ભાવનગર યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક, મહુવા સહિતના યાર્ડોમાં મબલખ આવક
- મગફળીના ઉંચા ભાવ બોલાતા ખેડૂતો હરખાયા
- ગુણવત્તાયુકત મગફળીની ખરીદી માટે છેક તામિલનાડુના વેપારીઓની ભાવનગરમાં અવર-જવર વધી ગઈ
ઉજાશના મહાપર્વ દિપોત્સવીના તહેવારના મીની વેકેશન બાદ લાભપાંચમના પર્વથી ગોહિલવાડના તમામ માર્કેટીંગ યાર્ડોમાં ફરી વખત ખેત જણસની આવક જાવકનો ધમધમાટ ક્રમશ જામી રહ્યો છે.નવી મગફળીની આવકમાં દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. નૂતન વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત રાજયમાં મગફળી ક્ષેત્રે અગ્ર સ્થાન ધરાવતા ભાવનગરમાં ચિત્રાના માર્કેટીંગ યાર્ડમાં ૩૬૧૨ ગુણી નવી મગફળીની નોંધપાત્ર આવક થઈ હતી.એટલુ જ નહિ સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ તે દિવસે સૌથી વધુ નવ નંબરની મગફળીની જોરદાર આવક થઈ હતી. અને મણના ભાવ રૂા ૯૨૫ થી ૧૭૫૬ રહ્યા હતા. લાભ પાંચમથી દરરોજ વિવિધ યાર્ડોમાં નવી મગફળીની મબલખ આવક વધતી રહી છે. જેમાં તા.૮ નવેમ્બરને શુક્રવારે ફરી એક વખત ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની ધૂમ આવક થઈ હતી. જેમાં રેકોર્ડબ્રેક ૫૭૮૨ ગુણીનું વેચાણ કરાયુ હતુ. સારા ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા અને હવે અન્ય ખેડૂતો પણ ભાવ.માર્કેટીંગ યાર્ડમાં માલ લાવવા ઉતારવાની રાહમાં છે તેમ ખેડુતોએ જણાવ્યુ હતુ. શુક્રવારે અત્રે નવ નંબરની શીંગની આવક ફરી એક વખત સર્વોપરી યાને ૩૦૯૧ ગુણી નોંધાઈ હતી અને તેના સૌથી ઉંચા ભાવ રૂા ૧૭૫૧ બોલાયા હતા. જયારે શીંગ નં.૩૯ ની ૧૨૫૧ ગુણીની આવક થઈ હતી. અને તેના સૌથી ઉંચા ભાવ રૂા ૧૧૬૨ બોલાયા હતા.જયારે શીંગ નં.૫ ની ૨૬૨ ગુણી, શીંગ નં.૨૦ ની ૩૭૫ ગુણી,શીંગ નં.૩૨ ની ૫૯૦ ગુણીની આવક નોંધાઈ હતી.જયારે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડમાં પણ લાભપાંચમના મંગલ મુર્હૂતથી મગફળીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે.જેમાં તા.૮ નવેમ્બર ને શુક્રવારે શીંગ નં.૬૬,૩૨,૩૯ અને શીંગ જી ૨૦ ની મળી કુલ ૧૦,૯૨૨ ગુણીનું વેચાણ કરાયુ હતુ. જેનાં સૌથી ઉંચા ભાવ રૂા ૧૫૮૬ બોલાયા હતા. ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીના ભાવ રૂા ૧૧૦૦ થી લઈને રૂા ૧૮૦૦ આસપાસના બોલાતા જગતના તાત ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના ભાલ પંથકને બાદ કરતા અન્ય તમામ તાલુકાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે જિલ્લાના મહુવા, તળાજા અને ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક શરૂ થઈ છે. આ વર્ષે ઓગસ્ટમાં સારો વરસાદ પડયા બાદ ખેડૂતો દ્વારા કરાયેલા મગફળીના વાવેતરમાં સારો પાક થવાની આશા હતી. દરમિયાન કમોસમી વરસાદના કારણે મગફળીનુ ઉત્પાદન ઓછુ થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. અત્રે એ ખાસ નોંધનીય છે કે, ભાવનગરની ૬૬, ૫ અને ૯ નંબરની મગફળી સારી ગુણવત્તા ધરાવતી હોય બિયારણ તરીકે ત્યાંના ખેડૂતોને વેચવા માટે યોગ્ય હોવાથી તામીલનાડુના વેપારીઓ ભાવનગર અને મહુવા યાર્ડની મુલાકાત લઈ રહ્યા છે તેમ ભાવનગર માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યુ હતુ.