પોરબંદર જિલ્લામાં પહેલી વાર છેલાણા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
ગાંધીભૂમિમાં પોલીસે હાથ ધર્યું ગુંડાઓનું સ્વચ્છતા અભિયાન !
ગેંગના લીડર સહિત દસ સભ્યો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી, ગેંગના સભ્યો સામે બે થી લઇને અઢાર ગુન્હા નોંધાયાનું થયું જાહેર
પોરબંદર: એક સમયે પોરબંદરનું નામ જુદી જુદી ગેંગોને લીધે બદનામ હતું, શેરીએ, ગલીએ ધાણીફૂટ ગોળીબાર થતા અને ગેંગવોરમાં સરાજાહેર મર્ડર થતા. હવે આવી પરિસ્થિતિ ફરી ઉત્પન્ન ન થાય તે માટે પોલીસ સક્રીય બની છે. ઓડદર ગામે રહેતા માથાભારે છેલાણા ગેંગના સભ્યો દ્વારા બેથી લઇને અઢાર જેટલા ગુન્હાઓ આચરીને ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, રાયોટીંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ આચરવામાં આવી હોવાથી જિલ્લા પોલીસવડાએ ગાંધીભૂમિમાં ગુંડાઓનું સ્વચ્છતા અભિયાન હાથ ધરીને છેલાણા ગેંગના લીડર અને તેના નવ સાગરિતો મળી કુલ દસ શખ્સો સામે ગુજ-સી-ટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારની આ કાયદા હેઠળ કાર્યવાહી થયાનું એસ.પી.એ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કર્યુ હતું.
જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને એવી માહિતી જાહેર કરી હતી કે ઓડદર ગામે જુદા-જુદા અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા રમેશ ભીખા છેલાણા અને તેની ગેંગના સભ્યો સામે બે થી લઇને અઢાર ગુન્હાઓ નોંધાયા છે તેથી આ છેલાણા ગેંગ સામે ગુજ-સી- ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી.ને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરખાસ્ત મોકલી હતી. આ દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર મારી દેવાતા પોરબંદરની કોર્ટમાં ગેંગ લીડર રમેશ છેલાણા અને તેના નવ સાગરીતો સામે ગુજ-સી-ટોક હેઠળ કોર્ટમાં કેસ દાખલ થયાનું જણાવ્યું હતું અને આ સમગ્ર કેસની તપાસ હવે સી.ટી. ડી.વાય.એસ.પી. કરશે.
ઓડદરની છેલાણા ગેંગના લીડર રમેશ છેલાણા સામે નવ જેટલા ગુના નોંધાયા છે તો કાના રાણા છેલાણા સામે અઢાર જેટલા ગુન્હાઓ નોંધાઇ ચૂકયા હોવાનું એસ.પી.એ જાહેર કર્યુ હતું.આરોપીઓને પોરબંદર પોલીસ અન્ય રાજ્યમાંથી પકડીને લાવી હતી અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ- ૩૦૭, ૪૫૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા આર્મ્સ એકટ કલમ-૨૫ (૧)બી એ, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ રમેશ ભીખાભાઇ છેલાણા, કાના રાણાભાઇ છેલાણા, રામા ઉર્ફે આલા બધાભાઇ છેલાણા, ભાવેશ ઉર્ફે ભાયા બધાભાઇ છેલાણા રહે. તમામ ઓડદર ગામ રબારી કેડા મોમાઇ માતાના મઢ પાસે રહે છે આ તમામ સામે કાર્યવાહી ગુજ-સી-ટોક હેઠળ થઇ છે. પોલીસ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અન્ય છ શખ્શો કોણ છે? તેના નામ જાહેર કરવામાં આવ્યા નથી અને તેઓ ના નામ જાહેર થશે તો ભાગી જશે તેવી આશંકા દર્શાવીને પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરવામાં આવ્યા ન હતા.
ભોગ બનનારાઓને આગળ આવવા એસ.પી.ની અપીલ
પોરબંદરના જિલ્લા પોલીસવડાએ જાહેર અપીલ કરીને એવું જણાવ્યું હતું કે ઓડદરની આ ગેંગના આતંકનો કોઇ ભોગ બન્યા હોય તો હજુ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી શકે છે. કોઇપણ પ્રકારનો ભય રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરીને પોલીસ દ્વારા તેમની સામે કડકમાં કડક પગલા ભરવામાં આવશે તેવી ખાતરી આપી છે.
ગુનો આચરીને ભેગી કરેલી મિલ્કત ટાંચમાં લેવાની પણ જોગવાઇ
ઓડદરની છેલાણા ગેંગના સભ્યોએ કરોડો રૂપિયાની મિલ્કત બનાવી છે તેવા ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષ નાથાભાઇ ઓડેદરાએ કર્યા હતા. ગુજ-સી-ટોક હેઠળ પગલા લેવા માંગ કરી હતી અને તે અંગે લેખિત આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે આ કાયદા હેઠળ છેલાણા ગેંગની ગેરકાયદેસર કબ્જો જમાવીને એકત્ર કરવામાં આવેલી મિલ્કત પણ ટાંચમાં લેવાઇ શકે છે. સંગઠિત ગુન્હા સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલા પુરાવા ગ્રાહ્ય રખાશે તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલી કબુલાતને પણ વિચારણામાં લેવાશે. સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરું પડાશે.