શાપરમાં ચાર વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝબ્બે
બિહારમાં આવેલા વતનથી પોલીસે સકંજામાં લીધો
સીસીટીવી કેમેરાના આધારે જ ભેદ ઉકેલાયો, આરોપી ટ્રેનમાં દિલ્હી અને ત્યાંથી વતન ભાગી ગયો હતો
રાજકોટ: શાપરમાં માત્ર ચાર વર્ષની બાળાનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પોલીસે બિહારમાં આવેલા તેના વતનથી સકંજામાં લીધો છે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. જેના આધારે જ પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
શાપરમાં રહેતી ચાર વર્ષની બાળા ગત શનિવારે સાંજે તેના ઘર પાસે રમતી હતી ત્યારે આરોપી તેને નાસ્તાની લાલચ આપ્યા બાદ ઉપાડી ગયો હતો. એટલું જ નહીં અવાવરૂ જગ્યાએ લઇ જઇ છરીની અણંીએ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ રસ્તા પર ફેંકી ભાગી ગયો હતો.
ઉહાપોહ સર્જનાર આ ઘટનામાં શાપર પોલીસ સાથે એલસીબીએ પણ તપાસમાં ઝૂકાવ્યું હતું. જ્યાંથી બાળાને ઉઠાવાઇ ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસે જોવાનું શરૂ કરતાં આરોપીનો ચહેરો જોવા મળ્યો હતો. તપાસ આગળ ધપાવતા આરોપી શાપરમાંથી રિક્ષા બાંધી રાજકોટ બસ સ્ટેન્ડે આવ્યાનું જાણવા મળ્યું હતું. જેથી તે રિક્ષાચાલકની પૂછપરછ અને બસ સ્ટેન્ડનાં સીસીટીવી ફૂટેજ ચકાસતા પોલીસને જાણવા મળ્યું કે આરોપી બસ સ્ટેન્ડથી બીજી રિક્ષામાં રેલવે સ્ટેશન ગયો હતો. પરિણામે પોલીસ તે રિક્ષાચાલકની પણ પૂછપરછ કરી હતી.
સાથોસાથ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસતા જાણવા મળ્યું કે આરોપી દિલ્હી જતી ટ્રેનની ટીકીટ લઇ તેમાં બેસી ગયો હતો. આ સ્થિતિમાં તત્કાળ પોલીસની એક ટીમ વિમાન માર્ગે દિલ્હી રવાના કરવામાં આવી હતી. દિલ્હીથી આરોપી તેના વતન બિહારના ગાજીપુર જિલ્લામાં આવેલા ગામમાં પહોંચ્યાની માહિતી મળતાં પોલીસની ટીમે પીછો કરી ત્યાંથી ઝડપી લીધો હતો.
આરોપીને હવે રાજકોટ લઇ આવવા માટે તજવીજ શરૂ કરાઇ છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે આરોપી છેલ્લા છ મહિનાથી શાપરમાં રહી જુદા-જુદા સ્થળોએ મજૂરી કામ કરતો હતો. આરોપીના લગ્ન થઇ ગયા છે. ઘણા સમય પહેલા છૂટાછેડા પણ થઇ ગયા હતાં. હાલ આરોપી શાપરમાં એકલો રહે છે અને તેની ઉંમર અંદાજે ૩૨ વર્ષ આસપાસ છે.
ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર બાળકીના માતા-પિતા હયાત નથી. જેથી હાલ તે દાદા-દાદી સાથે રહે છે. ગત શનિવારે તે રસ્તા પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા બાદ તેને રાજકોટની સિવિલમાં ખસેડાઇ હતી. શાપર પોલીસે તેની દાદીની ફરિયાદ પરથી અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.