વેરાવળની એક્સિસ બેન્કના ત્રણ કર્મચારીઓની વિધિવત્ત ધરપકડ
- 2 કરોડના સોના કૌભાંડ પ્રકરણમાં પોલીસે કાર્યવાહીની શરૂઆત કરી
- અહેવાલો પ્રગટ થતાં અનેક લોન ગ્રાહકો સોનું છોડાવવા બેન્કે પહોંચ્યા પણ આઠ દસ દિવસ પછી આવવાનું કહી વળાવી દીધા ,આજે ત્રણેય કર્મચારીને અદાલતમાં રજુ કરી રિમાન્ડ મંગાશે
- આરોપી સેલ્સમેનેજર વેરાવળ ઉપરાંત અન્ય બાર બ્રાન્ચની જવાબદારી વહન કરતો હોવાથી અન્ય બ્રાંચોને પણ સતર્ક કરાઈ ,કૌભાંડનો આંકડો વધીને ૨૫ કરોડે આંબવાની શક્યતા
વેરાવળ: અહીના ટાવર રોડ પર આવેલી ખાનગી એક્સિસ બેન્કના ગોલ્ડ લોન વિભાગ ત્રણ કર્મચારીઓએ કૌભાંડ આચરી બે કરોડના ર કિલો ૭૪૬ ગ્રામ સોનાના દાગીના ગૂપચાવી લેવાની ઘટનામાં ગઈ કાલે પોલીસમાં ફરિયાદ થયા બાદ એક મહિલા કર્મચારી અને અન્ય બે પુરૂષ કર્મચારીની પ્રાથમિક પૂછપરછ સાથે આજે વેરાવળ પોલીસે ત્રણેયની વિધિવત ધરપકડ કરી છે. આ કર્મચારીઓ પાસેથી જુદી જુદી વિગતો એકત્ર કરવા આવતી કાલે અદાલતમાં રજૂ કરી રિમાન્ડની પોલીસ માગણી કરશે. આ કૌભાંડ હજુ આગળ વધીને છેક વીસથી પચ્ચ્ચીસ કરોડ સુધી આંબી જવાની શક્યતા મનાય છે.
એક્સિસ બેન્કમાં ગોલ્ડકૌભાંડ થયાના અહેવાલો ફેલાતા જે લોકોએ ગોલ્ડ લોન લીધી છે એ બધાને ફાળ પડતા અનેક લોકો નાણા ભરવા અને સોનું છોડાવવાના ઈરાદે બેન્ક શાખાએ પહોંચ્યા હતા આથી સત્તાવાળાઓએ બધાને દસ દીવસ પછી આવજો એમ કહીને વળાવી દીધા હતા. ગઈ કાલે રાજકોટના અધિકારી અને સ્થાનિક બેન્ક મેનેજર તથા અન્ય બ્રાન્ચના દસ જેટલા બહારગામથી આવેલા મેનેજરોએ તપાસ આરંભી હતી.આ બેન્કમાં કુલ ૪૨૬ પાઉચ પૈકી ૪૯ પાઉચની તપાસ કરતા એ પૈકીના છ પાઉચમાં ખોટા દાગીના મુકી ર કરોડના ર કિલો ૭૪૬ સોનાના અસલી દાગીનાની જગ્યાએ નકલી દાગીના મૂકવા ઉપરાંત સોનાના વજનની ઘટ અને નકલી દાગીનાની જગ્યાએ લોન લઈ લેવાઈ હોય એવું બહાર આવ્યું હતુ. આ ઘટનામાં ગોલ્ડ વિભાગના ગોલ્ડ ધીરાણ મેનેજર માનસીંગ જાદવભાઈ ગઢિયા, વિપુલ ધીરૂભાઈ રાઠોડ અને પિન્કી બેન મૂલચંદભાઈ દરીયાનુંમલ ખેમચંદાણી સામે આંગળી ચીંધી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.જેના પગલે આજે પોલીસે ત્રણેયની વિધિવત્ત ધરપકડ કરી છેં .અને સીટી પોલીસ ઈન્સપેકટર ઈસરાણી અને સ્ટાફે આગળની કાર્યવાહી વધારી છે.
એક પ્રાથમિક વિગત મુજબ અહી ગોલ્ડ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી માનસિંગ ગઢિયા આઠ વર્ષથી બૈન્કમાં ગોલ્ડ વિભાગમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. એ વેરાવળ સિવાયની ૧૨ બ્રાંચો પણ સંભાળે છે.અને પિન્કીબેન ખેમચંદાણી ચાર વર્ષથી ગોલ્ડ લોન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. અને વિપુલ પણ ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. ગઈ કાલે ફરિયાદ આપ્યા પછી આજે બેન્કમાં કોઈ જ તપાસ થઈ ન હતી. પણ ખાનગીબારણે બધા પાઉચનું વેરિફિકેશન ચાલુ છે.
પ્રાથમિક વિગતો મુજબ બેન્કમાં જુદા જુદા સમયે ઓડિટ આવે છે એમાં ગોલ્ડ લોન જે આપી હોય એની તપાસ કરવામાં આવે છે. જયારે ગોલ્ડ લોન આપવામાં આવે ત્યારે ગીરો તરીકે મુકેલુ સોનુ એક પાઉચમાં રાખવામાં આવે છે. અને એ પાઉચ મુકી દેવામાં આવે છે. ગોલ્ડ લોન લેનાર વ્યકિત નિયમિત હપ્તા કે વ્યાજ ભરતો હોય એટલે બીજી કોઈ ઝંઝટ કરવામાં આવતી નથી. જે તે સમયે અગાઉ સોનુ આવ્યું હોય એનુ ઓડિટ થઈ ગયા પછી બીજી કોઈ તપાસ કરવામા આવતી નથી. આ રસમનો ગેરલાભ લઈને આ કૌભાંડ કરવામાં આવ્યું હોવાની શંકા વ્યકત કરવામા આવી છે અને આગળના સોનાની હેરાફેરી કરી લીધી હોય એમ મનાય છે. એમ પણ જાણવા મળે છે કે અહી બેન્કના તાબામાં રહેલા સોનાની સમયાંતરે ફિઝિકલ સ્ટોક અને ગોલ્ડ પ્યુરિટી વેરિફિકેશન થતુ ન હોવાથી બેન્ક પાસે ગ્રાહકના સોનાનો સ્ટોક યથાવત છે કે નહી એ કોઈ પૂછનારુ ન હોવાથી મોકળુ મેદાન મળી ગયું હશે અને અહી વાડ જ ચીભડા ગળે એવી કોઈ સ્થિતિ નિર્માણ થઈ હોય એમ કહેવાય છે. હાલ તો બેન્કના જુદા જુદા કર્મચારીઓની આંતરિક પુછપરછ ચાલી રહી છે.