બરવાળામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળી
ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, ના નારા સાથે
ઠેર ઠેર પ્રસાદ વિતરણ, સ્વાગત, પૂજન સાથે ભાવિક ભક્તોએ આસ્થાભેર ઉત્સવ ઉજવ્યો
બરવાળા: ભગવાન જગન્નાથજીની મહિમાના ગુણગાન સમગ્ર ગુજરાતમાં ગવાય છે ત્યારે બરવાળામાં આ વર્ષે પ્રથમ વખત રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો અને સમગ્ર પંથક આ ધર્મોલ્લાસમાં જોડાયો હતો અને ઠેર ઠેર સંસ્થાઓએ સ્વાગત કર્યુ ંહતું અને મુસ્લિમ સમુદાય પણ જોડાઇ ભાઇચારાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.
સમગ્ર દેશમાં અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નિકળે છે. બરવાળા નગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાનું લક્ષ્મણજી મંદિરનાં મહંત પ.પૂ. જગદેવદાસજી બાપુની હાકલ પડતા બરવાળા નગરના તમામ ધર્મ-જાતિનાં લોકોએ બાપુનો પડયો બોલ ઝીલી લીધો અને હિન્દુ યુવા સંગઠનનાં સહયોગથી બરવાલા નગરમાં ભવ્ય ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી અને સમગ્ર બરવાળામાં જય જગન્નાથ અને જય રણછોડ, માખણ ચોરના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠયું.
સવારે ૯ કલાકે લક્ષ્ણજી મંદિરનાં દ્વારાથે જગન્નાથજી તથા રથનું પૂજન કરી રથનાં દોરડા વડે રથને સીંચીને બરવાળાનાં યુવાનો અને વેપારીઓ દ્વારા ભગવાન જગન્નાથજીને નગરચર્ચાએ રવાના કરવામાં આવ્યા. સમગ્ર બરવાળા નગરમાં હૈયે હૈયુ દળાઇ તેવો માહોલ સર્જાયો અને શહેરનાં મુખ્ય માર્ગ પર ઠેર ઠેર સ્વાગત, પૂજન કરવામાં આવ્યું. બેન્ડ-વાજા અને સંગીતનાં સથવારે અનેક રાસ મંડળીઓ પણ જોડાઇ અને બેટી બચાવો, બેટી પઢાવો. જેવા અનેક ફ્લોટ સાથે જોડાયા. સમગ્ર નગરમાં અને શેરીઓમાં લોકોએ સ્વયંભૂ ચા-પાણી-નાસ્તા અને સરબતોની વ્યવસ્થા કરી હતી. ભગવાન જગન્નાથજીના પાટશેરીમાં મોસાળુ કરાયું. માલધારી સમાજનાં લોકોએ પરંપરાગત વેશભૂષામાં રાસ રમી અને લાઠીદાવ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બરવાળાનાં ખોજા જમાત, દાઉદી વ્હોરા સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરી કોમી એકતાનો સંદેશો આપ્યો હતો.
પ્રથમ વખત નિકળનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજીને પરંપરાગત રજવાડી ગાડામાં રથ નિર્માણ કરી સમગ્ર નગરનાં તમામ વિસ્તારમાં વિચરણ કરાવ્યું હતું અને જાણે ભગવાન જગન્નાથજી ખુદ નગરચર્યાએ નીકળ્યા હોય તેવો માહોલ ઉભો થયો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરનાં મુખ્ય માર્ગો પર ફરી બપોરે ૩ કલાકે કાશીદાસજી બાપુની દેરી પાસે રથયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી.