ગઢડાના ઢસા ગામે વાડીમાં આધેડની હત્યાથી ચકચાર
- યુવતી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ ખૂની ખેલ ખેલ્યો
- મૃતક અને હત્યારા ત્રણેય વાડીમાં સાથે બેઠા હતા, કોષના ઘા ઝીંકી મરણતોલ ઈજા પહોંચાડી
આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગતો અનુસાર જસદણ ખાતે રહેતા નીરવભાઈ વિનુભાઈ પરમારે ઢસા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, નીરવભાઈના મામા જીતુભાઈ મગનભાઈ મકવાણા તથા પરેશભાઈ જીતુભાઈ જોગાણી તથા પ્રવીણભાઈ ઉર્ફે બીપીનભાઈ વાલજીભાઈ માલવિયા (રહે.ત્રણેય ઢાસા ગામ તા. ગઢડા) સહિતનાઓ આજે સવારના સમયે પ્રવીણભાઈ ઉર્ફે બીપીનભાઈની ઢસા ગામે આવેલી વાડીએ બેસેલા હતા, તે દરમિયાન આજ ગામે રહેતો પરેશ જીતુભાઈ જોગાણીને જીતુભાઈ મગનભાઈએ યુવતી વિશે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરતા પરેશ જોેગણી અને પ્રવીણ ઉર્ફે બીપીન વાલજીભાઈ માલવિયા ઉશ્કેરાઈ ગયા હતા અને જીતુભાઈને હાથ અને શરીરના ભાગે વાડીની ઓરડીમાં પડેલી કોષનાં ઉંધા ઘા ઝીંકી દીધા હતા. દરમિયાનમાં પ્રવીણ ઉર્ફે બીપીને જીતુભાઈને ઢીંકાપાટુંનો માર મારી ગંભીર ઈજા પહોંચાડતા આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા ઢસા પોલીસના કાફલાએ દોડી આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાણેજ નિરવભાઈ વિનુભાઈ પરમારે ઢસા પોલીસ મથકમાં પરેશ જીતુભાઈ જોગાણી, પ્રવીણ ઉર્ફે બીપીન વાલજીભાઈ માલવિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યા કરી લાશને ફેંકી બંને શખ્સ વાડીએ બેઠા
વાડીમાં જીતુભાઈની કોષના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી બંને હત્યારા લાશને મંદિરની સામે ખરાબમાં ફેંકી પરત વાડીએ આવી બેસી ગયા હતા.દરમિયાનમાં મૃતકના સંબંધી આવી જતાં બંને શખ્સો કારમાં બેસી ભાગવાની પેરવી કરતા હતા.