રાજકોટના નામચીન બૂટલેગરે મંગાવેલો રૂા.3.60 લાખનો અંગ્રેજી દારૂ કબ્જે
કુલ બે દરોડામાં ૪.૭૩ લાખની કિમતનો દારૂ-બિયર મળી આવ્યો
ગોવાથી વિસાવદર પંથકના બૂટલેગરને દારૂ પહોંચાડવા જતા સુરતના કામરેજ ગામના બે શખ્સો ઝડપાયા
રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૧ના સ્ટાફે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડી ૪.૭૩ લાખની કિમતના અંગ્રેજી દારૂ સાથે કુલ ચાર શખ્સોને ઝડપી લીધા હતા. રાજકોટના નામચીન બૂટલેગરે સેલવાસથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જો કે આ બૂટલેગર પકડાયો નથી. પરંતુ તેના બે સાગરિતો પોલીસની ઝપટે ચડી ગયા છે.
ક્રાઇમ બ્રાંચના સ્ટાફે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વોચ ગોઠવી ટ્રકને ઝડપી લીધો હતો. જેમાં બ્લુ કલરના કેમિકલના કેરબામાંથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત રૂા. ૩.૫૮ લાખ છે. તે સાથે ટ્રક, બે મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના કેરબા વગેરે મળી કુલ રૂા. ૧૦.૭૩ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ લાલચંદ ઉર્ફે લાલો ગગનદાસ અડવાણી (ઉ.વ.૪૨, રહે. રેલનગર) અને શોયબ અહેમદ મોટાણી (ઉ.વ.૩૦, રહે. પરસાણાનગર શેરી નં.૯)ને ઝડપી લીધા હતા.
બંને આરોપીઓની પૂછપરછમાં આ દારૂનો જથ્થો બજરંગવાડીમાં રહેતા નામચીન બૂટલેગર યાકુબ મુસા મોટાણીનો હોવાનું બહાર આવ્યું છે. જેથી ક્રાઇમ બ્રાંચે યાકુબને વોન્ટેડ દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે. બંને આરોપીઓ દારૂનો જથ્થો સેલવાસથી લઇ આવી રહ્યા હતા. આરોપી લાલચંદ સામે આ અગાઉ પ્ર.નગર પોલીસમાં જ્યારે શોયબ સામે પણ પ્ર.નગર પોલીસમાં દારૂનો એક-એક ગુનો નોંધાયેલો છે.
જ્યારે બીજા દરોડામાં એલસીબી ઝોન-૧ના સ્ટાફે રૂા. ૧.૧૫ લાખનો અંગ્રેજી દારૂ ઝડપી લીધો હતો. બાતમીના આધારે એલસીબી ઝોન-૧ના સ્ટાફે કાળીપાટ ગામ નજીકથી પસાર થઇ રહેલી ટાટા વિન્ગર કારને અટકાવી તલાશી લેતા અંદર બનાવાયેલા ચોરખાનામાંથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી. તે તથા કાર અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂા. ૧૧.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી સુરતના કામરેજ ગામના ધર્મેશ ગોવિંદ કાથરોટીયા અને દિક્ષીત મનસુખ સતાસિયાને ઝડપી લીધા હતા.
આ બંને આરોપીઓ ગોવાથી દારૂનો જથ્થો ભરી વિસાવદર પંથકના બૂટલેગરને સપ્લાય કરવા જઇ રહ્યા હતાં. આરોપી દિક્ષીત સામે વલસાડના પારડી, કામરેજ અને વાસંદા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે.