Get The App

ફિક્સ ડીપોઝીટની રકમ પાકતી મુદતે નહીં આપી ૫.૨૦ લાખની ઠગાઇ

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
ફિક્સ ડીપોઝીટની રકમ પાકતી મુદતે નહીં આપી  ૫.૨૦ લાખની ઠગાઇ 1 - image


અમદાવાદની ખાનગી કંપની સામે રાજકોટમાં ફરિયાદ

મનપાના મહિલા કર્મચારીએ પોતાના અને માતાના નામે જુદી-સાતેક વર્ષ પહેલા ફિક્સ ડીપોઝીટ કરાવી હતી

રાજકોટ :  ૧૫૦ ફૂટ રિંગ રોડ પરના સંતોષ પાર્ક શેરી નં. ૧માં રહેતી અને આરએમસી સ્પોર્ટસ સંકુલમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતી રાખીબેન દિનેશભાઈ શાહ (ઉ.વ.૪૨)એ  યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો.ઓ.સોસાયટી લી. (યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા પ્રા.લી.)ના જવાબદાર ડીરેક્ટરો વિરૃધ્ધ પોતે મૂકેલી ફિક્સ ડીપોઝીટની રકમ રૃા. ૫.૨૦ લાખ પાકતી મુદતે નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ફરિયાદમાં રાખીબેને જણાવ્યું છે કે સાતેક વર્ષ પહેલા તેને ફિક્સ ડીપોઝીટ કરાવવી હતી. જેથી બહેન પિનાબેનના રેફરન્સથી ધનસુખ જેઠાભાઈ લોલવાણી (રહે. નવાગામ ઘેડ, જામનગર) અને રાજેશ ગોવિંદભાઇ ચૌહાણ (રહે. નાગનાથ ગેઇટ, જામનગર)ના સંપર્કમાં આવી હતી.

આ બંને જણા તેના ઘરે ૨૦૧૭માં આવ્યા હતા અને કહ્યું કે તેમની કંપની યુનિક સ્વયમ મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ કો.ઓપ. સોસાયટી લી. આરબીઆઈ દ્વારા રજીસ્ટર્ડ થયેલી છે. જેમાં તેઓ બંને એજન્ટ છે. તેમની કંપની ફિક્સ ડીપોઝીટનું સારું એવું વ્યાજ આપે છે. ત્યાર પછી કંપનીના જુદા-જુદા પ્લાન સમજાવતા પોતાના અને માતા રેખાબેનના નામે કુલ રૃા. ૫.૨૦ લાખની જુદી-જુદી પોલીસી કરાવી હતી.

જે પોલીસીમાંથી સરેન્ડર કરેલ અને પાકતી મુદતની પોલીસીની ડીપોઝીટની રકમ મેળવવા માટે તે કંપનીની પ્રમુખ સ્વામી આર્કેડમાં આવેલી ઓફિસે ગઇ હતી ત્યારે ત્યાંના કર્મચારીઓએ કહ્યું કે હાલ અમારી કંપની ખોટમાં ચાલે છે એટલે તમારી ડીપોઝીટના રૃપિયા આપી શકશું નહીં, તમારા રૃપિયા અમદાવાદ ખાતે કંપનીની મેઇન ઓફિસ ખાતેથી તમારા ખાતામાં જમા થશે.

પરંતુ બાદમાં તેના ખાતામાં ડીપોઝીટની રકમ જમા નહીં થતા કંપનીની અમદાવાદના આશ્રમ રોડ પર ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે યુનિક હાઉસમાં આવેલી ઓફિસે એકાદ વર્ષ પહેલા રૃબરૃ જતાં ત્યાંથી કહેવાયું કે બે-ત્રણ મહિનામાં તમારા ખાતામાં રૃપિયા જમા થઇ જશે. પરંતુ હજુ સુધી તેના કે તેના માતાના ખાતામાં રૃપિયા જમા થયા ન હોવાથી આખરે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 


Google NewsGoogle News