ખંભાળિયામાં પેટ્રોલ પંપ સંચાલક સહિત પાંચ શખ્સોની ધરપકડ
બે દિવસ પહેલા ભીષણ આગ લાગવા મામલે કાર્યવાહી
ગંભીર લાપરવાહી દાખવીને પેટ્રોલ મિશ્રિત વરસાદી પાણીનો જાહેરમાં નિકાલ કર્યા બાદ દિવાસળી ચાંપતા ત્રણ વાહનો ભસ્મીભૂત થયાનું ખુલ્યું
ખંભાળિયા: ખંભાળિયા શહેરમાં આવેલા એક પેટ્રોલ પંપ નજીક રવિવારે પેટ્રોલ મિશ્રિત વરસાદી પાણીનો જાહેરમાં નિકાલ કરવાથી ભભૂકી ઊઠેલી ભીષણ આગળના પ્રકરણમાં બેદરકારી દાખવવા સબબ પેટ્રોલ પંપના સંચાલક સહિત કુલ ચાર શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા યમુના પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે આશરે નવેક વાગ્યાના સમયે એકાએક ભભુકી ઉઠેલી ભીષણ આગમાં એક મોટરકાર અને બે બાઈક સહિત ત્રણ વાહનો સંપૂર્ણપણે સળગી જવા પામ્યા હતા. રાત્રિના સમયે પેટ્રોલ પંપ પાસે લાગેલી આગથી થોડો સમય ભય સાથે દોડધામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પેટ્રોલ પંપ પાસે શિવાલિક હોસ્પિટલની સામે લાગેલી આ આગમાં એક તબીબની મોટરકાર તેમજ બે બાઈકસળગી જતા રૂ. ૪.૪૫ લાખની નુકસાની થયાનું ખુલવા પામ્યું હતું.
આગના આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એલ.વી. જાદવ દ્વારા પેટ્રોલ પંપના સંચાલક ધીરેનભાઈ તુલસીદાસ બારાઈ, અનુપરાય, પપુરાય તેમજ જીગર પ્રકાશભાઈ રાઠોડ નામના કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી ધીરેનભાઈ બારાઈ કે જેઓ યમુના પેટ્રોલ પંપના સંચાલક છે, તેમણે વરસાદી પાણી ભરાવાના કારણે આરોપી અનુપરાય અને પપુરાય પાસે આ પેટ્રોલ પંપના પેટ્રોલની ટાંકીઓની સફાઈ કરાવી હતી. આ સફાઈ બાદ તેમાંથી કાઢવામાં આવેલું પાણી મિશ્રિત પેટ્રોલ જ્વલનશીલ હોવાથી જાહેર રોડ પર નિકાલ ન કરવાનો નિયમ હોવા છતાં પણ રોડ ઉપર છોડી દીધું હતું. બીજી તરફ આ પ્રવાહી આગળ રોડ ઉપર જતા અન્ય એક આરોપી જીગર પ્રકાશભાઈ રાઠોડએ આ પ્રવાહીમાં સળગતી દીવાસળી ફેંકતા આગ લાગી હોવાનું સીસી ટીવી ફૂટેજ પરથી ધ્યાને આળ્યું હતું.
પરીણામે ખંભાળિયા પોલીસે પેટ્રોલ પંપના સંચાલક તેમજ તેમના બે કર્મચારીઓ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી, આ પ્રકરણમાં પેટ્રોલ પંપ સંચાલક ધીરેનભાઈ બારાઈ, જીગર પ્રકાશ રાઠોડ, અનુપકુમાર શ્યામસુંદર રાજભર (મૂળ રહે. બિહાર), પપુકુમાર લાલનરાય રાય (મૂળ રહે. બિહાર) અને ખંભાળિયામાં કુંભાર પાડો વિસ્તારમાં રહેતા કૌશિક ધીરુભાઈ રાઠોડ નામના પાંચ શખ્સોની અટકાયત કરી, તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આર.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.