દોઢ મહિના પછી નવા શીપ સાથે ઘોઘા-હજીરા ફેરી સર્વિસ શરૂ થશે
- વોયેજ એક્સપ્રેસ ક્રુઝ જહાજનો ઘોઘા-હજીરા વચ્ચે 2 દિવસ ટ્રાયલ રન લેવાયો
- ટ્રાયલ રનનો રિપોર્ટ સબમીટ કરાયો, કન્ફર્મેશન મળ્યાં બાદ જળમાર્ગે પરિવહન સેવા પુનઃ શરૂ કરી દેવાશે, જૂનું જહાજ હજુ રિપેરીંગમાં
ઘોઘા-હજીરા વચ્ચે જળમાર્ગે રો-પેક્સ ફેરી સર્વિસને છેલ્લા દોઢેક માસથી બ્રેક લાગી ગયો છે. જૂનું વોયેજ સિમ્ફની જહાજ રિપેરીંગના વાંકે અટવાયું હોવાથી ફેરી સર્વિસ ઓપરેટ કરતી કંપની ઈન્ડિગો સી-વેઝ દ્વારા હવે હાઈ-સ્પીડ સાથેનું નવું વોયેજ એક્સપ્રેસ નામનું જહાજ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવામાં લાવવા નિર્ણય કરાયો છે. ૬૫૦ મુસાફરની ક્ષમતા ધરાવતા અને માત્ર ત્રણ કલાકમાં ૬૧ નોટિકલ માઈલનું અંતર કાપતા વોયેજ એક્સપ્રેસ ક્રુઝ જહાજને ફેરી સર્વિસમાં વિધિવત સામેલ કરતા પહેલા તેનું ટેસ્ટ રન કરવામાં આવ્યું હતું. ગઈકાલ રવિવાર અને આજે સોમવારે હજીરા-ઘોઘા-હજીરા વચ્ચે નવા શીપનું ટ્રાયલ રન કરાયું છે. જેના આધારે આજે ટેકનિકલ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરી સબમીટ કરવામાં આવ્યો છે. હવે સત્તાવાર રીતે કન્ફર્મેશનની રાહ છે. સંભવત્ આવતીકાલે પણ કન્ફર્મેશન મળી શકે તેમ છે, એટલે કે ચાલુ સપ્તાહમાં જ જો કોઈ આકસ્મિક વિઘ્ન ન નડે તો ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સેવા ચોક્કસ પણે પુનઃ કાર્યરત થઈ જશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, વોયેજ એક્સપ્રેસ જહાજમાં ૭૫ ટ્રક, ૭૦ કાર અને ૫૦ બાઈકનો સમાવેશ કરવાની ક્ષમતા છે. વધુમાં રો-પેક્સ ફેરી શરૂ થવાની સાથે ટ્વિન સિટી ભાવનગર-સુરત વચ્ચે દોઢ માસથી જળમાર્ગે જે કનેક્ટિવિટીને લાગેલી બ્રેક હટી જશે અને લોકોની સુવિધામાં વધારો થશે.