પોરબંદર જિલ્લામાં આપઘાતના પાંચ બનાવઃ ત્રણે પીધી ઝેરી દવા, બેનો ગળાફાંસો
ચાર બનાવમાં કારણ અકળ, એકે બીમારીના લીધે ભર્યું પગલું
દેગામમાં તરૂણીએ, ફટાણામાં પ્રૌઢે, બખરલામાં પરિણીતાએ તથા રાણાવાવ અને કુણવદરમાં બે વૃધ્ધે જીવન ટૂંકાવ્યું
પોરબંદર: પોરબંદર માત્ર ત્રણ તાલુકાનો નાનો જિલ્લો હોવા છતાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ ઊંચું છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ પાંચ વ્યક્તિઓએ આત્મહત્યા કરી હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું છે. જેમાં ૧૫ વર્ષની કિશોરીથી માંડીને ૭૧ વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ બાબત ચિંતાનો વિષય છે અને આત્મહત્યા ના બનાવોને અટકાવવા માટે નક્કર પ્રયાસો કરવા જરૂરી બન્યા છે.
દેગામ ગામે રહેતી હેતલ રાજુભાઈ સુંડાવદરા (ઉ.વ)૧૫ એ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
કુણવદર ગામની પારુ સીમમાં રહેતા સુકાભાઇ રામભાઈ કારાવદરા (ઉ.વ.) ૬૫ને ફેફસાનું કેન્સર હોવાથી તેના ડોઝનો દુખાવો સહન થતો નહીં હોવાથી પોતાની મેળે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા સુકા ભાઈનું મોત નીપજ્યું છે.
પોરબંદર નજીકના ફટાણા ગામે રમેશભાઈ કરસનભાઈ કાપડી (ઉ.વ.) ૫૬એ પોતાની મેળે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈને જિંદગી ટૂંકાવી લીધી છે.
બખરલાની પાઉ સીમ વાડી વિસ્તારમાં રહેતા પોલાભાઈ કારાભાઈ ખૂંટી દ્વારા બગવદર પોલીસ મથકમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે તેમના પત્ની નીતાબેન પોલાભાઈ ખૂટી (ઉ.વ.) ૨૮એ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
રાણાવાવની રામેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશ કેશવાલા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે હાજાભાઇ હરદાસભાઇ કેશવાલા (ઉ.વ.૭૧)એ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતા પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન હાજાભાઇનું મોત નીપજ્યું છે.