એસ.કે.બેગ્સ પેઢી પાસેથી ટેક્સ અને પેનલ્ટી પેટે રૂ. 1.25 કરોડ એસજીએસટીએ વસુલ્યા
- ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં કરચોરી અટકાવવા સ્ટેટ જીએસટી વિભાગનુ ચેકીંગ
- ગ્રાહકોને ભાવમાં ફેર પડતો નથી પરંતુ વેપારી પાસેથી બીલ ન લેતા સરકારને નુકશાન જાય છે : સ્ટેટ જીએસટી વિભાગ
ભાવનગર શહેરની એસ.કે.બેગ્સ નામની પેઢીની ખારગેટ, ઘોઘાગેટ સહિત કુલ પાંચ બ્રાંચોમાં ગત શનિવારે સ્ટેટ જીએસટી વિભાગી જુદી-જુદી ટીમો દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. શનિવારે સવારથી જ ભાવનગર શહેરમાં આવેલી એસ.કે બેગ્સની જુદી-જુદી બ્રાંચમાં તપાસ શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી હતી. જીએસટી વિભાગની ઘટક અને ઓડિટ વિભાગના અધિકારીઓ દ્વારા આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા બ્રાંચના હિસાબી ચોપડાઓ, સ્ટોકના રજીસ્ટર તપાસ્યા હતાં. આ તપાસના અંતે સ્ટોક તફાવત મળી આવ્યો હતો અને કરચોરી પકડાઈ હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. સ્ટેટ જીએસટી વિભાગે એસ.કે.બેગ્સ પેઢીના માલિક પાસેથી ટેક્સ અને પેનલ્ટી પેટે રૂ. ૧,રપ,૧૧,પ૧પ વસુલ્યા હતાં. સ્ટેટ જીએસટી વિભાગની આ કાર્યવાહીથી કરચોરી કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આગામી દિવસોમાં અન્ય વેપારીઓને ત્યાં પણ સર્ચ થવાના એંધાણ છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં સીધા ગ્રાહકને વેચાણ કરતા હોય એવા વેપારીઓનો સર્વે હાથ ધરવામાં આવેલ છે, જેમાંથી પસંદગીના આઉટલેટ પર શનિવારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્ટોક તફાવત મળી આવ્યો હતો. આ પ્રકારની કરચોરીની મોડેસોપ્રેન્ડી વેપારીઓ દ્વારા નાના-મોટાપાયા પર હાથ ધરવામાં આવતી હોય છે તેથી ગ્રાહકો કોઈ પણ વસ્તુ ખરીદે ત્યારે બીલ રાખવાનો આગ્રહ રાખે તે જરૂરી છે. ગ્રાહક વસ્તુ બીલમાં લે કે બીલ વગર લે તેને એક જ ભાવે વસ્તુ મળે છે, જયારે ગ્રાહક બીલ ન લે ત્યારે સરકારને નુકશાન થતુ હોય છે તેમ સ્ટેટ જીએસટી, ભાવનગરના સંયુક્ત કમિશનરે જણાવેલ છે.