For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગર લોકસભા બેઠક પર અંદાજિત 53.73 % નિરશ મતદાન

Updated: May 8th, 2024

ભાવનગર લોકસભા બેઠક પર અંદાજિત 53.73 % નિરશ મતદાન

- વર્ષ 2019 માં યોજાયેલી લોકસભા ચૂંટણીની સરખામણીએ આશરે 5 ટકાથી ઓછું મતદાન નોંધાયું : 13 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ

- ક્ષત્રિય આંદોલનની અસર કારણભૂત કે હીટવેવ ? : ચર્ચા

ભાવનગર : ગોહિલવાડથી વિખ્યાત અને નોંધપાત્ર ક્ષત્રિય મતદારોની સંખ્યા ધરાવતી ભાવનગર લોકસભા બેઠક પર આજે ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઇ હતી. મતદાનના પ્રારંભે અમુક મતદાન મથકો પર મતદારોની કતાર જોવા મળી હતી. પરંતુ સૂર્ય મધ્યાહ્નેે તપતા સરેરાંશ મતદાનની ટકાવારી પણ ઘટવા લાગી હતી. સાંજના ૬ કલાકે પૂર્ણ થયેલી મતદાન પ્રક્રિયામાં મોટાભાગના મતદારોએ મતદાન માટે ખાસ ઉત્સાહ ન દર્શાવતા ભાવનગર લોકસભા બેઠક પર અંદાજીત ૫૩.૭૩ ટકા જેટલું નિરસ મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૯મા ંયોજાયેલી ભાવનગર લોકસભા બેઠકમાં સરેરાશ ૫૮.૮૯ ટકા મતદાનની સામે આ વખતે સરેરાશ મતદાન ૫ ટકા ઘટતા રાજકિય પક્ષોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. જોકે ગત ટર્મની સરખામણીએ આ વકતે નિચુ મતદાન થવા પાછળ ક્ષત્રિય આંદોલનની અસર કારણભૂત છે કે, હીટવેવની અસર તે મુદ્દો પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાનમાં મોડી સાંજે પૂર્ણ થયેલી મતદાન પ્રક્રિયા બાદ આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર ૧૩ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા હતા. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમને સ્ટ્રોંગરૂમમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી તા.૪ જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે. જોકે ચૂંટણી દરમિયાન કેટલાક સ્થળોએ ઈવીએમમાં ક્ષતિ અને બંધ પડયાની ફરિયાદો પણ ઉઠતા તંત્રેને દિવસભર દોડધામ રહી હતી.

સવારે ઘણા મતદાન મથક પર મતદાતાઓની કતાર લાગી, બપોરના સમયે ગરમીના પગલે મતદાન ધીમુ રહ્યુ અને સાંજે પણ મતદાન ઓછું થયુ 

ભાવનગર લોકસભા બેઠક પર આજે મંગળવારે આશરે પ૩.૭૩ ટકા નિરશ મતદાન નોંધાયુ હતું. પ,૬૮,૮પ૪ પુરૂષ, ૪,૬૧,૦૦૮ સ્ત્રી અને ૧૩ અન્ય મળી કુલ ૧૦,ર૯,૮૭પ મતદારોએ મતદાન કર્યુ હતું. આ ચૂંટણીમાં સવારે ૭ કલાકે મતદાનનો પ્રારંભ થયો હતો અને સાંજના ૬ કલાક સુધી મતદાન ચાલ્યુ હતું. કેટલાક મતદાન મથક પર મતદારોની કતાર હોવાથી ૬ વાગ્યા બાદ પણ મતદાન શરૂ રાખવામાં આવ્યુ હતું. મતદાતાઓએ કુલ ૧૧ કલાકના સમય દરમિયાન ઉત્સાહ પૂર્વક મતદાન કર્યુ હતું. સવારે ૭ કલાકથી કેટલાક મતદાન મથક પર મતદાતાઓની કતાર લાગી હતી. યુવા, મહિલા, વૃધ્ધ વગેરે મતદાતાએ મતદાન કર્યુ હતું. ભાવનગર લોકસભા બેઠક હેઠળ ૭ વિધાનસભા આવે છે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, બોટાદ અને ગઢડા વગેરેનો સમાવેશ થાય છે. લોકસભા બેઠક પર કુલ ૧૯૬પ મતદાન મથક પર મતદાનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. બપોરના ૧ કલાક સુધી સારૂ મતદાન થયુ હતુ પરંતુ ત્યારબાદ ૪.૩૦ કલાક સુધી મતદાન મથક પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી તેથી બપોરના સમયે ઓછુ મતદાન થયુ હતું. સાંજના ૪.૩૦ કલાક બાદ મતદારો બહાર નિકળશે અને સારૂ મતદાન થશે તેવી આશા હતી પરંતુ તેવુ થયુ ન હતું. નવા મતદારોએ પ્રથમવાર ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. આ ચૂંટણીમાં મતદાન વધારવા માટે ચૂંટણી પંચે ખુબ જ મહેનત કરી હતી પરંતુ તેમ છતા ઘણા મતદારોએ મતદાન કરવાનુ ટાળ્યુ હતુ, જેના પગલે ગત લોકસભા-ર૦૧૯ની ચૂંટણીની સરખામણીએ આશરે પ ટકા ઓછું મતદાન નોંધાયુ છે. ગત લોકસભાની ચૂંટણીમાં આશરે પ૮.૮૯ ટકા મતદાન નોંધાયુ હતું. 

કુલ નોંધાયેલા ૯,૯૩,૯૨૦ પૈકી ૫,૬૮,૮૫૪ પુરૂષ, ૯,૯૨,૯૪૦ પૈકી ૪,૬૧,૦૦૮ સ્ત્રી તથા ૪૦ પૈકી ૧૩ અન્ય મળી કુલ ૧૦,૨૯,૮૭૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો ઃ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે કોઇ અનિચ્છનિય બનાવ ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી

મતદાન ઘટતા રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે અને ખાસ કરી સત્તાધારી ભાજપના નેતાઓ મુંઝવણમાં હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ઓછું મતદાન કોને ફળે છે અને કોને નડે છે ? તેની રાહ જોવી જ રહી. ઈવીએમ બગડયા હોવાની ફરિયાદ ઉઠી હતી પરંતુ ચૂંટણી વિભાગે તત્કાલ નવા ઈવીએમ ગોઠવી દઈ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળેલ છે. કેટલાક વિસ્તારમાં ઇવીએમ ધીમી ચાલતા હોવાની ફરિયાદ ઉઠી હતી તેથી તંત્રને દોડધામ વધી હતી.  મતદાન મથક પર પાણી, વિકલાંગ મતદાતા વગેરે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વિકલાંગ મતદાતાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેના પગલે શાંતીમય માહોલમાં મતદાન થયુ હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર લોકસભા બેઠક પર કોઈ અનીચ્છીનીય બનાવ બન્યો ન હોવાનુ સરકારી તંત્રએ જણાવ્યુ હતું. ક્ષત્રિય સમાજે બહોળી સંખ્યામાં મતદાન કર્યુ છે અને મોટાભાગના ક્ષત્રિયોએ ભાજપ વિરૂધ્ધ મતદાન કર્યુ હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે, જેના પગલે ભાજપની ચિંતા વધી હોવાનુ કહેવાય છે. ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પગલે ક્ષત્રિયોએ મતદાનમાં રોષ ઠાલવ્યો છે. ભાવનગર લોકસભા બેઠક પર ૧૩ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતાં. આ તમામ ઉમેદવારના ભાવી હાલ ઇવીએમમાં કેદ થઈ ગયા છે. આગામી તા. ૪ જૂને મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં શુ પરિણામ આવે છે ? તેની રાહ જોવી જ રહી. 

સવારથી ઈવીએમમાં ક્ષતિ, બંધ પડવાની ફરિયાદો ઉઠતાં તંત્રની દોડધામ વધી : મહત્તમ મતદાનની તંત્રની અપીલ મતદારોએ ન સ્વીકારી : મતદાન ઘટતાં સત્તાધારી ભાજપની મુંઝવણ વધી હોવાની ચર્ચા ઃ આગામી ૪થી જૂને મતગણતરી

શાંતીપૂર્વક મતદાનની કામગીરી પૂર્ણ થઈ : જિલ્લા ચૂંટણી અધિકારી 

ભાવનગર લોકસભા બેઠક પર આજે મંગળવારે ચૂંટણી યોજાય હતી, જેમાં શાંતીમય માહોલમાં મતદાન પૂર્ણ થયુ છે અને કોઈ અનીચ્છીનીય બનાવ બન્યો નથી. કેટલાક સ્થળે ઇવીએમ બગડવાની ફરિયાદ હતી પરંતુ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન તમામ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ છે તેમ ભાવનગરના જિલ્લા ચૂંટણી અધિકારી આર.કે.મહેતાએ જણાવ્યુ હતું. 

લોકસભાની ચૂંટણીમાં 3039 ઇવીએમ અને 3284 વીવીપેટનો ઉપયોગ થયો 

ભાવનગર લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભા તેમજ જિલ્લાની બે વિધાનસભા બેઠક હેઠળ કુલ ૩૦૩૯ કન્ટ્રોલ યુનીટ અને ૩૦૩૯ બેલેટ યુનીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કુલ ૩ર૮૪ વીવીપેટનો ચૂંટણીમાં ઉપયોગ કરાયો હતો. કેટલાક ઇવીએમ બગડવાની ફરિયાદ ઉઠી હતી તેથી રીઝર્વ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળેલ છે. 

કર્મચારીઓએ ચૂંટણીની સુંદર કામગીરી કરી 

ભાવનગર લોકસભા બેઠક પર કુલ 10,625 કર્મચારીઓએ ફરજ બજાવી હતી. જિલ્લામાં 1965 મતદાન મથક હતા, જેમાં 2166 પ્રિસાઈડીંગ ઓફીસર, 2166 પોલીંગ ઓફસર-૧, ૧૪પ૮ પોલીંગ ઓફીસર, રપ૧૪ મહિલા પોલીંગ ઓફીસર, ર૪૬ માઈક્રો ઓબ્ઝર્વર, ર૧૬૬ પ્યુન વગેરે કર્મચારીઓએ કામગીરી કરી હતી. ઉપરાંત પોલીસ કર્મચારી-અધિકારીઓએ બંદોબસ્ત જાળવ્યો હતો. આ તમામ કર્મચારીઓએ સુંદર કામગીરી કરી હતી. 

ચૂંટણીના પરિણામ માટે 4 જૂન સુધી રાહ જોવી પડશે 

ભાવનગર લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ છે તેથી પરિણામ જાણવાની પણ મતદારોને આતૂરતા ખુબ હોય છે. મતદાર અને રાજકીય પક્ષોએ ચૂંટણીના પરિણામ માટે આગામી તા. ૪ જૂન સુધી રાહ જોવી પડશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં છે અને હજુ ત્રણ તબક્કા પૂર્ણ થયા છે, જયારે ચાર તબક્કા હજુ બાકી છે. આ ચાર તબક્કા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.  

Gujarat