લગ્નસરાને લઈને શિયાળાની રંગત બગાડતા મોંઘાદાટ શાકભાજી
- ડિસેમ્બરમાં પણ ધૂમ લગ્નો હોય પરિસ્થિતી યથાવત રહેશે
- ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ વધી જતા મધ્યમવર્ગીય ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયુ
સ્વાસ્થ્યવર્ધક શિયાળો જામી રહ્યો હોય તેવા સમયે હાલ લગ્નસરાની સિઝનનો પણ ધમધમાટ વધી રહ્યો છે.લગ્નસરાની સિઝનને લઈને નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં વધુ લગ્નો લેવાયા હોય તમામ જ્ઞાાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, છાત્રાલય, પાર્ટીપ્લોટ, કોમ્યુનિટિ હોલ અને ફાર્મહાઉસ પેક થયેલા જોવા મળી રહ્યા છે. લગ્નસરાને લઈને કેટરર્સ, રસોયાઓ દ્વારા મોટા ભાગના લીલા શાકભાજીના એડવાન્સમાં ઓર્ડર અપાઈ ગયા છે. તેમજ લગ્નસરાને લઈને ગામડાઓમાંથી શાકમાર્કેટમાં લીલા શાકભાજી સમયસર પહોંચી શકતા ન હોય તેની આંશિક અછત જોવા મળી રહી છે. શહેરની મુખ્ય અને પરા વિસ્તારની શાકમાર્કેટમાં જરૂરીયાત કરતા ઓછા શાકભાજી જોવા મળી રહ્યા છે. જેથી તે ઉંચા ભાવે વેચાઈ રહ્યા હોવાનું સુત્રોએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કેે, હજુ આગામી ડિસેમ્બર માસમાં પણ ધૂમ લગ્નોત્સવ હોય ત્યારે પણ આવી જ પરિસ્થિતિ રહે તો નવાઈ નહિ.શાકભાજીના નાના ધંધાર્થીઓ અને રેંકડીધારકો યાર્ડમાંથી જથ્થાબંધ શાકભાજી ખરીદીને તેની પડતર કિંમત પર નફાનો હિસ્સો અને પરિવહન ખર્ચ ઉમેરતા હોવાથી શહેરના પરા વિસ્તારોમાં પહોંચતા શાકભાજીના ભાવ રૂા ૨૦ થી ૩૦ વધી જાય છે. ઘરમાં બનાવાતા શાકભાજીને ટેસ્ટફૂલ બનાવવા માટે મહત્વના ગણાતા લાલચોળ ટમેટા રૂા ૮૦ આસપાસના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે શિયાળામાં ટમેટા રૂા ૨૦ થી ૩૦ ના કિલોેલેખે મળતા હોય છે ત્યારે ટમેટાના ભાવ આસમાને રહ્યા છે. આ સીવાય ગુવાર,ભીંડો અને નાના અને ઓળાના રીંગણા રૂા ૬૦ થી ૮૦, વટાણા ૬૦ થી ૮૦, વાલ રૂા ૬૦, મરચા, ગાજર,કોબી અને ફલાવર રૂા ૬૦ થી ૭૦, લીલી ડુંગળી રૂા ૩૦ થી ૩૫, લીલા ચોળા અને વાલોળ પ્રતિ કિલોએ રૂા ૫૦ થી ૬૦ ના કિલોલેખે વેચાઈ રહ્યા છે. મોટા ભાગના શાકભાજી મોંઘા થતા તેની મધ્યમવર્ગીય ગૃહિણીઓના કિચન બજેટ પર અસર થઈ રહી છે.
શાકમાર્કેટમાં ટુ વ્હીલર્સ માટે યોગ્ય પાર્કિંગનો અભાવ
શહેરની મુખ્ય શાકમાર્કેટ નજીકના અંતરે પાર્કિંગની યોગ્ય સુવિધાના અભાવે મોટા ભાગના ગ્રાહકો શાકમાર્કેટના મુખ્ય બિલ્ડીંગમાંથી ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.ગ્રાહકો સરળતાથી શાકભાજીની ખરીદી કરે તે માટે સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા શાકમાર્કેટની નજીક ટુવ્હીલરના પાર્કિંગ માટે સુયોગ્ય સુવિધા ઉભી કરવામાં આવે તેવી ગ્રાહકોમાં માંગ ઉઠવા પામેલ છે.