વિજય પ્લોટમાં ભાડે રાખેલી દુકાન પચાવી પાડી, લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
વિજય પ્લોટમાં ભાડે રાખેલી દુકાન પચાવી પાડી, લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો 1 - image


માતા, તેની બે પુત્રી સહિત ચાર આરોપીની ધરપકડ

જેને દુકાન ભાડે આપી હતી તેનું અવસાન થયા બાદ આરોપીઓએ દુકાન પચાવી પાડી હતી

રાજકોટ :  વિજય પ્લોટ શેરી નં.૧૧માં ચંદ્રમણીભાઈ પૃથ્વીરાજ જોષી (ઉ.વ.૩૯, રહે. વિજય પ્લોટ-૧૧)એ ભાડે આપેલી દુકાન પચાવી પાડવા અંગે માતા બે પુત્રીઓ સહિત ચાર વિરૃધ્ધ એ-ડિવીઝન પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે ચારેય આરોપીઓને સકંજામાં લીધા હતા.

ફરિયાદમાં ચંદ્રમણીભાઈએ જણાવ્યું છે કે વિજયપ્લોટ શેરી નં.૧૧માં આવેલી દુકાનનો દસ્તાવેજ પિતા સહિત ત્રણ પાસેથી તેણે મેળવ્યો હતો. ત્યારથી દુકાનના માલીક અને ભોગવટેદાર પોતે છે. અગાઉ આ દુકાન કોઈપણ ભાડા કરાર વગર મૌખિક રીતે ચુનીભાઈ ઝરીયાને એક વર્ષના રૃા.૧૮૦૦ લેખે ભાડે આપી હતી. તેનું અવસાન થતાં તેના ભાઈ મુકેશે દુકાન સંભાળી હતી. તેણે પણ કોઈપણ ભાડા કરાર વગર દુકાન રાખી હતી અને નિયમિત રીતે ભાડુ ચુકવતો હતો.

પાંચેક વર્ષ પહેલાં મુકેશભાઈનું અવસાન થયું હતું. જેથી ર૦૧૮ની સાલમાં દુકાને ગયા હતા અને જોયું તો તે બંધ હાલતમાં હતી. દુકાનમાં આરોપી નીલાબેન ચુનીલાલ ઝરીયા તેની બે પુત્રીઓ ખુશ્બુ અને સપના ઉપરાંત નરેશ શામજીભાઈ ઝરીયાએ પોતાનો સામાન મૂકી તાળું મારી, ગેરકાયદે કબજો કરી લીધો હતો. આ રીતે આ ચારેય આરોપીઓએ છેલ્લા પાંચ વર્ષથી કબજો કર્યો છે. કોઈ ભાડાની રકમ પણ ચૂકવતા નથી કે ભાડા કરાર પણ કરતાં નથી.

અવાર-નવાર નીલાબેનને ભાડા કરાર કરી ભાડુ ચુકવવા કહ્યું હતું. પરંતુ તેમ કર્યું ન હતું. એટલું જ નહીં દુકાન ખાલી કરવા માટે રૃા.૩૦ લાખની માંગણી કરી હતી. અન્યથા દુકાન ખાલી કરવી નથી તેવી ધમકી આપી હતી. જેથી આખરે કલેકટર ઓફિસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી. જેના આધારે ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાતા એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

તત્કાળ ચારેય આરોપીઓને પોલીસે સકંજામાં લીધા હતા. આરોપીઓ  લોધેશ્વર સોસાયટીમાં રહે છે. 


Google NewsGoogle News