રંગોળીથી લઇ પોશાકને લાઈટ ડેકોરેશન સુધી ખરીદીનો માહોલ, જામનગરમાં બજારમાં દિવાળી પર્વની રોનક
જામનગરમાં દિવાળી પર્વની ઉજવણીનો થનગનાટ પ્રજામાં જોવા મળી રહ્યો છે. પરંપરાગત રીતે રંગોળી, સ્ટીકર વગેરે નાની નાની પરંતુ શુકનરૂપ વસ્તુઓની ખરીદી સાથે જ લોકો નવા પોશાકની પણ પસંદ અને બજેટ અનુસાર ખરીદી કરી રહ્યા છે. જેને પગલે દરજીથી લઇ બ્રાન્ડેડ શોરૂમ્સ સુધી તેજીનુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
એ જ રીતે લાઇટ ડેકોરેશન અને સુશોભનની વસ્તુઓ પણ લોકો ખરીદી રહ્યા છે. ધમાકેદાર ઉજવણી માટે ફટાકડા તો જોઇએ જ ને, શહેરમાં આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા ફટાકડા બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે એક જ સ્થળે લોકોને ફટાકડાઓની વિશાળ રેન્જ મળી રહે.
ગૃહ સુશોભનની વસ્તુઓ માટે સત્યમ કોલોની નજીક જે.એમ.સી. ગ્રાઉન્ડમાં આયોજીત સરસ મેળાને પણ સરસ જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. સમૃદ્ધ લોકો નવા વાહનની શુકનવંતા દિવસોમાં ડિલીવરી મેળવવા બુકીંગ કરાવી લીધું છે.
રજાનો માહોલ જામતા શોપીંગનાં મૂડમાં ગૃહિણીઓ કિચનમાં પણ હોલીડે ઉજવે છે અને પરીણામે હોટેલ - રેસ્ટોરન્ટસમાં પણ હાઉસફુલની સ્થિતિ જોવા મળી રહી છે. ટૂંકમાં દરેક રીતે બજારમાં ખરીદીનો માહોલ જામતા અર્થતંત્રને પણ વેગ મળતા ખરા અર્થમાં દિવાળી આવી હોવાનું જણાઇ રહ્યું છે.