Get The App

ચણાથી લઈને તેલ, દૂધથી માંડીને ઘી, પનીર- બધું જ સબસ્ટાન્ડર્ડઃ ભારે દંડ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ચણાથી લઈને તેલ, દૂધથી માંડીને ઘી, પનીર- બધું જ સબસ્ટાન્ડર્ડઃ ભારે દંડ 1 - image


ખાદ્યપદાર્થોના 11 નમૂના પરીક્ષણમાં રિજેક્ટ થતાં કેસ ચલાવાયા

શિખંડમાં સિન્થેટિક કલર, દીવેલમાં હળદર, ફરાળી લોટમાં સ્ટાર્ચ હતોઃ દૂધ જેવા લૂઝ પદાર્થોની ફેટ ન ચકાસીને ડેરીવાળા પણ ઠરે છે જવાબદાર

રાજકોટ :  ખૂમચા- રેસ્ટોરન્ટનાં ફાસ્ટફૂડ અને હોટલોનાં ભોજન જ નહીં, રોજીંદા આહારમાં વપરાતા દૂધ- પનીર- ચણાં- તેલ- ઘી સહિતના પદાર્થો પણ ભેળસેળવાળા ધાબડી દેવાતા હોવાથી લાખો લોકો માંદા પાડી દે એવો ખોરાક અજાણતા જ પેટમાં પધરાવી દેતા હોય છે ત્યારે વધુ ૧૧ નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ઉણા ઉતરતાં રાજકોટના અનેક ધંધાર્થીઓને દંડ ફટકારાયો છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સમયાંતરે અલગ- અલગ જગ્યાએથી ખાદ્યપદાર્થોના જે સેમ્પલ લીધાં હતાં તે પૈકી ૧૧ નમૂના સબ સ્ટાન્ડર્ડ કે મિસ બ્રાન્ડેડ હોવાનું લેબોરેટરી પૃથક્કરણના રિપોર્ટમાં જણાવાયું હતું, જેથી એજ્યુકેટિંગ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટર સમક્ષ તેના કેસ ચલાવવામાં આવ્યા હતા. તેમણે આ તમામ કેસમાં મળીને કુલ રૃા.૭.૪૦ લાખનો દંડ ફટકારતા હુકમ કર્યા છે.

મનપાએ જાહેર કર્યું છે એ મુજબ, આર.એસ. ગૃહ ઉદ્યોગ (ચુનારાવાડ શેરી નં.૧)માંથી લેવાયેલા નમૂનાના લૂઝ ચણામાં નિયત ધારાધોરણ કરતાં વધુ ભેજ, ફોરેન મેટર અને સડેલા દાણા જણાતાં પેઢીના માલિક રબ્બી બસંત ગુપ્તાને રૃા. પાંચ લાખ, શ્રી રામ ગૃહ ઉદ્યોગ (ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર)ના લૂઝ કેસર શિખંડમાં મિલ્ક ફેટનું ઓછું પ્રમાણ અને સિન્થેટિક ફૂડ કલર ટાર્ટાઝીન તથા યલો એફસીએફની હાજરી મળી આવતાં સંજય ડાયાભાઈ ટાંકને રૃા.૧.૨૫ લાખ, નીતાસ (ચુનારાવાડ શેરી નં.૪)ને ત્યાંથી લેવાયેલા નમૂનાના સ્વસ્તિક રિફાઈન્ડ કપાસિયા તેલની ૧ લિટરની પેક બોટલમાં કપાસિયા તેલની જ ગેરહાજરી તથા લાયસન્સ નંબર, એફએસએસએઆઈ લોગો, એક્સપાયરી ડેટ માર્કિંગ ન હોવાને લીધે સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ નમૂનો જણાયે સુનિલ રાવતાનીને તથા રિ-પેકર વિમલ તન્નાને કુલ રૃા.૧.૦૫ લાખ દંડ કરાયો છે. જય અંબે એન્ટરપ્રાઈઝ (ન્યુ સોમનાથ ઈન્ડસ્ટ્રીઅલ એરિયા, કોઠારિયા)માંથી લીધેલા શ્રી પારસ દીવાબત્તી ૧૫ કિલો પેક્ડ ટીનમાં નિયત વિગતો દર્શાવાઈ ન હોવાથી મિસ બ્રાન્ડેડ નમૂનો જાહેર થતાં આસનદાસ લાલવાણીને રૃા.૨૫ હજાર, ગાયત્રી ડેરીફાર્મ (ગીતગુર્જરી સોસાયટી)ના ડ્રાયફ્રૂટ કેસર શિખંડમાં સિન્થેટિક કલરની હાજરી બદલ મનીષ સાકરિયાને રૃા.૨૫ હજાર, યોગેશ્વર ડેરી ફાર્મ (સાગર સોસાયટી, કોઠારિયા રોડ)ના કેસર શિખંડમાં પણ એ જ કારણસર દીપક વોરાને રૃા.૨૫ હજાર, દીવેલના ઘી (લૂઝ)માં ફોરેન ફેટ અને હળદર હોવાથી નિશાંત સતાશિયાને રૃા.૨૫ હજાર , શ્રી જનતા સ્વિટ (સંસ્કૃતિ સ્ક્વેર, અંબિકા ટાઉનશિપ)નાં પનીરમાં વેજીટેબલ ફેટ મળવાથી રાજ કંટેસરિયાને રૃા.૧૦ હજાર, જય કિસાન ડેરી ફાર્મ (નંદા હોલ સામે, કોઠારિયા રોડ)નાં મિક્સ દૂધમાં વેજીટેબલ ફેટની હાજરી જણાવાથી પરસોત્તમ લિંબાસિયાને રૃા.૧૦ હજાર, સીતારામ ડેરી ફાર્મ (મોરબી રોડ, બ્રિજ નીચે)નાં કહેવાતાં 'શુધ્ધ ઘી'માં વેજીટેબલ ઓઈલની હાજરી જણાતાં અશોક શંખાવરાને રૃા.૫ હજાર તેમજ મંત્ર મહેલ (મનહર પ્લોટ- ૧૦)ને ત્યાંથી લેવાયેલા ફરાળી લોટના નમૂનામાં ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી મળતાં મોહિત પરમારને રૃા.૫ હજાર દંડ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે દંડના હુકમ સામે જેમ ધંધાર્થી અપીલમાં જઈ શકે છે તેમ જો ક્યારેક કોઈ અધિકારીએ નિયત કરતાં ઓછો દંડ કર્યાનું લાગે તો સરકાર પણ અધિકારી સામે સૂઓમોટો રિવિઝન કરી શકે છે. અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું કે 'દૂધ જેવા પદાર્થ ગામડેથી લૂઝ આપી જનાર વ્યક્તિ પર ડેરીફાર્મ સંચાલકો દોષ ઢોળી શકતા નથી, કેમ કે તે ફેટની માત્રા તેની પાસેનાં ફેટ મશીનમાં ચકાસીને જ લેવા બંધાયેલા છે. એ જ રીતે પેક્ડ આઈટમમાં તમામ નિયત વિગતો દર્શાવવી એ ઉત્પાદકની જવાબદારી હોય છે.'



Google NewsGoogle News