ગળામાં ફંદો પહેરી મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના વિરોધ
- ડુંગળીની નિકાસ હટાવો, કાં ખેડૂતોને ફાંસી આપો
- મહુવાથી અટકાયત કરી 20 ખેડુતોને તળાજા પોલીસ મથકે લઈ જવાયા
મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની હરરાજી શરુ થઈ છે તેની વચ્ચે આજે ખેડુત એકતા સંઘના ભરતસિંહ તથા અન્ય ખેડુતો દ્વારા ડુંગળીની નિકાસ હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડુતોએ ગળામાં ફાંસીનો ફંદો પહેરી ડુંગળીની નિકાસ હટાવો, કાં ખેડૂતોને ફાંસી આપો જેવા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, એક ડુંગળીની નિકાસ બંધ કરવાના નિર્ણયથી મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને દરરોજની ૩.૫૦ કરોડના નુકસાન જાય છે. જો નિકાસબંધીનો નિર્ણય હટાવવામાં નહી આવે તો ખેડુતોને મોટું નુકસાન જવાની શક્યતા છે. આજે મહુવા માર્કેટ યાર્ડમાં ખેડુતોના વિરોધ પ્રદર્શન થયું હતુ. પરિસ્થિતિને જોતા મહુવા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત હતો અને બાદમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા ૨૦ ખેડૂતોની અટકાયત કરી હતી. આ દરમિયાન ખેડુત આગેવાને આગામી સમયમાં ભાવનગરમાં પણ વિરોધ પ્રદર્શન થશે તેમ પણ જણાવ્યું છે.
ખેડૂતોને અટકાયત બાદ 40 કીમી દુર તળાજા લઈ જવાયા
મહુવા માર્કેટ યાર્ડમાં વિરોધ કરી રહેલા ખેડુતોની પોલીસે અટકાત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ૨૦ જેટલા ખેડુતોની મહુવા પોલીસે અટકાયત કર્યાં બાદ પોલીસ તેમને મહુવા પોલીસ મથકને બદલે ૪૦ કિલોમીટર દુર તળાજા પોલીસ મથકે લઈ ગઈ હતી.