિસાયકલીંગ કરાશે. દર્દીઓ માટે હાલ ચાર ઈ-રિક્ષા   રખાઈ છે, વરસાદી પાણી સંગ્રહવા જળસંચય રખાયું છે. સદ્ભાવના સંસ્થા દ્વારા સઘન વૃક્ષારોપણ કરાયું છે.

હોસ્પિટલમાં હાલ ૬૯ ફેકલ્ટી સાથે ૨૦૦ અન્ડરગ્રેજ્યુએટ અને ૧૬ પી.જી.વિદ્યાર્થીઓ છે, ખાસ તાલીમ અપાયેલ ૩૯૧ નર્સો અને ૧૨૫ એમ.ડી.,એમ.એસ. અને એમબીબીએસ  તબીબો પણ ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત ૨૮ અન્ય સ્ટાફ સાથે કૂલ ૫૦૦થી વધારેનો સ્ટાફ છે.

એઈમ્સમાં આયુર્વેદનું મહત્વ, 30 આયુષ બેડ કાર્યરત કરાશે

રાજકોટ એઈમ્સમાં એલોપથી સાથે ભારતની પ્રાચીન અને વિશ્વભરમાં વધુ પ્રચલિત થઈ રહેલી આયુર્વેદ સેવા પણ ઉપલબ્ધ થશે. ૩૦ બેડ ખાસ આયુષ દર્દીઓ માટે ઉપલબ્ધ થશે જે માટે તજજ્ઞા આયુર્વેદાચાર્યો નિયુક્ત થઈ રહ્યા છે. ડે.ડાયરેક્ટર ડો.પુનિત અરોરાએ જણાવ્યું કે હોસ્પિટલ પરિસરમાં આયુર્વેદિક ઔષધિ માટે હર્બલ ગાર્ડન પણ બનાવવામાં આવી રહ્યો છે. 

રાજકોટ એઈમ્સમાં ઓપીડીનો ચાર્જ 10,બેડનો ચાર્જ રૂ।.35

રાજકોટ એઈમ્સમાં ચાર્જ દિલ્હી એઈમ્સના ધોરણો મૂજબ રહેશે તેમ જણાવાયું હતું. જે મૂજબ ઓ.પી.ડી. માટે માત્ર રૂ।.૧૦નો ચાર્જ, બેડ પ્રતિ દિન માટે રૂ।.૩૫ (ઓપરેશન વગેરે અલગ), તથા વિવિધ પ્રકારના મોટાભાગના બ્લડ ટેસ્ટના ભાવ પ્રતિ ટેસ્ટ રૂ।.૨૫ અને ૫૦નું ધોરણ હોય છે. 

રાજકોટ એઈમ્સમાં 750 બેડ કાર્યરત થતા હજુ એક વર્ષ થશે

રાજકોટ એઈમ્સનું તા.૨૫ને રવિવારે લોકાર્પણ થઈ રહ્યું છે અને ત્યારબાદ માર્ચના પ્રથમ સપ્તાહમાં દર્દીઓ દાખલ કરવાનું શરુ થાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે કોરોના કાળમાં હોસ્પિટલનું ખાતમુહુર્ત થયું હતું, અહીં પથરાળ જમીન, વિજળી લાઈન ફેરવવી, રોડ કનેક્ટીવીટી સહિત અનેક પ્રશ્નોને કારણે  થોડુ મોડુ થયું હતું. છતાં એક વર્ષમાં ઓ.પી.ડી. અને ૩ વર્ષમાં આઈ.પી.ડી. શરુ થઈ રહી છે. ઈ.સ.૨૦૨૪નું વર્ષ પૂરું થતા સુધીમાં પૂરી ૭૫૦ બેડ કાર્યરત કરવા આયોજન છે.


Google NewsGoogle News