ઠાસા પાસે શેત્રુજી નદીના બેઠલા પુલ ઉપરથી પિતા-પુત્ર તણાયા
- પાંચ ડોબરા ગામેથી પિતા-પુત્ર સાવરકુંડલાના ભમોદરા ગામે જઈ રહ્યા હતા
- તરવૈયાઓએ શોધખોળ કરતા પુત્રનો મૃતદેહ મળી આવ્યો, પિતા હજુ લાપત્તા : મામલતદાર, પોલીસ કાફલો દોડી ગયો
ગારીયાધાર
ગારિયાધાર તાલુકાના પાંચટોબરા ગામેથી પિતા અને પુત્ર બાઇક લઇ સાવરકુંડલાના ભમોદરા ગામે જઇ રહ્યા હતા તે વેળાએ ઠાસા નજીક શેત્રુંજી નદીના બેઠલા પુલ પર વહેતા પાણીના પ્રવાહ સાથે પિતા અને પુત્ર તણાઇ જતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તરવૈયાઓએ ઝંપલાવી શોધખોળ હાથ ધરતા પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પિતાનો હજુ અતોપતો લાગવા પામ્યો ન હતો.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધાર તાલુકાના પાંચટોબરા ગામે રહેતા અને ઇંટો પાડવાનો વ્યવસાય કરતા રોહિતભાઇ લાધાભાઇ ગોહિલ (ઉ.વ.૩૨) અને તેના પિતા લાધાભાઇ લીંબાભાઇ ગોહિલ (ઉ.વ.૫૮) બંને આજે સવારે ૧૧ કલાકના અરસા દરમિયાન પોતાનું બાઇક લઇ સાવરકુંડલા તાલુકાના ભમોદરા ગામે આવેલ તેઓના ઇંટોના ભઠ્ઠે જવા નિકળ્યા હતા તે વેળાએ ગારિયાધારના ઠાસા અને ધોબા ગામ વચ્ચે ટૂંકા માર્ગ પર આવેલ શેત્રુંજી નદીના બેઠલા પુલ પર ઉપરવાસમાં વરસેલ વરસાદના કારણે પાણી જઇ રહ્યા હોય તેમાંથી બાઇક પસાર કરતા ધસમસતા પાણીના પ્રવાહ સાથે પિતા અને પુત્ર બંને તણાઇ જવા પામ્યા હતાં.
બનાવની જાણ થતા સ્થાનિક લોકો-ખેડૂતો દોડી આવ્યા હતા અને તરવૈયાઓએ પાણીમાં ઝંપલાવી શોધખોળ હાથ ધરતા રોહિતભાઇનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. જ્યારે રાત્રિ સુધી હજુ પિતા લાધાભાઇનો અતોપતો લાગવા પામ્યો ન હતો. બનાવની જાણ થતા ગારિયાધાર મામલતદાર, પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે મૃતક યુવાનનો કબ્જો સંભાળી પી.એમ. અર્થે ગારિયાધાર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.