Get The App

ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ ઉત્સવનું આજે રંગેચંગે સમાપન થશે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ ઉત્સવનું આજે રંગેચંગે સમાપન થશે 1 - image


- અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે વિઘ્નહર્તાને વિદાય અપાશે

- ગોહિલવાડમાં ઠેર-ઠેર અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઢોલ, ત્રાંસાના તાલે, ડીજેના સંગાથે ગજાનનની વિસર્જનયાત્રાઓ નીકળશે

ભાવનગર : દુંદાળા દેવ ગજાનન ગણનાયકની આરાધનાના મહિમાવંતા મહાપર્વ ગણેશ મહોત્સવની આવતીકાલ અનંત ચતુર્દશીના પાવનકારી અવસરે તા.૧૭ સપ્ટેમ્બરને મંગળવારે રંગેચંગે સમાપન થશે. આ પ્રસંગે શરણાઈ, ઢોલ, નગારા, શંખનાદ, ઝાલરનાદ,ડીજે અને બેન્ડવાજાના સૂરીલા સંગાથે તેમજ અબીલ ગુલાલની છોળો વચ્ચે આતશબાજીની જમાવટ સાથે ચોતરફ ગણપતિ બાપા મોરીયાના ગગનભેદી જયઘોષ સાથે વાજતે-ગાજતે વિસર્જનયાત્રા નિકળશે.આ વેળા ભાવવાહી દ્રશ્યો સર્જાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં ગણેશ ચતુર્થીના મહાપર્વથી ૧૦ દિવસીય ગણેશ ઉત્સવનો પરંપરાગત રીતે ધામધૂમથી શુભારંભ થયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં શેરીઓ, મહોલ્લાઓમાં ઠેર-ઠેર ગણેશ ઉત્સવના સાર્વજનિક આયોજનો કરવામાં આવ્યા હતા.આ ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રના પુના સહિતના પરપ્રાંતીય શહેરોની પ્રતિકૃતિ સમાન ચોમેર એક એકથી ચડીયાતા સુશોભીત પંડાલોમાં નીત્ય ક્રમ મુજબ સવારે અને સાંજે મહાપુજા અને મહાઆરતી કરાઈ હતી. વિઘ્નહર્તાને ભાવપુર્વક ૫૬ ભોગ અન્નકુટ પણ ધરાયો હતો.આ ઉપરાંત ઉત્સવ દરમિયાન ધાર્મિક, સામાજીક,સેવાકિય તેમજ ગીત-સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, મેજિક શો તેમજ મનોરંજક પ્રવૃતિઓ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.ગત વર્ષોની તુલનામાં આ વર્ષે પણ સાર્વજનિક આયોજનની તુલનામાં ૩ દિવસીય, ૫ દિવસીય અને સાત દિવસીય પારિવારિક અને વ્યકિતગત આયોજનો પણ સર્વાધિક થયા હતા.દશ દિવસ સુધી ભકિતભાવપુર્વક ગણેશજીની આરાધના કરાઈ હતી. ત્યાં સુધી ભાવિકોની મોંઘેરી મહેમાનગતિ માણીને આવતીકાલ તા.૧૭ સપ્ટેમ્બરને મંગળવારે સવારથી શુભ મુર્હૂતે  ભારે હૈયે ભાવિકો દ્વારા અબીલ ગુલાલની છોળો વચ્ચે  બેન્ડવાજા, ડીજેના તાલે ગણપતિદાદાને રાસ-ગરબાની રમઝટ સાથે વિદાયમાન આપવામાં આવશે. આ સાથે ગોહિલવાડમાં ચોતરફ ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આ ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠશે. વિસર્જન પુર્વે પંડાલમાં અથવા જે તે દરિયાકિનારે શાસ્ત્રોકત રીતે ઉત્તરપુજા કરાશે. બાદ જળતત્વના આધિપતિ ગણેશજીનું જળમાં વિધિવત વિસર્જન કરવામાં આવશે.સાર્વજનિક અને પારિવારિક ઉત્સવના આયોજકો દ્વારા ખાસ વાહનમાં વાજતે ગાજતે કોળીયાક સહિતના દરિયામાં અથવા તો નજીકના તળાવ, નહેરોમાં મૂર્તિ વિસર્જન કરવા લઈ જવાશે. સાર્વજનિક સ્થળોએ વિસર્જન બાદ સાધુ, બ્રાહ્મણોને ભોજનાદી કરાવી દક્ષિણા આપવાની પરંપરા જળવાશે. આવતીકાલે મંગળવારે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકા મથકોમાંથી પારિવારિક અને સામુહિક વિસર્જન માટે બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ ઉમટી પડનાર હોય સ્થાનિક તંત્ર દ્વારા મૂર્તિઓના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વેળા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત જળવાશે.

આવતીકાલથી માંગલિક કાર્યો પર બ્રેક લાગી જશે

ગણનાયકની આરાધનાના ગણેશ મહોત્સવનું આવતીકાલે મંગળવારે ભાવ અને ભકિતમય માહોલમાં સમાપન થશે.આગામી તા.૧૮ સપ્ટેમ્બરને બુધવારથી સમસ્ત પિતૃઓ પ્રત્યે આદરભાવ અને વંદના કરવાના અનન્ય શ્રાધ્ધપર્વનો પ્રારંભ થશે. આ સાથે માંગલિક કાર્યો પર રૂકાવટ આવી જશે. જયારે પિતૃઓના ઋણભાવમાંથી મુકત થવા માટે ચોમેર અસંખ્ય પુણ્યકાર્યો અને  જીવદયા પ્રવૃતિઓનો ધમધમાટ વધી જશે.

અનંત ચતુર્દશીને લઈને અસંખ્ય વાહનોનું વેચાણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી દરમિયાન માંગલિક મુર્હૂતોમાં ભાવનગર શહેર અને જિલ્લાભરમાં અનેક ઓટો એજન્ટો દ્વારા મોટી સંખ્યામાં ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ વાહનોનું તેમજ સુખ સમૃધ્ધિના અને મનોરંજનના સાધનોની ધૂમ ખરીદી થઈ હતી. આ સાથે સ્થાવર અને જંગમ મિલ્કતો, પ્લોટ, મકાન, ઓફિસની ખરીદ વેચાણની પ્રક્રિયા વેગીલી બની હતી અનેવાસ્તુપુજા,વેવિશાળ સહિતના માંગલિક કાર્યોનો ધમધમાટ પણ જામ્યો હતો.


Google NewsGoogle News