પોરબંદરના સોની વેપારી સહિત ત્રણ લોકોના અપહરણ કરી 20 લાખની ખંડણી વસૂલી
- બજારભાવ કરતા 15 ટકા ઓછા ભાવથી સોનુ આપવાની લાલચ આપી
- પોરબંદરથી નાથદ્વારા ખાતે દર્શન કરાવી જયપુર જવા નીકળ્યા બાદ રસ્તામાં દોરડાથી બાંધી માર્યો બેફામ માર, સોની વેપારીના પુત્ર પાસેથી 20 લાખ પડાવ્યા
પોરબંદરના વાડી પ્લોટમાં રહેતા અને સોની બજારમાં રૃપા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા પ્રતાપભાઈ મગનભાઈ પાલા નામના ૬૦ વર્ષના સોની વેપારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૮-૧૦ના તેઓ તથા તેમનો પુત્ર વિવેક દુકાને હતા ત્યારે તેમનો નિયમિત ગ્રાહક પાલખડા ગામનો લખમણ હાજા સાદીયા દુકાને આવ્યો હતો.અને વાત કરી હતી કે જયપુરની એક પાર્ટી છે.તેની પાસે હોંગકોંગનું સોનુ છે.તે સોનુ નેપાળ વાળા જયપુર પહોંચાડી જાય છે.અને બજાર ભાવથી ૧૫% સસ્તું મળે છે સોનુ ચેક કરીને લેવાનું તે પાર્ટી દુકાન સુધી સોનુ પહોંચાડી જાય છે.અને ચેક કરીને પછી જ રૃપિયા આપવાના થાય છે સોનુ જોવા માટે પાર્ટી આપણને અહીંથી રાજસૃથાન લઈ જશે અને પાછા મૂકી જશે તેમ જ આવવા જવાનો ખર્ચ પણ તે આપશે.જેથી તમારે ખરીદવું હોય તો કહો આથી પ્રતાપભાઈ એ તેના પુત્ર સાથે વાત કરી હતી.અને ત્યારબાદ એવું નક્કી કર્યું હતું કે સોનુ ખરીદવું છે તેથી પુત્ર એ પિતાને કહ્યું હતું કે તમે રાજસૃથાન શ્રીનાથજીના નાથદ્વારા ખાતે દર્શન પણ કરી આવો અને સોનુ પણ ચેક કરી આવો.આથી પ્રતાપભાઈ પાલા એ લખમણ હજાર સાદીયાને વાત કરી હતી અને શનિવારે રાત્રે પાર્ટી તમને લેવા આવશે તેમ જણાવ્યું હતું.
સોની વેપારી પ્રતાપભાઈ પાલા ને તેમનો પુત્ર વિવેક જ્યુબેલી પુલ ખાતે મુકવા આવ્યો હતો.અને ત્યાં લખમણ હાજા સાદીયા તથા તેની સાથે બે અજાણ્યા વ્યક્તિઓ ઉભા હતા.જેમાં એક આદિત્યાણાના વેજાભાઈ ઘેલાભાઈ પાંડાવદરા અને બીજા મહિરા ગામના પ્રતાપભાઈ અરશીભાઈ ઓડેદરા છે.અને તેઓ બંને પણ તેમની સાથે જ કારમાં આવવાના છે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ ચારેય જણા જયપુર જવા માટે રવાના થયા હતા.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ ચારેય લોકો પોરબંદર થી નીકળ્યા ત્યારબાદ જયપુર જવા રવાના થયા હતા. અને ગાંધીનગર નજીક મોવલી ગામ છે.ત્યાંથી એક ઈસમ તેની સાથે કારમાં બેઠો હતો.અને પ્રતાપે તેની ઓળખાણ એવી આપી હતી કે એ ભરત મનજી લાઠીયા છે.અને પાલીતાણાના આકોલાણી ગામે રહે છે.અને તે પ્રતાપનો મિત્ર છે તેની પાસે સોનું છે. આથી તે પણ તેમની સાથે જ કારમાં જવા રવાના થયો હતો અને પાંચે પાંચ જણા રાજસૃથાન ગયા હતા.નાથદ્વારા ખાતે મંદિરે દર્શન કરાવ્યા હતા અને ત્યારબાદ તા.૨૦ના રાત્રે ૯ વાગે જયપુર જવા માટે રવાના થયા હતા.
એ પાંચે પાંચ લોકો શ્રીનાથજી થી સો કિલોમીટરના અંતરે પહોંચ્યા ત્યારે રાત્રિના ૧૨.૩૦ વાગી ગયા હતા. અને અંતરિયાળ રસ્તો આવતા એ સમયે ગાડી ચલાવનાર ભરત મનજી લાઠીયા એ કાર ઉભી રાખી હતી. અને થોડીવારમાં પાંચ જેટલા માણસો ધોકા લોખંડના પાઇપ છરી લઈને આવ્યા હતા. તથા ફરિયાદી પ્રતાપભાઈ મગનભાઈ પાલા તથા તેની સાથે રહેલા વેજાભાઈ ઘેલાભાઈ પાંડાવદરા અને લખમણભાઇ હાજાભાઈ સાદીયા ને દોરડાથી બાંધી દીધા હતા. અને ફરીથી ગાડીમાં બેસાડીને તે બધા ત્યાં સાથે બેસી ગયા હતા. ત્યાંથી અડધો કિલોમીટરના અંતરે બાવળની જાળીમાં બે રૃમ હતા ત્યાં લઈ ગયા હતા અને ત્રણે જણા ને ગાળો દઈને ઢીકા પાટુનો માર માર્યો હતો.
એ પછી ભરત મનજી અને પ્રતાપ ઓડેદરાએ સોની વેપારીને એવું કહ્યું હતું કે ક્યાંય સોનું ચેક કરવા જવાનું નથી તું જલ્દીથી તારા ઘરેથી તારા દીકરા પાસે ૨૦ લાખ રૃપિયા મંગાવ નહીં તો તને મારીને અહીં દાટી દેશુ તેમ કહી આખી રાત તેઓને ત્યાં રૃમમાં ગોંધી રાખ્યા હતા. અને બીજે દિવસે સવારે બંને જણાય એવું કહ્યું હતું કે તું તારા દીકરાને ફોન કર કે અહીં ભાવથી ૧૫ ટકા ઓછા ભાવથી સોનું મળતું હતું જેથી ૨૦ લાખનું સોનું ખરીદી લીધું છે.
ફરિયાદી મગનભાઈ પાલા ખૂબ જ ડરી ગયા હતા તેથી એ બંનેના કહેવા મુજબ જ તેમણે પોતાના ફોનમાંથી પુત્ર વિવેકને ફોન કરીને સોનુ ખરીદયા ની જાણ કરી હતી. તથા તેમના પુત્ર એ તા.૨૧ના ૨,૪૯,૦૦૦ રૃપિયા તથા તા. ૨૨ના ૧૭,૫૦,૦૦૦ પોરબંદરના પી.એમ. આંગડિયા મારફતે જયપુર ખાતે ભરત મનજીને મોકલાવેલ હતા. અને ભરત ને તે રૃપિયા મળી જતા તેણે ફરિયાદી નો ફોન ઝૂંટવી લીધો હતો.તથા તેની સાથે રહેલા લખમણ અને વેજા પાસે મોબાઈલ હતા તે પણ ઝૂંટવી લીધા હતા. અને પછી ત્યાંથી ફરિયાદીને એકલા ગાડીમાં બેસાડી હાઇવે ઉપર આવી એક ટ્રાવેલ્સમાં બેસાડી દીધા હતા જે ટ્રાવેલ્સ અમદાવાદ આવતી હતી આથી ફરિયાદી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી તેઓ પોરબંદર આવ્યા હતા.અને અપહરણ ૨૦ લાખ રૃપિયાની ખંડણી પડાવી માર મારવો મોબાઈલ લૂંટી લેવા સહિતનો ગુનો મહિરા ગામના પ્રતાપ આરસી ઓડેદરા અને પાલીતાણાના આકોતાણી ગામના ભરત મનજી લાઠીયા સામે નોંધાવતા આગળની તપાસ પોરબંદરની કિત મંદિર પોલીસ ચલાવી રહી છે.