ખેડૂતોએ ટેકનોલોજીના ઉપયોગ સાથે પ્રાકૃતિક ખેતીને અપનાવવી જરૂરી
- દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ, જમીન અને પર્યાવરણનુ રક્ષણ
- જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના તથા પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો પ્રારંભ
ભાવનગરના માર્કેટીંગ યાર્ડ ખાતે આજે ગુરૂવારે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત દેશી ગાય નિભાવ ખર્ચ સહાય તથા પ્રાકૃતિક કૃષિ કિટ સહાયનો કાર્યક્રમ યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી બે પગલાની શરૂઆત કર્યા બાદ આજરોજ અન્ય બે પગલાના હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કિટ અને ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચના લાભો એનાયત કરવામા આવશે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી તેમજ રાજ્યપાલે વેબકાસ્ટિંગના માધ્યમ થકી ખેડૂતોને વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી. ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવો, પદાધિકારીઓ અને ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર ખેડૂતોના હિતને વરેલી છે. ગુજરાતના ખેડૂતો દરેક પરિસ્થિતિમાં સારી ખેતી કરવા માટે સક્ષમ છે અને ખેડૂતો માટે લીધેલ આ સાત પગલાં તેમને નવું બળ પૂરૂ પાડશે.
ખેડૂતોએ ટેકનોલોજીના ઉપયોગ સાથે પ્રાકૃતિક ખેતીને અપનાવવી જોઇએ. જેથી ઉત્પાદન વધે અને એના પરિણામે આવક વધે. જો ખેડૂત સમૃદ્ધ હોય તો ગામ સમૃદ્ધ બને અને ગામ સમૃદ્ધ બને તો શહેર સમૃદ્ધ બને. મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે વધુ પડતા વરસાદને લીધે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એમને સર્વે કરીને સરકાર તમામ સહાય કરશે.
ગુજરાતના રાજ્યપાલે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ, જમીન અને પર્યાવરણનુ રક્ષણ થશે. સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ માસ રૂ.૯૦૦ની સહાય તેમજ પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય આધારીત જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા માટે ખેડૂતોને રૂ.૧૩૫૦ની સાધન સહાય આપવાની આ બે યોજનાઓ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે નવું બળ પૂરું પાડશે.
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મંચસ્થ મહાનુભવોનું સ્વાગત કરી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે લોન્ચ થયેલ યોજનાઓ અંગે માહિતી આપી હતી તેમજ મદદનિશ ખેતી નિયામકએ ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. આભારવિધી તેમજ શપથ લેવડાવી હતી. તાલુકા કક્ષાએ ખેતીમા ક્રાંતિ લાવનાર લક્ષ્મણભાઈ હુંબરને આત્મા દ્વારા બેસ્ટ આત્મા એવોર્ડ તથા ૧૦,૦૦૦ રૂપીયાનો ચેક અર્પણ કરાયો હતો.