હરિયાણાથી રાજકોટ આવતો 14.64 લાખનો અંગ્રેજી દારૂ કબ્જે

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
હરિયાણાથી રાજકોટ આવતો 14.64 લાખનો અંગ્રેજી દારૂ કબ્જે 1 - image


- દારૂ મોકલનાર બે શખ્સો ભાગી છૂટવામાં સફળ

- એલસીબી ઝોન-૧ના સ્ટાફે મુંબઇથી ટ્રાન્સપોર્ટ મારફત પાર્સલોમાં અંગ્રેજી દારૂ મંગાવવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો

રાજકોટ : થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ બૂટલેગરો અંગ્રેજી દારૂની રેલમછેલ કરવા માટે સક્રિય બની ગયા છે. બી ડીવીઝન પોલીસ અને ઝોન-૧ એલસીબીના સ્ટાફે બે સ્થળે દરોડા પાડી રૂા. ૧૬.૮૦ લાખનો અંગ્રેજી દારૂ કબ્જે કરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે બે આરોપીઓ પોલીસને ચકમો આપી ભાગી જવામાં સફળ રહ્યા હતા.

બી ડીવીઝન પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઇકાલે રાત્રે નવાગામ (આણંદપર) જવાના રસ્તે ઉભેલા ટ્રક પાસે ધસી જતા અંધારાનો લાભ લઇ મનજીત શર્મા અને છોટુ શર્મા નામના બે શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે રતનલાલ માંગુલાલ ગુર્જર (ઉ.વ.૩૦, રહે. હળવદ ભાડાના મકાનમાં, મૂળ રાજસ્થાન) ઝપટે ચડી ગયો હતો. 

તેને સાથે રાખી પોલીસે ટ્રકની તલાશી લેતા કોલસાની ભૂક્કીની કોથળી નીચેથી અંગ્રેજી દારૂની ૨૪૪ પેટી એટલે કે ૨૯૨૮ બોટલ મળી આવી હતી. જેની કિંમત પોલીસે ૧૪.૬૪ લાખ ગણી હતી, ટ્રક અને મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂા. ૨૩.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે આ દારૂનો જથ્થો હરિયાણાથી લઇ અવાયો હતો. ભાગી ગયેલા મનજીત અને છોટુ બંને આ દારૂનો જથ્થો ભરી લઇ આવતા હતા. બંને મૂળ હરિયાણાના છે. હાલ અમદાવાદ રહે છે. આ બંને દારૂનો જથ્થો મંગાવનાર બૂટલેગર સાથે સંપર્કમાં પણ હતાં. 

જ્યારે એલસીબી ઝોન-૧ના સ્ટાફે મુંબઈથી ટ્રાન્સપોર્ટમાં પાર્સલો મારફત દારૂ મંગાવવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુવાડવા રોડ પરથી પસાર થયેલા પીકઅપ વાનને અટકાવી તલાશી લેતાં અંદરથી રૂા. ૨.૧૬ લાખની કિમતની અંગ્રેજી દારૂની ૧ લીટરની ૩૬૦ બોટલ મળી આવી હતી. 

તે સાથે જ પોલીસે પીકઅપ વાનના ચાલક શબ્બીર કાળુ શેખ (ઉ.વ.૩૮, રહે. રિના એપાર્ટમેન્ટ, પરસાણાનગર) ઉપરાંત દારૂ મંગાવનાર અય્યાઝ ફીરોઝખાન પઠાણ (ઉ.વ.૨૩. રહે. મોમાઇ રેસીડેન્સી, ૨-ભગવતીપરા) અને આસિફ ઉર્ફે માયો ઇબ્રાહીમ થેબેપૌત્રા (ઉ.વ.૨૮, રહે. ગવલીવાડ મેઇન રોડ)ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી અય્યાઝ અને આસિફ પીકઅપ વાનનું બે એક્ટીવા પર આગળ અને પાછળ રહી પાયલોટીંગ કરતા હતા. 

આ બંને આરોપીઓ ઘણા સમયથી મુંબઇ જઇ ત્યાંથી દારૂનો જથ્થો પાર્સલોમાં ભરી, પાર્સલો ઉપર કટલેરીનો સામાન હોવાના સ્ટીકર લગાડી તેને ટ્રાન્સપોર્ટ મારફત રાજકોટ મોકલી ડીલીવરી લઇ વેચાણ કરતા હતા. 

પોલીસે પીકઅપ વાન, બે એક્ટીવા, ત્રણ મોબાઇલ ફોન અને દારૂ મળી કુલ રૂા. ૪.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 


Google NewsGoogle News