ગણપતિ દાદા ટપાલના માધ્યમથી ભાવિકોના દુઃખ દર્દની જાણકારી મેળવે છે
- ઢાંકના પૌરાણિક સિધ્ધી વિનાયક મંદિરમાં અનેરી પરંપરા :
- ભાવિકોએ મોકલેલી ટપાલ રોજ પૂજારી દ્વારા દાદાને વાંચી સંભળાવાય છેઃ આજે ગણેશ ચતુર્થીએ મંદિરમાં ૧૦૦૮ મોદકનો યજ્ઞા યોજાશે
ઢાંક, : ગણેશોત્સવનો મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે. ઉપલેટા તાલુકાના ઐતિહાસિક ઢાંક ગામે આવેલા પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિરે મંગળવારે તા. ૧૯ના અંગારક ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાશે. આ પ્રાચીન મંદિર તેની અનેરી પરંપરા માટે જાણીતું છે. અહીં ભાવિકો ટપાલ મારફતે પોતાની મનોકામના, દુઃખ દર્દ લખીને મોકલે છે. વર્ષભર ટપાલો મંદિરમાં આવતી રહે છે.
સૌરાષ્ટ્રના અતિ પ્રાચીન મંદિરોમાં ઢાંકના ગણેશ મંદિરની ગણના થાય છે. ઢાંકના બસ સ્ટેન્ડ પાસે સ્વયંભૂ પ્રગટ ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે.ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ બાપાના જન્મ દિવસની અહીં ભવ્ય ઉજવણી થાય છે. આ પવિત્ર દિવસે ઢાંકના પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિરે વહેલી સવારે આરતી કર્યા બાદ ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ૧૦૦૮ મોદક યજ્ઞાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ૧૧.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલુ ંછે. ગણેશ ચતુર્થીના પાવન અવસર ઉપર ગણેશ મંદિર હાલ ફુલ, ધજા પતાકા તેમજ રોશનીના અનેરા શણગારથી દીપી ઉઠયું છે.
અહીંયા ગણેશ મંદિરે અતિ પ્રાચીન અને સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ આવેલી છે. અહીં ગણેશજીનું વાહન સિંહ છે. જે આ મૂર્તિ પૌરાણિક હોવાની સાબિતી પુરી પાડે છે. અહીં પાંડવોએ પણ પુજા-અર્ચના કરી હોવાની લોકવાયકા છે.
આ મંદિરની વિશેષતા એ છે કે કોઇ ભક્તો અહીં રૂબરૂ ન આવી શકે તો તે પોતાના ઘરેથી ટપાલ દ્વારા પોતાની મનોકામના, દુઃખદર્દ લખીને ગણેશ મંદિરે મોકલી આપે છે. અહીંયા રોજના ઘણી બધી દેશ તેમજ વિદેશમાંથી પણ ટપાલ આવે છે. જે ટપાલ રોજ મંદિરના પુજારી ભરતગીરીજી દયાગીરીજી ગોસ્વામી મંદિરના ગર્ભગૃહમાં એકાંતમાં ગણપતિ બાપ્પા સમક્ષ વાંચી સંભળાવે છે.અને ગણપતિ બાપ્પાને ભક્તોના દુઃખ દૂર કરવા,મનોકામના પૂર્ણ કરવા વિનંતી કરાય છે.મંદિરમાં વર્ષ દરમિયાન રોજ ૨૦થી ૩૦ ટપાલ આવે છે. જ્યારે ગણેશ મહોત્સવથી દીવાળી સુધીમાં રોજની સરેરાશ ૧૫૦ થી ૨૦૦ જેટલા કવર મળે છે.મંદિરમાં અંદાજે બત્રીસેક વર્ષથી ટપાલ વાંચવાની આ પરંપરા ચાલી આવે છે. તથા આટલા વર્ષતી આવતી તમામ ટપાલો મંદિર પરિસરના જ એક રૂમમાં સાચવીને રાખવામાં આવે છે.ગણેશોત્સવ દરમિયાન આ પ્રાચીન મંદિરે દર્શનાર્થે ભાવિકોનો ભારે ધસારો રહે છે. મંદિર સવારે ૬.૩૦થી રાત્રે ૯ સુધી સળંગ દર્શનાર્થે ખુલ્લું રહેશે.