મહુવામાં પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાત વ્હોર્યો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
મહુવામાં પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાત વ્હોર્યો 1 - image


- એકાદ માસ પહેલા ઘર છોડી યુવતી બહારગામ પણ જતી રહેલી

- પ્રેમલગ્ન કરી પછતાયેલી યુવતી માતા-પિતા સમક્ષ મારઝૂડની વ્યથા ઠાલવતી

ભાવનગર : મહુવામાં પ્રેમલગ્ન કરી પછતાયેલી પરિણીતાનું જીવન પતિના અસહ્ય ત્રાસને કારણે નર્ક જેવું બની જતાં પરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી દીધો હતો.

કરૂણાંતિકા અંગે મળતી વિગત અનુસાર મહુવા તાલુકાના દેવળિયા ગામે ભીલશેરીમાં રહેતા સુખાભાઈ ભગવાનભાઈ ગોહિલ (ઉ.વ.૪૮)ની પુત્રી જલ્પાબેનએ ત્રણેક વર્ષ પહેલા ભાવિન દિનેશભાઈ પીતળિયા (રહે, ગાંધી વસાહત, સ્લમ નં.૯, મહુવા) નામના શખ્સ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્નના પતિ નાની-નાની બાબતોમાં મારઝૂડ કરી હેરાન-પરેશાન કરતો હોય, વાર-તહેવારે મહુવા બજારમાં ખરીદી કરવા આવતા માતા-પિતાને મળી પ્રેમલગ્ન કરી પછતાયેલી યુવતી પોતાની સાથે થઈ રહેલા મારઝૂડના અત્યાચારની વ્યથા તેમની સમક્ષ ઠાલવતી હતી. જો કે, તેમ છતાં યુવતી પતિનો અસહ્ય ત્રાસ સહન કરી ઘરસંસાર ચલાવતી હતી. પરંતુ દુઃખ-ત્રાસ વધતો જતો હોય, પતિ ભાવિને તેણીને મરવા મજબૂર કરતા ગઈકાલ તા.૨૦-૧૦ને શુક્રવારે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં જલ્પાબેનએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતક જલ્પાબેનના પિતા સુખાભાઈ ગોહિલ (ઉ.વ.૪૮)એ દીકરીને મરવા મજબૂર કરનાર શખ્સ ભાવિન પીતળિયા સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૬, ૪૯૮એ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, પતિના શારીરિક-માનસિક ત્રાસના કારણે એકાદ માસ પહેલા જલ્પાબેન ઘર છોડી બહારગામ પણ જતા રહ્યા હતા.

સમાજનો ડરનો રાખ્યો હોત તો કદાચ દીકરી જીવતી હોત

મહુવામાં પરિણીતા જલ્પાબેનને પતિએ મરવા મજબૂર કરતા તેણીએ ફાંસો બાંધી જીવનલીલા સંકેલી લીધી હતી. તે પહેલા સવારે નવેક વાગ્યાના અરસામાં જલ્પાબેનએ તેના પતિના મોબાઈલમાંથી પિતાને ફોન કરી મને અહીં ગમતું નથી, તમે મને લઈ જાઉં, ભાવિન મને ખૂબ જ હેરાન કરે છે. તેવી વાત કરી હતી. પરંતુ દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોય, સમાજના ડરથી માતા-પિતા કે પરિવારના બીજા કોઈ સભ્ય દીકરીને તેડવા ગયા ન હતા. જો સમાજનો ડર ન રાખ્યો હોત તો કદાચ જલ્પાબેન જિંદગી ટૂંકાવવા પ્રેરાયા ન હોત. અગાઉ પણ દીકરી જ્યારે પતિના ત્રાસની વાત કરતી તો પરિવારજનો સમજાવી પતિ સાથે રહેવાની સલાહ દેતા હતા.


Google NewsGoogle News