ગંગાદશમી, નિર્જળા એકાદશી, ભીમ અગિયારસ અને ગાયત્રી જયંતિનો આજે સુભગ સમન્વય
- મંત્રજાપ અને નકોરડા ઉપવાસ માટે વિશેષ દિન
- ગાયત્રીમંત્રના ગુંજન સાથે ઠેર-ઠેર પ્રભાતફેરી નિકળશે, પરિવારના સાધકો ઘેર ઘેર મીની યજ્ઞા કરશે
આ વર્ષે આજે તા.૧૦ જુનને શુક્રવારે જેઠ સુદ એકાદશીના દિવસે ગંગાદશમી, ગાયત્રી જયંતિ, નિર્જળા એકાદશી,એક સાથે ત્રણ દિનનો વિશેષ સુભગ સમન્વય થશે.આજના દિવસે વેદમાતા ગાયત્રી જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે ગાયત્રી પરિવારો દ્વારા ગાયત્રીમંત્રના ગુંજન સાથે પ્રભાતફેરી, મહાયજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાશે.
જેઠ મહિનામાં સુદ પક્ષમાં આવતી એકાદશી નિર્જળા એકાદશી તરીકે જાણીતી છે. નિર્જળા એકાદશી કે ભીમ અગીયારસ નિમીત્તે નકોરડા ઉપવાસનું વૈજ્ઞાાનિક સમર્થનપ્રાપ્ત અનેરુ મહત્વ છે. વર્ષ દરમિયાન ૨૪ અને અધિક માસ હોય ત્યારે ૨૬ અગીયારસ આવે છે. દરેકનું વ્રત કરવાથી અલગ અલગ ફળ મળે છે. જેમાં નીર્જળા એકાદશી વર્ષની શ્રેષ્ઠ અને તમામ એકાદશીનું સામટુ ફળ આપનારી એકાદશી હોય વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રધ્ધાળુઓ અચૂક આ અગીયારશ કરતા હોય છે. આજના દિવસે કરાયેલુ અન્નદાન અક્ષય થાય છે તેથી જ ભીમ અગીયારસના મહાપર્વે બહેનોને ભેટ, દક્ષિણા તેમજ સાધુ, બ્રાહ્મણ, મહંત અને પુજારીઓને અન્નદાન, વસ્ત્રદાન અને રોકડદાન આપવાની પણ પરંપરા છે.આ સાથે વેદોની માતા ગાયત્રી માતાજીની જયંતિની પણ ગોહિલવાડમાં ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરાશે. શહેરના ચિત્રામાં તેમજ ઘોઘા રોડ પર ગાયત્રી મંદિરો આવેલ છે. જયાં આજના પ્રસંગે પૂજન, મહાયજ્ઞા, ધ્વજારોહણ, દીપયજ્ઞા, પ્રજ્ઞાાગીતગાન, ગાયત્રીમંત્રના અખંડ સમુહ જાપ યોજાશે. તેમજ ગાયત્રીમંત્રના ગુંજન સાથે પ્રભાતફેરી પણ કિળશે. સાધકો દ્વારા ઘરે ઘરે મીની (નેનો) ગાયત્રીયજ્ઞા કરાશે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગાયત્રી પરિવારના અસંખ્ય સાધકો કાર્યરત છે. આ દિવસે દક્ષિણાયન શરૂ થશે. એટલે કે, વર્ષનો સૌથી મોટો દિવસ અને ટૂંકી રાત્રી છે. ધર્મસ્થાનકોમાં અને પુુષ્ટિમાર્ગીય હવેલીઓમાં શ્રધ્ધાળુઓ દ્વારા શ્રીજી સ્મરણ, યમુનાષ્ટકના તેમજ સર્વોત્તમના પાઠ કરવામાં આવશે.
મહિમાવંતી નિર્જળા એકાદશી
સામાન્ય રીતે એવુ કહેવાય છે કે, વર્ષ દરમિયાન વિપરીત સમય અને સંજોગોના કારણે જો કોઈને બધી અગીયારસ ન થાય તો પણ ભીમ અગીયારસ (નિર્જળા એકાદશી)તેના નીત્યક્રમ મુજબ કરવામાં આવે તો તેને બધી અગીયારસનું ફળ મળે છે. એટલુ જ નહિ અગીયાર ઈન્દ્રીયથી જાણ્યે અજાણ્યે જેટલા પાપ થાય છે તે આ એકાદશીના વ્રતથી નાશ પામે છે. તેમજ તેનાથી ધન,ધાન્ય, રિધ્ધિ,સિધ્ધિ, આયુષ્ય, બળ, આરોગ્ય, સંતતિ તથા વિજય મળે છે તેવુ ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયુ છે.
હવેલીઓમાં ઠાકોરજીને જલવિહાર કરાવાશે
ભીમ અગીયારસના મહાપર્વે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં સાંજે ઠાકોરજીને પરંપરાગત રીતે સુશોભિત નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવશે. આજના પાવન પર્વે હવેલીઓમાં નિત્યક્રમ મુજબ યોજાનારા આ નાવ મનોરથના દર્શન કરવા બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આ સુશોભીત નાવ મનોરથના દર્શન ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે.