Get The App

જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગની ઘટનાથી ફાયર બ્રિગેડને દોડાદોડી

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં દિવાળીની રાત્રે 27  સ્થળે આગની ઘટનાથી ફાયર બ્રિગેડને દોડાદોડી 1 - image


- લોકોએ મન ભરીને આતશબાજી કરીને આનંદ ઉઠાવ્યો  : ફટાકડાથી દાઝી જતા ત્રણને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા: સરૂ સેક્શન રોડ પર રહેણાંકમાં ફટાકડાના કારણે આગજની

જામનગર, :  જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે લોકોએ મન ભરીને આતશબાજી કરીને આનંદ ઉઠાવ્યો હતો, પરંતુ ફટાકડાના કારણે ૨૭ સ્થળોએ આગજની ની ઘટના બની હતી. અને જામનગર મહાનગરપાલિકાના ફાયર તંત્રને ભારે દોડધામ થઈ હતી.શહેરમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ દાઝી ગઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.જ્યારે સરૂ સેક્શન રોડ પર રહેણાંકમાં ફટાકડાના કારણે આગજનીની ઘટના બની હતી.

મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલા મેઈન ફાયર સ્ટેશન તેમજ જનતા ફાયર સ્ટેશન, અને બેડી ફાયર સ્ટેશનના ફાયર સ્ટાફ, ઉપરાંત દિવાળીને અનુલક્ષીને હંગામી ઊભા કરેલા દરબારગઢ, ખંભાળિયા ગેઇટ, પંપ હાઉસ અને ડી.કે.વી. સર્કલ સહિતના ચાર સ્થળોએ મુકાયેલા ફાયર ફાઈટર વગેરેની મદદથી જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોયની આગેવાનીમાં ૭૦ જેટલા ફાયર સ્ટાફની મદદથી તમામ સ્થળોએ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. અને સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. ગત રાત્રિના ૧૦ વાગ્યાથી લઈને આજે વહેલી સવાર સુધી આગ બુજાવવાની કામગીરી ચાલુ રહી હતી. અને ફાયર તંત્ર સતત દોડતું રહ્યું હતું.

 જામનગરમાં જલાનીજાર વિસ્તારમાં રહેતો ૧૩ વર્ષનો બાળક, કે જેના ઉપર સળગતો ફટાકડો પડતાં દાઝી ગયો હોવાથી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઠેબા ગામના ૨૩ વર્ષના યુવાન પર ફટાકડો પડવાથી ગાલના ભાગે દાઝી ગયો છે, અને તેને પણ દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત દરેડ નો ૪૫ વર્ષનો યુવાન પોતાના પુત્રને ફટાકડા ફોડાવી રહ્યો હતો, જે દરમિયાન પોતે દાઝી ગયો હોવાથી તેને પણ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

જામનગરમાં દિવાળીની રાતે શરૂસેકશન પર દસેક વાગ્યાના અરસામાં એક રહેણાંક મકાનના આગ લાગી હતી. સળગતો ફટાકડો પડવા ના કારણે મકાનમાં આગ લાગ્યા પછી આગની જવાળાઓ દૂર સુધી દેખાઈ હતી, અને સરૂસેક્શન મેઇન રોડ વિસ્તારમાં  અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટુકડી બનાવના સ્થળે પહોંચે તે પહેલા ત્યાંથી પસાર થનારા અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આગજનીની ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો. જે વિડિયો વાયરલ થયો હતો.ફાયર બ્રિગેડની ટુકડીએ બનાવના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.



Google NewsGoogle News