રાજુલા રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નીચું હોવાથી અકસ્માતની ભીતિ
- 2 વર્ષથી માંગણી છતાં પ્લેટફોર્મને ઉંચું લેવામાં ઉદાસીનતા
- રેલવે મંત્રીને ટ્વીટ કરતા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવા હૈયાધારણાં આપી
રાજુલા રેલવે સ્ટેશન સતત મુસાફરોના ટ્રાફિક અને માલગાડીઓથી ધમધમતું રહે છે. અહીંથી દૈનિક ૨૦ જેટલી માલવાહક ટ્રેનો પીપાવાવ માટે દોડે છે. તેમજ લોકલ અને લાંબા અંતરની ટ્રેનો પણ નિયમિત રીતે શરૂ થઈ ગઈ હોય, રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ખૂબ જ નીચું હોવાથી વૃધ્ધો-મહિલાઓ સાથે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ પ્લેટફોર્મને ઉંચું લેવા માટે છેલ્લા બે વર્ષથી રજૂઆતો થતી હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. જેના કારણે તાજેતરમાં રાજુલાના વેપારી રસિકભાઈ શેઠે રેલવે મંત્રીને ટ્વીટ કરી નીચા પ્લેટફોર્મના કારણે પડતી હાડમારી અંગે રજૂઆત કરતા રેલ મંત્રીએ પ્લેટફોર્મને ઉંચું લેવા ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરવા માટે ખાતરી આપી છે.
વધુમાં રાજુલા શહેરથી ૧૦ કિ.મી.ની અંતરે આવેલા રેલવે સ્ટેશનમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ છે. જેના કારણે ટ્રેનના કેટાક કોચ તો રેલવે સ્ટેશનની હદથી બહાર ઉભા હોય છે. પ્લેટફોર્મ પૂરતા પ્રમાણમાં ન હોવાથી વૃધ્ધો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ મુસાફરોને ટ્રેનમાં ચડવાની ખૂબ જ તકલીફ પડે છે. ત્યારે લોકોને પડતી મુશ્કેલીનો વહેલી તકે નિવેડો લાવવા માંગણી ઉઠી છે.