પીપળી પાસે ગોજારી દુર્ઘટના, 3 યુવાનના કરૂણ મૃત્યુ
- ટ્રક અને ઈકો કાર ધડાકાભેર અથડાતા ગમખ્તવાર અકસ્માત સર્જાયો
- અકસ્માતને લઈ ટ્રાફિક જામ, ત્રણ 108 દોડી ગઈ : બે ઈજાગ્રસ્તને ધંધુકા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, પોલીસ કાફલો દોડી ગયો
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર આવેલ ધોલેરા વટામણ વચ્ચે પીપળી ગામ નજીક આજે રવિવારે વહેલી સવારના અરસા દરમિયાન સિહોર પંથકના રહિશો ઈકો કાર નંબર જીજે.૦૫-જેકે-૫૨૭૮ લઈને વટામણ તરફ જઈ રહ્યા હતા તે વેળાએ માતેલા સાંઢ સમા ટ્રક સાથે ઈકો કારનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકો કારના ફુરચા ઉડી જવા પામ્યા હતા. અને ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જ્યારે ઈકો કારમાં સવાર સિહોર પંથકના સુખાભાઈ જેઠાભાઈ મકવાણા (રે. સિહોર), ગોવિંદભાઈ હમીરભાઈ ગોહેલ (રે. ઈશ્વરીયા, તા. સિહોર), વિહાભાઈ લખમણભાઈ ખાંભળિયા (રે. રામધરી. તા. સિહોર)ને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે ગોજારી દુર્ઘટનામાં ગાંડાભાઈ કમાભાઈ જોટાણા (રે. જીથરી તા. સિહોર), બુધાભાઈ જોટાણા (રે. મોટા સુરકા તા. સિહોર)ને ઈજા પહોંચતા ઈજા ગ્રસ્ત હાલતે ૧૦૮ મારફતે ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગોજારી દુર્ઘટનાને લઈ ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ જવા પામ્યો હતો. અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. જ્યારે બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને ટ્રાફિક ખુલ્લો કરાવવા તજવીજ હાથ ધરી બનાવ અનુસંધાને ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ મૃતક અને ઈજા ગ્રસ્તો ઈકો કારમાં સિહોરથી ખેડા જવા માટે નિકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
નવાગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત
ભાવનગર : પાલીતાણાના પેલેસ રોડ, લક્ષ્મણધામ મંદિર પાસે રહેતા રાજેશભાઈ જિતેન્દ્રભાઈ રાઠોડે વરતેજ પોલીસ મથકમાં બોલેરો નંબર જીજે. ૦૪. એટી-૮૭૭૨ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ નવાગામથી પાલીતાણા પોતાની અલ્ટીકા કાર નંબર જીજે. ૦૪.સીજે-૨૬૫૯ લઈને જઈ રહ્યા હતા તે વેળો નવાગામ પાસે ઉક્ત કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી તેઓની કાર સાથે અકસ્માત કરી ઈજા પહોંચાડી પોતાની ગાડી લઈને જતો રહ્યો હતો. બનાવના પગલે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.