mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાતમાં 3 દસકામાં વસ્તી 55 ટકા વધી,વન વિસ્તાર માત્ર 15 ટકા વધ્યો

- આજે વિશ્વ વન દિવસ, કોરોનાને મ્હાત દેવા પણ વન જરૂરી

Updated: Mar 20th, 2021

ગુજરાતમાં 3 દસકામાં વસ્તી 55 ટકા વધી,વન વિસ્તાર માત્ર 15 ટકા વધ્યો 1 - image


- હજારો કોરોના દર્દીઓને જેના બાટલા ચડાવાયા તે પ્રાણવાયુ વૃક્ષો જ આપે છે છતાં શહેરોમાં વૃક્ષ વિનાશ

- યુનોનો આ ખાસ દિનનો વિચારઃ જંગલને પુનઃસ્થાપિત કરીને સાજા થવાનો,સ્વાસ્થ્યનો માર્ગ કંડારવો 

- ઈ.૧૯૯૧માં ૪ કરોડ ગુજરાતી ૨૦૧૧માં વધીને ૬ કરોડ થયા, જ્યારે ત્રીસ વર્ષમાં ફોરેસ્ટ એરિયા ૯.૮૯ ટકામાંથી માત્ર ૧૧.૧૮ ટકા

- મેન્ગ્રોવના જંગલ વધ્યા પણ ગત ત્રણ વર્ષથી એકંદર વન વિસ્તારમાં ઘટાડો, હરિયાળા જંગલને બદલે કોંક્રિટના જંગલોને વધારે ઉત્તેજન 

રાજકોટ 

આવતીકાલ રવિવાર તા.૨૧ માર્ચના દિવસે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા ઈ.૨૦૧૨ના ઠરાવ અન્વયે વર્લ્ડ ફોરેસ્ટ ડે અર્થાત્ વિશ્વ વન દિવસની ઉજવણી કરાશે. ગુજરાતમાં ઈ.સ.૧૯૯૧માં ૪.૧૩ કરોડની વસ્તી ,૨૦૦૧માં પાંચ કરોડ ગુજરાતીઓ ઈ.૨૦૧૧માં ૬.૦૪ કરોડ થયા છે. આજે ૬.૫૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે  જેની ગણત્રી બાકી છે. અર્થાત વસ્તીમાં ્ આશરે ૫૦થી ૬૦ ટકાનો વધારો થયો છે.  ત્યારે બીજી તરફ વન વિસ્તાર૧૯૦૧૪ ચો.કિ.મી.થી વધીને માત્ર ૨૧૮૫૯ ચો.કિ.મી. અર્થાત્ માત્ર ૧૫ ટકાનો વધારો થયો છે.

સરકારના એક અહેવાલ મૂજબ ઈ.સ.૨૦૧૮-૧૯ની સ્થિતિએ રાજ્યના ૩૩  જિલ્લાઓના ૧.૯૬ લાખ ચોરસ કિલોમીટરના એરિયામાં  જંગલ વિસ્તાર માત્ર ૨૧,૮૫૯ ચો.કિ.મી. એટલે કે ૧૧.૧૪ ટકા જ છે. ૧૯૯૧ની સાપેક્ષે તેમાં વધારો હોવાનું જણાય છે પરંતુ, એક વાસ્તવિકતા આંકડા પરથી જ એ નજરે પડી છે કે ઈ.સ.૨૦૧૫-૧૬માં આ વિસ્તાર ૧૧.૩૬ ટકા હતો તે ઘટીને ૧૧.૧૪ ટકા થયો છે. અર્થાત્ વન વિસ્તાર ગત ત્રણ વર્ષમાં ૪૪૦ ચો.કિ.મી. જેટલો ઘટયો છે.  અલબત, મેન્ગ્રોવ જંગલનો વિસ્તાર ૧૭ વર્ષમાં ૯૧૧ ચો.કિ.મી.થી વધીને ૩૬૦૦ ચો.કિ.મી. થયો છે પરંતુ, એકંદરે વન વિસ્તાર ઘટવા સાથે સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે શહેરી  વિસ્તાર કે જ્યાં ગીચ વસ્તી છે ત્યાં વન વિસ્તાર કહેવાપુરતો રહ્યો છે.

ઉદાહરણ તરીકે અમદાવાદ જિલ્લાના ૭૧૭૦ ચો.કિ.મી.એરિયામાં વૃક્ષનો વિસ્તાર માત્ર ૧૦૭ ચો.કિ.મી. તો રાજકોટ જિલ્લાના ૭૫૫૦ ચો.કિ.મી. વિસ્તારમાં માત્ર ૧૭૧ ચો.કિ.મી. છે. આ શહેરની વસ્તી કેટલી ગીચ છે તે સર્વવિદિત છે. 

કોરોના કાળના એક વર્ષમાં લોકોને ઓક્સીજન (પ્રાણવાયુ)ની શુ કિંમત છે તે સમજાઈ જ હશે. દર્દીને હોસ્પિટલોમાં ઓક્સીજનના બાટલા ચડાવવા પાણીના ટાંકા જેવી ટાંકીઓ ઉભી કરવી પડી હતી. આ ઓક્સીજન, પ્રાણવાયુ એરકન્ડીશનરો નથી આપતા પણ ઘર આંગણા અને આજુબાજુના વૃક્ષો આપે છે. વૃક્ષના સંગાથમાં રહેનાર, તેને પ્રેમથી ઉછેરનારને ઓક્સીજન લેવલ ઘટવાની ભીતિ જ ઘટી જાય છે. 

 પરંતુ, હજુ આ સમજ સરકાર અને મહાનગરપાલિકાઓના વ્યવહારમાં આવી નથી. ગુજરાતમાં નાની શેરીઓમાં પાંચ-છ માળના બિલ્ડીંગ બની શકે તેવી છૂટ અપાઈ છે, પરંતુ, આ જ બાંધકામ નિયમો (જી.ડી.સી.આર.)માં બાંધકામ વિસ્તાર મૂજબ નિયત સંખ્યામાં વૃક્ષો વાવેલા હોવા જોઈએ એ શરતને સરકારે માત્ર કહેવાપુરતી કરી નાંખી છે.  ઓનલાઈન બિલ્ડીંગ પરમીશનમાં ફરજીયાત અનુસરવાના નિયમોમાં આને બાકાત રાખી દીધેલ છે. પરિણામે, કોમ્પલેક્સો, હાઈરાઈઝ બિલ્ડીંગો અને સરકાર દ્વારા બ્રીજ સહિતના કોંક્રિટના બાંધકામો, ગીચતા વધારે તે રીતે વધુને વધુ માળના બની રહ્યા છે પણ તે મૂજબ વૃક્ષો વવાતા નથી. વૃક્ષારોપણ માટે નજીવી રકમની ડિપોઝીટ લેવાય છે અને વૃક્ષ ન વાવો તો આ મામુલી રકમ જપ્ત કરીને મનપા અને સરકાર સંતોષ માને છે. ઉપરાંત વૃક્ષ છેદન માટે ગુજરાતમાં કડક જોગવાઈ નથી અને ખુદ તંત્ર વૃક્ષો કાપતું રહ્યું છે. આ બાબત ગુજરાતના હરિયાળા ભવિષ્ય માટે જોખમી છે. 

યુનાઈટેડ નેશન્સે આવતીકાલે ઉજવાતા વિશ્વ વન દિવસની થીમ ' જંગલની પુનઃસ્થાપના- સ્વાસ્થ્ય અને સાજા થવા માટેનો રસ્તો' રાખેલ છે. પરંતુ, થીમથી કશુ થતું નથી, નક્કર નિયમો અને અમલવારી જરૂરી છે. 

દેશમાં અને વિશ્વમાં શહેરીકરણની સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરને ખાળવા  અર્બન ફોરેસ્ટનો ખ્યાલ પ્રચલિત થઈ રહ્યો છે પરંતુ, રાજકોટમાં કરોડોના  ખર્ચે અર્બન ફોરેસ્ટનો પ્રોજેક્ટ મંજુર કરાયો તેમાંય ગરબડ છે, એક તો વૃક્ષોને બદલે અન્ય કામમાં વધુ ખર્ચ થાય છે અને બીજું અર્બન ફોરેસ્ટ, અર્બન એટલે કે શહેરમાં વચ્ચે હોવું જોઈએ જે શીતળતા આપે, પર્યાવરણ સુધારે, પ્રદુષણ આંકને નીચો લાવે, અસહ્ય તાપને ઓછો કરે તેના બદલે રાજકોટમાં શહેરથી દૂર આયોજન કરાયું છે. જો કે મનપાએ નાના-નાના પ્લોટને ઉદ્યાનોમાં ફેરવ્યા છે પરંતુ, ત્યાં ઘનીષ્ઠ વૃક્ષારોપણ નથી કરાયું.

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના ૨૦૧૭ના અહેવાલ મૂજબ  ગુજરાતમાં માત્ર ૩૭૮ ચો.કિ.મી. એરિયામાં જ ગાઢ જંગલ છે, ૫૨૦૦ ચો.કિ.મી.માં થોડુ ઓછુ ગાઢ પણ જંગલ છે પણ મોટાભાગના, ૯૧૭૪ ચો.કિ.મી.તો ખુલ્લુ જંગલ છે. 

મહાનગરોમાં વસ્તી ગણત્રી થશે, મિલ્કત ગણત્રી થાય છે, સરકારી મિલ્કતો આટલી નવી બની તે મુદ્દે વાહવાહી થતી રહે છે પરંતુ, અગાઉ રાજવીઓ જેમ વૃક્ષો આટલા વધ્યા તેની ગણત્રી કરતા તેવી ગણત્રી થતી નથી. આ અભિગમ, હવે કમસેકમ સારી રીતે જીવવા માટે પણ બદલવો પડશે. 

Gujarat