Get The App

નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી પર કૌટુંબીક ભાઈ દ્વારા દુષ્કર્મ

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી પર કૌટુંબીક ભાઈ દ્વારા દુષ્કર્મ 1 - image


રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ

એક વખત ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાં પણ બળજબરી કર્યાનો આરોપ, આરોપીની અટકાયત

રાજકોટ : રાજકોટમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની યુવતી પર તેના કૌટુંબીક કાકાના પુત્રએ દુષ્કર્મ ગુજાર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં એક વખત આરોપીએ ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાં બળજબરી કર્યાનો આરોપ મૂકાયો છે.  જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તપાસ જારી રાખી છે.

ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે તેના કૌટુંબીક કાકાનો પુત્ર તેના ઘરની સામે રહે છે. જેની સાથે અવારનવાર ફોન અને વોટ્સએપમાં વાતચીત થતી હતી. જેને કારણે એક વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ક્યારેક-ક્યારેક બંને આજી ડેમ ખાતે મળતા હતા. ઉનાળુ વેકેશનમાં તે ઘરે ગઇ ત્યારે આરોપીએ તેને મેસેજ કરી ઘરે મળવા બોલાવી હતી. જો મળવા નહીં આવે તો મરી જઇશ તેવી ધમકી આપી હતી.

જેથી આરોપીના ઘરે મળવા જતાં તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. સાથોસાથ કહ્યું કે આ વાત કોઇને કહીશ તો હું મરી જઇશ. પરિણામે બીકના માર્યા કોઇને વાત કરી ન હતી. વેકેશન પુરું થતાં રાજકોટની હોસ્ટેલ ખાતે આવી ગઇ હતી. તે વખતે તેણે આરોપીનો નંબર બ્લોક કરી દીધો હતો. બીજા દિવસે તેના કાકાની પુત્રીએ કોલ કરી આરોપીનો નંબર બ્લોક લીસ્ટમાંથી કાઢી નાખવા નહીંતર આરોપી મરી જશે તેમ જણાવતા આરોપીનો નંબર બ્લોક લીસ્ટમાંથી કાઢી નાખ્યો હતો.

તે સાથે જ આરોપીએ કોલ કરી જો તેનો નંબર બ્લોક કરશે તો મરી જશે તેવી ધમકી આપી હતી. જેને કારણે આરોપી સાથે વાતચીત કરતી હતી. ગઇ તા. ૧૫ના રોજ આરોપીએ તેને કોલ કરી બીજા દિવસે તેની કોલેજ પાસે સવારે આવશે તેમ કહ્યું હતું. સાથોસાથ તેને જો પોતાની સાથે નહીં આવે તો મરી જશે અથવા તો તેના ભાઈને મારી નાખશે તેવી ધમકી આપી હતી. 

જેથી બીજા દિવસે કોલેજની બહાર આવતાં આરોપી એક બાઇક પર લિફટ લઇ માર્કેટીંગ યાર્ડ સુધી લઇ આવ્યો હતો. જ્યાંથી રીક્ષામાં બેસાડી બસ સ્ટેન્ડ લઇ જઇ અમદાવાદની બસમાં બેસાડી હતી. બસ સ્ટેન્ડે જ બંને સૂઇ ગયા હતા. આરોપી પાસે પૈસા ખૂટી જતાં પોતાનો મોબાઇલ વેચી દીધો હતો. બે દિવસ બાદ આરોપી તેને ટ્રેનમાં સુરત લઇ ગયો હતો. રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં ત્રણેક દિવસ રોકાયા હતાં. ત્યાંથી ટ્રેનમાં મુંબઇ લઇ ગયો હતો. 

મુંબઇ એક દિવસ રોકાઇ ફરીથી સુરત લઇ આવ્યો હતો. સુરતથી જામનગર ટ્રેનમાં લઇ ગયો હતો. જ્યાં એક દિવસ રોકાઇ દ્વારકા ટ્રેનમાં લઇ ગયો હતા. જ્યાંથી સાંજે પરત જામનગર લઇ આવ્યો હતો. જામનગરથી ટ્રેનમાં રાજકોટ લઇ આવ્યો હતો. રાજકોટના રેલવે સ્ટેશન ખાતે ત્રણ દિવસ રોકાયા હતાં. જ્યાંથી આરોપીએ કોઇ રાહદારી પાસેથી મોબાઇલ લઇ મિત્ર પાસે રૂપિયા મંગાવ્યા હતાં. જે આવી ગયા બાદ રાજકોટથી સુરેન્દ્રનગરની ટ્રેનમાં લઇ ગયો હતો. તે વખતે જનરલ ડબ્બાના શૌચાલયમાં આરોપીએ તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. સુરેન્દ્રનગર પહોંચ્યા બાદ ત્યાંથી પરત રાજકોટ ટ્રેનમાં આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલ ખાતે બે દિવસ રોકાઇ ગઇ તા. ૨ના રોજ રાત્રે રાજકોટથી મુંબઇ જતી ટ્રેનમાં બેઠા હતાં. સુરેન્દ્રનગર પહોંચ્યા બાદ રેલવે સ્ટેશને ઉતરી ગયા હતા. સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આરોપી તેના કાકાના મકાનમાં રહેતો હતો. જ્યાં તેના માતા-પિતા તપાસ કરવા આવી પહોંચ્યા હતા. 

ત્યાર પછી બંનેને નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જ્યાંથી રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકે આવ્યા હતા. ત્યાં તેણે આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. 


Google NewsGoogle News