ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી અટકાવી, જાણો એવું તો શું થયું
- યાર્ડનું કદ વધારવા 14 વીઘા જમીન ખરીદ કરાઈ
- દોઢ લાખ કટ્ટા ડુંગળીની આવક થતા નવી ખરીદેલી જમીનમાં ગોઠવાયા
ગોંડલ, તા. 25 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થતાં ખેડૂતો રોષે ભરાયા હતા. સફેદ ડુંગળીની અંદાજિત 2 લાખ કટ્ટાની આવકો થઈ છે વ્યાપક પ્રમાણમાં આવકો થતા ભાવ ઘટ્યાનું ચર્ચાયું હતું. 2 દિવસમાં ડુંગળીના ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. સફેદ ડુંગળીના ભાવ એક મણના 150થી 200 રૂપિયા મળતા તાત્કાલિક ખેડૂતોએ હરરાજી અટકાવી દીધી હતી.
સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ દરમિયાન સતત વિવિધ જણસીઓની આવક થઈ રહી છે, જેની સામે વિશાળ માર્કેટિંગ યાર્ડ પણ ટૂંકુ પડી રહ્યું છે, તેનું કદ વધારવા યાર્ડ તંત્ર દ્વારા નજીકની જ આશરે રૂપિયા 14 કરોડની 14 વીઘા જમીન ખરીદ કરવામાં આવી છે. બુધવારે વ્યાપક પ્રમાણમાં ડુંગળીની આવક થતાં નવી જગ્યામાં કટ્ટા ગોઠવાયા હતા.
નવી ખરીદી કરાયેલી જગ્યામાં ડુંગળી ઉતારવાની વ્યવસ્થા કરવા માલ ઉતારવા માટેની વ્યવસ્થા માટે જમીનનું લેવલીંગ તથા લાઇટ વ્યવસ્થા વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હતી.