Get The App

મોરબીના તનિષ્ક શો-રૃમના પાંચ કર્મીઓ દ્વારા ૧.૫૬ કરોડની ઉચાપત

Updated: May 12th, 2024


Google NewsGoogle News
મોરબીના તનિષ્ક શો-રૃમના પાંચ કર્મીઓ દ્વારા ૧.૫૬ કરોડની ઉચાપત 1 - image


સ્ટોક ટેલી કરતાં ઉચાપત ખુલી

શો-રૃમમાંથી સોનાના દાગીના ફાયનાન્સ કંપનીમાં આપી પર્સનલ લોન લઇ લીધી તથા ગ્રાહકોએ ખરીદેલા દાગીનાની રકમ જમા નહીં કરાવીને ઉચાપત

મોરબી :  મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૃમમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મળીને શો રૃમને ચૂનો લગાવવાનું કામ કર્યું હતું. જેમાં ઘરેણા વેચવાની જવાબદારી સંભાળતા કર્મચારીએ અન્ય સાથે મળીને સોનાના દાગીના નંગ ૭૩ અને દીપકભાઈ પરમારના દાગીનાની ખોટી રીસીપ્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી દાગીના નહિં આપી રૃા. ૧,૫૬,૧૪,૦૦૦ જેટલી રકમની ઉચાપત કરી શો રૃમ સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના રવાપર લીલાપર રોડ પર પ્લેટીનયમ હાઈટ્સમાં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ જયંતીલાલ ભટ્ટી (રહે પંચાસર રોડ શિવ સોસાયટી મોરબી), આશિષભાઈ (રહે મોરબી), ઈરફાન સાદિક વડગામા (રહે વાવડી રોડ મોરબી), ભાવના પ્રેમજીભાઈ સોલંકી (રહે માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી) અને ધવલ અલ્પેશભાઈ પટની (રહે ગ્રીન ચોક પાસે મોરબી) એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે શો રૃમમાં બે મેનેજરની જગ્યા હોય. જ્યાં એક મેનેજરની પોસ્ટ ખાલી હોવાથી રાજકોટથી પરિમલભાઈ મેનેજર તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને શો રૃમમાં ઘરેણાનો ફીઝીકલ સ્ટોક ટેલી કરાવી દેવાનું કહેતા ભાગીદાર રોનકભાઈ બાલકૃષ્ણ બાટાણી જામનગરથી એક ટીમ સાથે સ્ટોક વેરીફાઈ કરવા માટે આવ્યા હતા.

સ્ટોકની ગણતરી કરતા સીસ્ટમના સ્ટોક સાથે મળી રહ્યો ના હતો. જેથી ડીટેઇલમાં તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં શો રૃમના ફ્લોર મેનેજર હરીલાલ જયંતીલાલ ભટ્ટી એક પ્રોડક્ટ જે સિસ્ટમમાં ચડાવેલ ના હતી તે પ્રોડક્ટ ફ્લોર પર ટ્રેમાં શંકાસ્કાદ રીતે નજર ચૂકવીને રાખતા જોવા મળ્યા હતા અને ફ્લોરનો ફીઝીકલ સ્ટોક મેળવવા શરુ કર્યો હતો. દરમિયાન અનેક પ્રોડક્ટ જે સીસ્ટમમાં ના હતી તે ફ્લોર પર જોવા મળી રહી ના હતી. જેથી પ્રોડક્ટને છુપાવવા માટે શો રૃમના સ્ટોકમાં મેનેજર તરીકે કામ કરતા જેની પોસ્ટ બીએસઓ કહેવાય જેનું નામ ધવલ અલ્પેશ પટની છે તે બધો સ્ટોક ગણતરી મેળ કરી રહ્યો હોય તેવું માલૂમ પડયું હતું અને હરીલાલ જયંતીલાલ ભટ્ટી તેમજ ધવલ પટનીને પૂછપરછ કરતા બધો સ્ટોક કંપની અને માલિકની જાણ બહાર સ્ટોર બહાર લઇ ગયો હતો તેવું સ્વીકાર્યું હતું.

સ્ટોરના કારીગર તરીકે કામ કરતા આશિષભાઈ, સ્ટોરનો સેલ્સ સ્ટાફમાં નોકરી કરતા ઈરફાન સાદિક વડગામા, ભાવના સોલંકી આમાં સામેલ છે તેમ રૃબરૃમાં સ્વીકાર્યું હતું. જે બાબતે ટાઈટન કંપની લીમીટેડને ઈમેલથી જાણ કરી હતી અને સ્ટોક ઓડીટર બીજા જ દિવસે સ્ટોર પર આવી સંપૂર્ણ ડીટેઇલ ઓડીટની પ્રક્રિયા શરુ કરી હતી. સ્ટોક ઓડીટ દરમિયાન ધ્યાને આવ્યું કે, હજી ઘણા બધા દાગીના પણ ગુમ છે. જેની ગણતરી કરતા કુલ ૧૦૪ નંગ ઘરેણા જેની કીમત રૃા. ૨,૫૩,૬૧,૦૦૦ થાય તે ગાયબ જોવા મળ્યા હતા. જેની ઉચાપત સ્ટોરના કર્મચારી જેમાં સ્ટોર મેનેજર હરિભાઈ ભટ્ટી, સ્ટોક જવાબદારી સંભાળતા ધવલ સોની, ઈરફાન વડગામા, ભાવના સોલંકી અને કારીગર આશિષભાઈ દ્વારા કરવામાં આવી હોવાનું માલૂમ પડયું હતું.

આ બાબતે હરિભાઈએ જણાવ્યું હતું કે તેઓ મુથુટ ફાઈનાન્સ અને આઇઆઇએફએલ ફાઈનાન્સ અને ફેડ બેંકમાં ઘરેણા આપ્યા જેની સામે પર્સનલ લોન લીધી હતી. જેથી તમામ ફાઈનાન્સ કંપનીમાંથી હરિભાઈને ગોલ્ડ છોડાવવા માટે રૃ ૨૯,૨૧,૯૯૯ આપ્યા હતા અને હરિભાઈની સાથે રહીને ઘરેણા પર લીધેલ લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્યા હતા. તેમજ ઈરફાન વડગામાને પૂછતાં તેને મુથુટ ફાઈનાન્સમાં ઘરેણા આપ્યા જેની સામે પર્સનલ લોન લીધી હતી. તે ગોલ્ડ છોડાવવા રૃા. ૧૩,૭૫,૦૦૦ આપ્યા હતા અને ઘરેણા છોડાવ્યા હતા. ફાઈનાન્સ કંપનીમાંથી રૃપિયાથી લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્યા હતા.

તમામ કર્મચારીની પૂછપરછ કરતા ઘણા બધા ઘરેણાના રૃપિયા ગ્રાહક પાસેથી લઈને ઘરેણા સોંપી આપેલ પણ તેના રૃપિયા કંપનીમાં જમા કરાવ્યા ના હતા. અને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લીધા હતા. આમ પાંચે'ય કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી હોય. જેને સોનાના ઘરેણા જેમાં સોનાની બુટી નંગ ૮, સોનાના સેટ નંગ ૧૧, બેન્ગ્લ્સ નંગ ૧૮, ચેઈન નંગ ૧૪, વીંટી નંગ ૧૫, મંગલસૂત્ર ૨ નંગ, પેન્ડલના સેટ નંગ ૩ અને અધર નંગ ૧ સહીત કુલ ૭૩ નંગ ઘરેણા અને દીપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા પરત મંગાવી દીપકભાઈને પરત નહિં આપી ખોટી રીસીપ બનાવી કુલ રૃા. ૧,૫૬,૧૪,૦૦૦ ની ઉચાપત કરી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News