તળાજામાં યુવકના હત્યારા વધુ પાંચ શખ્સની ધરપકડ
શખ્સોના ઘરે સર્ચ કરતા તિક્ષ્ણ હથિયારો મળ્યાં
પોલીસે હત્યારાઓને સાથે રાખી રિ-કંટ્રક્શન કરતા ટોળા વળ્યાં, મરણોત્તર નિવેદન મજબૂત પુરાવો
તળાજા: તળાજાની મહુવા ચોકડી પર કરિયાણાના વેપારી યુવક પર હુમલો કરી હત્યારા કરવાના બનાવમાં પોલીસે વધુ પાંચ હત્યારા શખ્સની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તળાજાના દિનદયાળનગરમાં રહેતા રવિભાઈ દિલુભાઈ મકવાણા ઉપર ખૂંનસ ભર્યા કરવામાં આવેલા હુમલાને લઈ સારવારના ત્રીજા દિવસે રવિભાઈ મકવાણાનું મૃત્યુ થતાં હત્યામાં પરિણમ્યો હતો. જે બનાવમાં પોલીસે અગાઉ બે સગીરે ઝડપી લીધા બાદ અન્ય પાંચ હત્યારા ઈમ્તિયાઝ ઉર્ફે શાકાલ, તેનો ભાઈ સાકીર મહંમદભાઈ પઠાણ, પિતરાઈ ભાઈ સમીર કાળુભાઈ લીંબુવાળા, ફૈઝલ ઉર્ફે બતક ફિરોઝભાઈ, સુરજ સુરેન્દ્રભાઈ ચૌધરી નામના શખ્સોની ધરપકડ કરી આજે સાંજે શખ્સોને સાથે રાખી આઇપીએસ અંશુલ જૈન, પીઆઈ ગોર, તપાસનિશ અધિકારી પીએસઆઈ મકવાણા સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળ વિસ્તારનું રિ-કંટ્રક્શન,પંચનામું કર્યું હતું. આ સમયે લોકોના ટોળા એકઠા થયા હતા. વધુમાં હત્યારા શખ્સોના ઘરમાં સર્ચ કરતા તિક્ષ્ણ અને બોથડ હથિયારો મળી આવ્યા હતા. ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને અન્ય વસ્તુઓ પુરાવા માટે કબજે લેવાની બાકી છે. અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ ? તે બાબતે તપાસ ચાલી રહી છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે તેમ પોલીસે જણાવ્યું હતું.
યુવાને અંતિમ શ્વાસ લેતા પહેલા પોલીસને સાતેય શખ્સના નામજોગ ફરિયાદ આપી હોય, તે અનુસંધાને સેશન કોર્ટના પબ્લિક પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે, આ મરણોત્તર નિવેદન પુરાવા રૂપે મજબૂત માની શકાય છે. કોઈ હોસ્ટાઈલ થઈ જાય તો પણ મરણોત્તર નિવેદન મજબૂત પુરાવા તરીકે માની શકાય છે.
એટલો મારમાર્યો કે શરીર લીલું થઈ ગયું : પરિવારજનો
હત્યારા ઈમ્તિયાઝ ઉર્ફે શાકાલ નામના શખ્સે બે વર્ષ પહેલા મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. રવિભાઈના મૃત્યુને લઈ પરિવારજનોએ જણાવ્યું હતુ કે, તેને એટલી હદે માર મારવામા આવ્યો હતો કે, બંને પગે બે-બે અને એક હાથે એક મળી પાંચ ફેક્ચર હતા. મુંઢ ઈજા એટલી હતી કે, શરીર લીલા જેવું થઈ ગયુ હતું.