ટાણા ગામે ખેડૂતોએ ડુંગળી રસ્તા પર વેરી, ટ્રાફિકજામ
- નિકાસબંધીથી ગરીબોની કસ્તુરીએ ધરતીપુત્રોને રડાવ્યા, હાલત દયનિય
- નિકાસ ઉપરના પ્રતિબંધને નહીં હટાવાઈ કે ટેકાના ભાવે ડુંગળી નહીં ખરીદવામાં આવે તો ગામડે-ગામડે વિકાસ યાત્રાનો વિરોધ
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા ધરતીપુત્રોની હાલત દયનિય બની ગઈ છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ હાલ ધરતીપુત્રોને આર્થિક સંકટમાં મુકી રડાવ્યા છે. ત્યારે સમગ્ર જિલ્લામાં ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસ ઉપર મુકવામાં આવેલા સરકારી પ્રતિબંધનો વિરોધ થઈ રહ્યો હોય, આજે બુધવારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સિહોર તાલુકાના ટાણા ગામે રોષ ઠાલવવામાં આવ્યો હતો. ખેડૂતોએ મોટી સંખ્યામાં ભેગા થઈ ડુંગળી રસ્તા પર ફેંકી રસ્તો રોકી દેતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હતા. જેથી પોલીસે દોડી જઈ ખેડૂત આગેવાનો તેમજ ખેડૂતોને ડિટેઈન કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. વધુમાં નિકાસબંધી નહીં હટાવાઈ કે ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાં પ્રદર્શન અને ગામડે-ગામડે વિકાસ યાત્રાનો વિરોધ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.