Get The App

લાલચમાં આવી વધુ ચાર જણા સાયબર ફ્રોડનો ભોગ બન્યા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
લાલચમાં આવી વધુ ચાર જણા સાયબર ફ્રોડનો ભોગ બન્યા 1 - image


સાયબર ક્રાઈમ પોલીસની તમામ અપીલ છતાં

એક જેવાં જ કારણસર અવાર-નવાર લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા હોવાથી પોલીસને પણ આશ્ચર્ય

રાજકોટ :  સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે અવાર-નવાર અનુરોધ કરી યોજવામાં આવતાં જનજાગૃતિના કાર્યક્રમો છતાં વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. આવા ચાર ભોગ બનનારાઓને સાયબર ક્રાઈમ પોલીસે ગુમાવેલી રકમમાંથી અમુક રકમ પરત અપાવી હતી.

અરજદાર દિવ્યેશભાઈ હરેન્દ્રભાઈ અગ્રાવતે વોટસએપ પર પાર્ટ ટાઈમ જોબ કરી પૈસા કમાઓ તેવો મેસેજ વાંચી તેમાં જોડાયા હતા. તેને પહેલા નાના ટાસ્ક આપી અમુક ટકા નફો આપવામાં આવ્યો હતો. બાદમાં પેઈડ ટાસ્કમાં વધુ વળતરની લાલચ આપી જાળમાં ફસાવી રૃા. ૭.ર૩ લાખની ઠગાઈ કરાઈ હતી. જેમાંથી સાયબર ક્રાઈમ પોલીસે રૃા.ર.૯૩ લાખ પરત અપાવ્યા છે.

બીજા અરજદાર સુરેશ કાળાભાઈ ચૌહાણને શેર બજારમાં રોકાણ કરી ઉંચા વળતરની લાલચ આપી તેની સાથે રૃા.૧.ર૦ લાખનું ફ્રોડ થયું હતું. જેમાંથી  સાયબર ક્રાઈમ પોલીસે રૃા.૮૮ હજાર પરત અપાવ્યા હતા.

ત્રીજા અરજદાર સંકેત સુધીર શેઠને  એક ક્રેડિટ કાર્ડ સાથે એક એડ ઓન ક્રેડિટ કાર્ડ મળશે જેની લીમીટ રૃા.૩૦ લાખ રહેશે તેવી લાલચ આપી ગઠીયાએ મોકલેલી લિન્ક ઓપન કરતાં તેનો ફોન હેક થઈ ગયો હતો. બીજા દિવસે તેના ક્રેડિટ કાર્ડમાંથી રૃા.ર.૯૯ લાખ ઉપડી ગયા હતા. જેમાંથી સાયબર ક્રાઈમ પોલીસે રૃા.ર.૪પ લાખ પરત અપાવ્યા હતા.

ચોજા અરજદાર સુરજ જયેશભાઈ શાહે ટેલીગ્રામ એપ મારફતે ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા લિન્ક આવતા રૃા.૧.૭ર લાખનું રોકાણ કર્યું હતું. તેની સાથે પણ ફ્રોડ થતાં સાયબર ક્રાઈમ પોલીસે રૃા.૧.૧ર લાખ પરત અપાવ્યા હતા.

આ ચારેય અરજદારો જે રીતે શિકાર બન્યા હતા તેજ રીતથી અત્યાર સુધી અનેક લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ અવાર નવાર સચેત રહેવા માટે અનુરોધ પણ કરે છે. આમ છતાં તેની કોઈ અસર થતી ન હોય તેમ અરજદારો લુંટાતા રહે છે.


Google NewsGoogle News