જામનગર અને મોરબીમાં વૃધ્ધ સહિત ચાર વ્યક્તિના આપઘાત

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
જામનગર અને મોરબીમાં વૃધ્ધ સહિત ચાર વ્યક્તિના આપઘાત 1 - image


સાતમ આઠમના તહેવારો પૂર્વે જ પરિવારમાં માતમનો માહોલ

એસટી કંડક્ટરનાં પુત્ર સહિત બે યુવકની આત્મહત્યામાં કારણ અકબંધ : શ્રમિકને કંઈ ગમતું ના હોવાથી અને વૃધ્ધને આર્થિક સંકડામણ આવી જતાં જિંદગી ટૂંકાવી

મોરબી, જામનગર: જામનગર અને મોરબીમાં સાતમ - આઠમનાં તહેવારનાં માહોલ વચ્ચે જ વૃધ્ધ સહિત ચાર વ્યક્તિએ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમનો માહોલ પ્રસરી ગયો છે. જેમાં શ્રમિક યુવાનને કંઈ ગમતું ના હોય અને વૃધ્ધને આર્થિક સંકડામણ આવી જતાં જિંદગી ટૂંકાવી હતી. જયારે એસટી કંડકટરનાં પુત્ર સહિત બે યવકની આત્મહત્યામાં કારણ અકબંધ રહ્યા છે.

પ્રથમ બનાવમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ લખધીરપુર ગામની સીમમાં કઝારીયા ઈન્ફાનીટી કારખાનામાં  રહીને મજુરી કરતો પૂર્ણસિંગ ધીરેનસિંગ આદિવાસી ઉ.વ.૨૧ નામનો યુવાન ત્રણ દિવસ પુર્વે પોતાના વતનથી આવી કારખાનામાં કામ કરતો હતો. પરંતુ તેને ગમતું ના હોય, જેથી ગુમસુમ રહેતો હતો અને મનમાં લાગી આવતા ઘૂંટું ગામની સીમમાં આવેલ એન્ટીક કારખાનાની દીવાલ પાસે બહારના ભાગે લોખંડ એન્ગલ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બીજી ઘટનામાં ટીંબડી ગામના પાટિયા પાસે રહેતા મૂળ કેરાળા હરીપર ગામના વતની હરજીનભાઈ દેવકરણભાઈ ચારોલા ઉ.વ.૬૦ નામના વૃધ્ધે આર્થિક સંકડામણને કારણે લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ બાલાજી સિમેન્ટ પાઈપ કારખાના પાસે જેરી દવા પી આપઘાત કર્યો હતો. મોરબી તાલુાક પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

ત્રીજા બનાવમાં જામનગરમાં નાગરપરા શેરી નં.૨માં રહેતા અને કંડકટર તરીકે નોકરી કરતા જાદવજીભાઈ અમૃતલાલ પંચમતીયાનાં ૨૩ વર્ષીય પુત્ર ઉમંગ જાદવજીભાઈ પંચમતીયાએ ગઈકાલે પોતાના ઘેર બારીમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. પોલીસમાં જાહેર કરાયા અનુસાર છેલ્લા આઠ દિવસથી બીમાર રહેતો હતો અને બેચેન રહેતો હતો. દરમિયાન માનસિક વિકૃત્તિ આવી જતાં તેણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસને જણાવ્યું છે. 

ચોથો કિસ્સો ગોકુલનગર નજીક પાણીખાણ શેરી નંબર-૨માં બન્યો હતો. જયાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રીકૃષ્ણ ાસધુભાઈ કુશવાહા નામના ૪૬ વર્ષના યુવાને રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે ચારેય બનાવમાં મૃતદેહનો કબજો સંભાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News