અંતે સર ટી. હોસ્પિટલના 3 આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી
- રિઝનલ ડેપ્યુટી ડાયરેક્ટરના તપાસ અહેવાલમાં આરોપો સિદ્ધ થતાં
- બંને પક્ષોના નિવેદન લેવાયાના 10 દિવસ પછી તપાસ રિપોર્ટ આવ્યો, ત્રણેય આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટને અલગ-અલગ જગ્યાએ મુકાયા
સર ટી. હોસ્પિટલમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા નીતાબેન સોમણ, દર્શનભાઈ સોમણ અને દિપ્તીબેન હળવદીયા દ્વારા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ પર માનસિક ત્રાસ અને રજા તથા ડયૂટીના મનઘડત નિર્ણયો કરી હેરાનગતિ કરવાના આક્ષેપો સાથે હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ આજથી એક માસ પૂર્વે હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજૂઆત કરવા પહોંચ્યો હતો. આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા માનસિક ત્રાસ અને રજા તથા ડયૂટીના મનઘડત નિર્ણયો કરવાના આક્ષેપો થયાં બાદ આ મુદ્દે ગાંધીનગરથી તપાસના આદેશ થતાં આજથી ૧૦ દિવસ પૂર્વે રિઝનલ ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા બંને પક્ષોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોના નિવેદનો લેવાય ગયા બાદ આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નિયમક દ્વારા રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલમાં આરોપો સિદ્ધ થતાં ત્રણેય આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટને હાલની ફરજના સ્થળે ચાલુ રાખવા હિતાવહ નહી હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો અને સર ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ નીતાબેન સોમણની બદલી પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકોટ, દર્શનભાઈ સોમણની બદલી સરકારી હોસ્પિટલ ગોંડલ અને દિપ્તીબેન હળવદીયાની બદલી જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે કરવામાં આવી છે.