મહુવાની શ્રીજી પ્રોટીન અને નટ બટર કંપની સાથે રૂા.1.71 કરોડની ઉચાપત
ઘરનો જ ઘાતકી : 15 વર્ષથી નોકરી કરતા મેનેજરની અમદાવાદના શખ્સો સાથે મીલિભગત
સેન્ચુરીયન ગ્લોબલ કંપનીના ખોટા કમિશનર અને ટ્રાન્સપોર્ટેશન બીલ બનાવી રૂપિયા ચાઉં કર્યા, છેતરપિંડી પકડાતા ૫૫ લાખ પરત કર્યા
ભાવનગર: મહુવાની શ્રીજી પ્રોટીન અને શ્રીજી નટ બટર કંપની સાથે ઘરના જ ઘાતકી મેનેજરે અમદાવાદની કંપનીના પ્રોપરાઈટર સહિતના શખ્સો સાથે મીલિભગત કરી ૧..૭૧ કરોડની ઉચાપત કર્યાની ઘટના સામે આવી છે. જેમાંથી માત્ર ૫૫ લાખ પરત કરવામાં આવતા સમગ્ર મામલે મેનેજર અને અમદાવાદના બે શખ્સ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના વિક્ટર રોડ, કિશાન સોસાયટી પાછળ આવેલ શ્રીજી પ્રોટીન તેમજ મહુવા-સાવરકુંડલા હાઈવે પર તાવેડા ગામે સર્વે નં.૧૪૩માં આવેલ શ્રીજી નટ બટર નામની કંપનીમાં છેલ્લા પંદરેક વર્ષથી ફોરેન ટ્રેડ મેનેજર (ડોક્યુમેટેશન અને એક્ષપોર્ટને લગતું) તરીકે કામ કરતો સુરજ પરબીર દાસ (રહે, હાલ ભીમરાવ સોસાયટી, પ્લોટ નં.૩૧૩/ઈ, સ્કૂલ નં.૧૩૧૩ની પાસે, શ્યામવાડી પાછળ, મહુવા, મુળ કોલકત્તા, વેસ્ટ બંગાલ) નામના શખ્સે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ના સમયગાળા દરમિયાન અમદાવાદના નારોલ-લાંભા રોડ, નંદનવન રેસીડન્સી, એ/૭૦૮ ખાતે આવેલ સેન્ચુરીયન ગ્લોબલ કંપનીની ઓફિસના પ્રોપરાઈટર મનીષ જેન્તીભાઈ ખસિયા તેમજ કલ્પેશ ખસિયા નામના શખ્સો સાથે મળી પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી મોકલેલ ટ્રાન્સપોર્ટ (ઓશિયન ફ્રેઈટ) કન્ટેનરના સેન્ચુરીયન ગ્લોબલ કંપનીના ખોટા કમિશન અને ટ્રાન્સપોર્ટેશન ઈનવોઈસ (બીલ) રજૂ કરી બન્ને કંપની સાથે રૂા.૧,૭૧,૩૪,૧૨૭ની ઉચાપત કરી હતી. જેનો ભાંડો ફૂટયાં બાદ શખ્સોએ મહુવાની કંપનીને ૫૫ લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના ૧,૧૬,૩૪,૧૨૭ રૂપિયાની ઉઘરાણી કરવા છતાં પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. જે બનાવ અંગે કંપનીના ભાગીદાર તેમજ મેનેજીંગ પર્સન (વહીવટી કામ સંભાળતા) અશોકભાઈ મોહનભાઈ સેંતા (ઉ.વ.૪૯, રહે, મોટી શેરી, બારપરા, મહુવા)એ આજે શુક્રવારે સુરજ પરબીર દાસ, મનીષ જેન્તીભાઈ ખસિયા અને કલ્પેશ ખસીયા નામના ત્રણ શખ્સ સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આઈપીસી ૪૦૬, ૪૦૮, ૪૨૦, ૪૭૧, ૧૨૦બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઓડીટમાં આવક-જાવકના ખર્ચમાં તફાવતે ભાંડો ફોડયો
રો શીંગદાણા અને રોસ્ટેડ શીગદાણાનું મેન્યુફેક્ચરીંગ કરી દેશમાં જથ્થાબંધ અને વિદેશમાં એક્ષપોર્ટ કરતી કંપનીમાં ગત તા.૨૫-૯-૨૦૨૩ના રોજ ઓડીટ કરવામાં આવતા મેનેજર સુરજ દાસે એક્ષપોર્ટના કામમાં ભાડેથી મંગાવેલા એક જ માલના કન્ટેનરના ડબલ બીલો બનાવ્યા હોવાનું તેમજ આવક-જાવકના ખર્ચમાં તફાવત મળતા સમ્ર મામલાની જીણવટભરી તપાસ કરતા સને ૨૦૨૧-૨૦૨૨, ૨૦૨૨-૨૦૨૩ અને ૨૦૨૩-૨૦૨૪ના વર્ષ દરમિયાન સુરજ દાસે પ્રથમ એક્ષપોર્ટ કમિશનના ખોટા બીલ તથા કન્ટેનરના ડબલ બીલો બનાવી બન્ને કંપની પાસેથી ડબલ બીલના રૂપિયા ખંખેર્યાનો ભાંડો ફૂટયો હતો. જેમાં શ્રીજી નટ બટરમાંથી રૂા.૪૪,૬૬,૫૬૦ અને શ્રીજી પ્રોટીનમાંથી રૂા. ૧,૨૬,૬૭,૫૬૭ની ઉચાપત થયાનું તેમજ આ રકમ સેન્ચુરીયન ગ્લોબલ કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું હતું.
પાંચ શખ્સને લીગલ નોટિસ પાઠવી છતાં જવાબ ન મળ્યો
૧.૮૧ કરોડની ઉચાપતની જાણ થતાં મહુવાની કંપની તરફથી તેમના વકીલ મારફત સુરજ દાસ અને સેન્ચુરીયન ગ્લોબલ કંપનીના પ્રોપરાઈટર વગેરે મળી પાંચ શખ્સને ગત તા.૧-૧૧-૨૦૨૩ના રોજ લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસનો જવાબ પણ શખ્સોએ આપ્યો ન હતો. તેમજ બાકીના ૧.૧૬ કરોડથી વધુની રકમ પરત કરવાની વાત થઈ તો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.