પિતૃ કાર્ય માટે સોમનાથ જતાં પરિવારને અકસ્માત નડયોઃ 4 મોત, 18 ઘાયલ
ચોટીલા નજીક પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ગોજારી ટક્કર
લીંબડીનાં શિયાણી ગામમાં સગી દેરાણી - જેઠાણી સહિત ચાર હતભાગી મહિલાઓથી અર્થી ઉઠતા શોકનું મોજું
રાજકોટ : ચોટીલા - રાજકોટ હાઇવે અકસ્માત માટેનું એપી સેન્ટર છે. સોમવારના રાત્રીનાં મોલડી ગામ નજીક પીક અપ વાન સાથે ઓચીંતા ધસી આવેલો ટ્રક ધડાકાભેર અથડાતા મરણચીસોથી હાઇ-વે ગાજી ઉઠયો હતો. આ અકસ્માતમાં લીંમડીનાં શીયાણી ગામથી પિતૃકાર્ય માટે સોમનાથ જતાં કોળી પરિવારની ચાર મહિલાઓનાં કરૃણ મોત નિપજ્યા હતા અને ૧૮ કુટુંબીઓ ઘવાયા હતા. આજે એક સાથે ચાર અર્થિ ઉઠતા શોકની લાગણી છવાઈ ગઇ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર લીંમડીનાં શિયાણી ગામનાં દેથાળીયા કોળી પરિવારનાં ૨૦ થી વધુ સભ્યો પીક અપ વાનમાં બેસીને પિતૃકાર્ય માટે સોમનાથ જવા નિકળ્યા હતા. સોમવારે રાત્રીનાં ૧૨ વાગ્યાના અરસામાં રાજકોટ હાઇ-વે ઉપરનાં નાની મોલડી પાસે પહોંચતા ડીવાઇડર તોડી બનાવાયેલ બિન અધિકૃત ક્રોસિંગમાંથી મહારાષ્ટ્ર પાર્સિંગનો ધસમસતો ટ્રક અચાનક રોડ વચ્ચે આવી ચડી પીક વાન સાથે ધડાકાભેર અથડાતા મરણચીસો ગાજી ઊઠી હતી. જેમાં પીક અપમાં બેસી ધાર્મિક કાર્ય માટે જતા કોળી પરિવારની ત્રણ વૃધ્ધાનાં ઘટના સ્થળે તથા એકનું સારવારમાં મરણ નિપજ્યાં હતા. તેમજ ૧૮ જેટલા લોકોને નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચતા વધુ એક વખત ચોટીલા નેશનલ હાઇવે રક્તરંજીત બન્યો હતો.
ગંભીર અકસ્માત સર્જાતા આસપાસની હોટલોમાં રહેલા લોકો દોડી આવી પીકઅપમાં રહેલ ઇજાગ્રસ્તોને બહાર કાઢી ચોટીલા હોસ્પિટલ ખસેડયા હતા. અકસ્માતને કારણે રાત્રીનાં રાજકોટ તરફ જતા ટ્રાફિકને અસર પહોંચી હતી. થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. બનાવની જાણ થતા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવવા માટે સવારનાં ચાર વાગ્યા સુધી કામે લાગી હતી. વહેલી પરોઢે વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. રાત્રીનાં એક સાથે મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો આવતા અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિક ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ કોલેજની બહેનોએ સારવારમાં લાગી ગયા હતા. બીજી તરફ ચાર ચાર માનવ જીવનનો ભોગ લેનાર બેદરકાર ટ્રક ચાલક અકસ્માત બાદ ભાગી છૂટયો હતો, જેની સામે લોકોનો રોષ છવાયો હતો.
આજે મંગળવારના બપોર બાદ મૃતકની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાને હૈયાફાટ રૃદન વચ્ચે કાઢવામાં આવી હતી. એક સાથે ચાર વૃધ્ધાની અથ ઊઠતા સમગ્ર ગામ જાણે હિબકે ચડયું હતું અને દેથળીયા પરિવાર ઉપર જાણે આભ ફાટયું હોય તેવું ભાસતું હતું. દુઃખદ પ્રસંગે ગામ લોકો સાથે અંતિમયાત્રામાં વિધાનસભાનાં દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા પણ સહિતનાં આગેવાનો જોડાયા હતા.