સાવરકુંડલામાં ભાજપનાં મહામંત્રી સહિત ત્રણ વેપારી પર પાંચ વિધર્મીઓનો હુમલો
લોહાણા મહાજનવાડી પાસે પાર્કિંગ સ્થળે રેંકડી મુકવા બાબતે માથાકૂટ
શહેર બંધનાં એલાન સાથે વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ માર્ગો પર ઉતરી ચક્કાજામ કર્યો, રોષભેર રેલી કાઢતા સાવરકુંડલા પોલીસ છાવણીમાં ફેરવાયું
વિગત પ્રમાણે, સાવરકુંડલામાં આવેલી લોહાણા મહાજનવાડી સામેની જગ્યામાં પાર્કિંગ માટે આજે સવારે ૯.૩૦ વાગ્યાનાં અરસામાં બાંધકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રહીમભાઈ ગોરી ઉર્ફે પેઈન્ટર નામનાં શખ્સે પોતાની રેંકડી રાખવા માટે કડીયા કારીગરોને ગાળો આપીને કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતાં આસપાસમાં દૂકાન ધરાવતાં લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ નરસીદાસ માધવાણી, ઉમેશભાઈ દયાળજીભાઈ ઉનડકટ, રમેશભાઈ જીકાદ્રા, શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ સુરેશભાઈ નાગ્રેચા, આર.એસ.એસ.નાં કાર્યકર તેજસભાઈ બળવંતરાય રાઠોડ વગેરે દોડી આવ્યા હતા અને પેઈન્ટર રહીમભાઈ ગોરીન સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન રહીમભાઈ ગોરીએ ફોન કરી દેતા તેમનો પુત્ર શાહબુદીન ગોરી, મોટાભાઈ અને ભત્રીજો અનશ તથા એક અજાણ્યો શખ્સ ઘસી આવ્યા હતા અને માથાકૂટ ચાલુ કરી હતી. આ સાથે પાંચેય વિધર્મી શખ્સોએ ત્યાં બાંધકામ માટે પડેલા પાવડા જેવા ઓજારો અને હથિયારોથી ઘાતકી હુમલો કરી દીધો હતો. જેમાં ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, લોહાણા સમાજનાં પ્રમુખ જગદીશભાઈ માધવાણી અને આર.એસ.એસ. કાર્યકર તેજસભાઈ રાઠોડને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પાંચેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટયા હતા.
આ ઘટનાનાં પગલે સમગ્ર સાવરકુંડલા શહેરમાં વાત ફેલાઈ જતાં દૂકાનો-બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને વેપારીઓ તથા હિન્દુ સંગઠનોએ માર્ગો પર ઉતરીને રસ્તા પર બેસી જઈ હુમલાખોરોને તાકિદે પકડીને જાહેરમાં સરભરા કરવાની માંગ સાથે ચક્કાજામ સર્જી દીધો હતો. બાદમાં રોષભેર રેલી કાઢીને બધા હોસ્પિટલે પહોંચી ગયા હતા. પરિણામે માહોલ તંગ બની જતાં એ.એસ.પી. વલફ વૈદ્ય સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમજાવટનો દોર શરૂ કર્યો હતો. આ સાથે હુમલાખોરો રહીમ ગોરી, તેના પુત્ર શાહબુદીન, ભત્રીજા અનશ અને મોટાભાઈને ઝડપી લઈને ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચાની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
'આ કેરલ નથી, એટલું સમજી લેજો' : ધારાસભ્ય
સાવરકુંડલામાં ભાજપનાં મહામંત્રી સહિત ત્રણ વેપારી અગ્રણીઓ પર આજે પાંચ વિધર્મી શખ્સોનાં હુમલા બાદ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલા તુરંત દોડી આવ્યા હતા અને પોલીસને ખખડાવતા કહ્યું કે, 'આ કેરળ નથી, ગુજરાત છે, એટલું સમજી લેજો. અમારા કાર્યકર્તા પર હુમલા થાય, અમારા પર આડી ગાડીઓ નાખો અને ગમે તે થાય એ ચલાવી નહીં લેવાય. હું આઈજીપી અને હોમ મિનિસ્ટર સાથે વાત કરૂં છું. તમારે રેકોર્ડ કરવું હોય તો કરજો પણ મેસેજ પહોંચાડજો.'
- તાબડતોબ એએસપી દોડી આવ્યા, સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસ, ચાર હુમલાખોરોની ધરપકડ, એકની શોધખોળ