61 લાખના બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટનાં કૌભાંડમાં પાંચની ધરપકડ
રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીએ ફરિયાદ નોંધાવી
રાજ્યભરમાં જે-જે શહેરોમાં પેઢીઓ નોંધાઈ હતી ત્યાં રાજકોટ પોલીસના એકસામટા દરોડા
રાજકોટ: રાજકોટ સેન્ટ્રલ જીએસટીમાં બોગસ પેઢી નોંધાવી તેના આધારે ૬૧.૩૮ લાખની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી લેવાયાના કૌભાંડ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ઈઓડબલ્યુ, ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમોએ રાજયભરમાં આજ સવારથી દરોડા પાડી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
આ સમગ્ર કૌભાંડ અંગે વીસેેક દિવસ પહેલાં ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે ઈઓડબલ્યુએ તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે સેન્ટ્રલ જીએસટીના અધિકારી જયપ્રકાશ સિંગે આજે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચે બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાની, છેતરપિંડી અને ગુનાઈત કાવત્રા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે જૂન-ર૦ર૩થી સપ્ટેમ્બર ર૦ર૩ દરમિયાન કોઈપણ શખ્સે પરમાર એન્ટરપ્રાઈઝ નામથી બનાવટી ભાડા કરાર બનાવી તેને સેન્ટ્રલ જીએસટીની રેસકોર્સ રિંગરોડ સ્થિત ઓફિસમાં રજૂ કરી જીએસટી નંબર મેળવી લીધા હતા.
ત્યાર પછી ૧૪ અન્ય કંપનીઓના સંચાલકો સાથે મળી ગુનાઈત કાવતરૂ રચી, બોગસ બિલીંગ કરી, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆતોના આધારે રૂા.૬૧.૩૮ લાખની કિંમતની બોગસ ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી સરકારને નુકસાન પહોંચાડાયું હતું.
ફરિયાદમાં આરોપી તરીકે અન્ય જે પેઢીઓના નામો દર્શાવાયા છે તેમાં યશ ડેવલોપર (દર્શિત કોમ્પલેક્ષ, નંદી પાર્ક, રાજકોટ), ઈકરા એન્ટરપ્રાઈઝ (ગોકુલ ચોક પાસે મફતિયાપરા, કોટડાસાંગાણી), સિવીલ પ્લસ એન્જીનિયરીંગ (કાકા કોમ્પ્લેક્ષની પાછળ, રઘુવીર એપાર્ટમેન્ટ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ), ધનશ્રી મેટલ (પ્લોટ નં.૧, પડવલા, તા. કોટડાસાંગાણી), આર્યન એસોસિએટ (આજોઠા, વેરાવળ), જયોતિ ઈન્ફાસ્ટ્રકચર (સરથાણાથી કામરેજ, સુરત), અહાર્મ સ્ટીલ (મેરીડીયન સ્કવેર, વિદ્યાનગર, ભાવનગર), રિધ્ધી ઈન્ફાસ્ટ્રકચર (ગાંધીનગર), આશાપુરા ટ્રેડિંગ (કોઠારીયા પ્લોટ, રાજકોટ), શિવ મિલન પ્લાસ્ટીક અને ગ્લોબટ્રા ઈમ્પેકસ (રતનપર, મોરબી રોડ), માં દુર્ગા સ્ટીલ (કડી, મહેસાણા), મારૂતિનંદન કન્સ્ટ્રકશન (જોશીપુરા, જૂનાગઢ) ઉપરાંત લખુભા નાનભા જાડેજા (મોટી ખાવડી હાઈસ્કૂલ વિસ્તાર, તા. જામનગર)નો સમાવેશ થાય છે.
તપાસ કરનાર ઈઓડબલ્યુના પીઆઈ સંજયસિંહ જાડેજાએ આ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અમન નાશીરભાઈ કારાણી (ઉ.વ.ર૪, રહે. માતમ ચોક, લીંબડી), અમન રફિકભાઈ બીનહરીશ (ઉ.વ.ર૦, રહે. ભગવતીપરા શેરી નં.ર, રાજકોટ), સૈયદ ઉર્ફે કાનુ મજીદભાઈ સારી (ઉ.વ.ર૪, રહે. શિવપરા શેરી નં.૪, રૈયા ચોકડી, રાજકોટ), વિશાલ પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.ર૮, રહે. લીંબડી) અને પાર્થ સતિષભાઈ પરમાર (ઉ.વ.રર, રહે. શ્રીનંદ નગર શેરી નં.૪ની સામે, શાંતિનગર શેરી નં.૧, અમદાવાદ, મૂળ લીંબડી)નો સમાવેશ થાય છે.
ઈઓડબલ્યુના સૂત્રોએ જણાવ્યું કે અમન મૂળ ભાડા કરાર કરનાર છે. તેને બીજા અમને ભાડા કરાર કરાવી આપ્યા હતા. જયારે સૈયદ ઉર્ફે કાળુએ ધમભાના કહેવાથી ભાડા કરાર કર્યા હતા. વિશાલે મૂળ માલિક સાથે પાર્થના કહેવાથી ભાડા કરાર કર્યા હતા. આ કૌભાંડમાં જે-જે પેઢીઓએ આર્થિક લાભ લીધો છે તેના સંચાલકોની ધરપકડ કરાશે.